રાજકોટ મહાપાલિકા કચેરીમાં ચાલુ સપ્તાહના પ્રારંભથી જાણે અન ડિકલેર્ડ વેકેશન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોર્પોરેટરોને એક તરફ મતદાર યાદીના એસ.આઇ.આર.ની કામગીરી વચ્ચે બીજી બાજુ ધૂમ લગ્નગાળાને કારણે કચેરીમાં આવવાનો જ સમય રહેતો નથી. જ્યારે લગ્નગાળાને કારણે હાલ અનેક અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ પણ રજા ઉપર છે. ખાસ કરીને અરજદારોનો ટ્રાફિક પણ ઘટી ગયો હોય સતત અરજદારોથી ધમધમતી રાજકોટ મહાપાલિકા કચેરી હાલ ખાલીખમ જોવા મળી રહી છે.
રાજકોટ મહાપાલિકા કચેરીની કુલ ૪૦માંથી હાલ જો કોઈ બ્રાન્ચમાં ટ્રાફિક જોવા મળતો હોય તો એ છે મેરેજ રજિસ્ટ્રેશન બ્રાન્ચ અને ઇલેક્શન બ્રાન્ચ. લગ્નગાળાને કારણે નવદંપતિઓ મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા ધસારો કરી રહ્યા છે, ઇલેક્શન બ્રાન્ચમાં એસ.આઈ.આરની કામગીરીને કારણે સતત ધમધમાટ જોવા મળી રહ્યો છે. તદઉપરાંત મહાપાલિકાની ચૂંટણી નજીકમાં હોય નવી મતદાર યાદીની કામગીરીમાં પણ સ્ટાફ વ્યસ્ત બન્યો છે. વિશાળ મહેકમ ધરાવતી રાજકોટ મહાપાલિકાના અનેક કર્મચારીઓને પણ એસ.આઇ.આર.ની કામગીરીની ફરજ સોંપાઇ હોય મુખ્ય કચેરીથી લઇને ઝોન ઓફિસ અને વોર્ડ ઓફિસ સુધીની કચેરીઓ ખાલીખમ જોવા મળી રહી છે. કોર્પોરેટરો અને પદાધિકારીઓની તો એવી હાલત છે કે એક દિવસમાં ત્રણથી ચાર લગ્ન સમારોહમાં હાજરી આપવી પડે છે.