સાવરકુંડલામાં કરોડોનું ફૂલેકું ફેરવનાર ગોલ્ડ સ્ટાર કંપનીની તપાસ માટે એસઆઈટી નીમો

  • November 29, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલામાં ગોલ્ડ સ્ટાર હોમ નીડ્સ ઓર્ડર સપ્લાયર્સ નામની મદ્રાસી કંપની ગરીબ સામાન્ય મજૂર વર્ગના હજારો લોકોના અંદાજે બે કરોડ રૂપિયાની ઉઠાંતરી કરી ગુમ થયાને આજે ૩૦ દિવસો થયા છતાં પત્તો નથી ત્યારે આ બાબતે એસ.આઇ.ટી.નું ગઠન કરવા રાજ્યપાલ ને રજૂઆત કરવા એસ.ડી.એમ.ને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આજથી બે મહિના પહેલા સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ ઉપર ગોલ્ડ સ્ટાર હોમનીડ ઓર્ડર સપ્લાયર્સ નામની એક મદ્રાસી કંપની ગોડાઉન ભાડે રાખી લોભામણી લલચામણી સ્કીમ દ્વારા લોકોને આકર્ષવા લાગી હતી. જેમાં ઇલેક્ટ્રીક, ઇલેક્ટ્રોનિક્સ, ફર્નિચર,ઘર વપરાશની તમામ વસ્તુઓ,જે બજાર કિંમત કરતા ૫૦% ઓછા ભાવે આપતી હોવાથી શહેર અને તાલુકાના હજારો લોકો જેમ મેળો જામ્યો હોય તેમ ઊમટી પડ્યા હતા. આ બાબત સાવરકુંડલાના કાઠી ક્ષત્રિય અને વ્હીસલ બ્લોઅર તરીકેની કામગીરી કરતા પ્રતાપ ખુમાણનાના ધ્યાન ઉપર આવતા તારીખ ૨૫/૧૦ ના રોજ જિલ્લ ા કલેકટર અમરેલી,એસપી અમરેલી, એસડીએમ સાવરકુંડલા,ડીવાયએસપી સાવરકુંડલા, મામલતદાર સાવરકુંડલા વગેરેને લેખિત પત્ર દ્વારા તાત્કાલિક આ ચીટર કંપનીની શંકાસ્પદ કામગીરીને રોકવા અરજ કરી હતી. આ ઘટનાને આજે એકાદ મહિનાનો સમય થવા છતાં હજી સુધી કાયદાના હાથ આ લૂંટારુઓ સુધી પહોંચી શક્યા નથી. આજે પત્રકાર અને વ્હિસ્સલ બ્લોઅર પ્રતાપ ખુમાણ દ્વારા આ સ્કીમ નો ભોગ બનેલા તમામ પીડિતોને સાથે રાખીને સાવરકુંડલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને એક આવેદનપત્ર સુ પરત કરાયું હતું. ગુજરાત રાજ્યના રાજ્યપાલ માંગણી કરવામાં આવી છે કે આ ટોળકી પરપ્રાંતીય અને આંતરરાજ્ય ગુનાખોરી આચરતી હોવાની શંકા છે,માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઇટીની રચના કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આ ટોળકીને પકડી ગરીબ લોકોની રકમ પરત આપવા સરકાર  યોગ્ય પગલાં લે તેવી લાગણી અને માગણી છે આજે આ આવેદનપત્ર આપતી વખતે પત્રકારો ,સામાજિક આગેવાનો ,વેપારી આગેવાનો ,તમામ પક્ષના કાર્યકરો ,સેવાભાવી યુવાનો સહિત અનેક ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application