જીએસટી કૌંભાડના હબ ગણાતા જામનગરમાં એસજીએસટી કચેરીમાં કેવી લાલિયાવાડી પ્રર્વતી રહી છે તેનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારણ કે, મહીલા વેપારીને રૂ.૨૫૦૦૦નું રીફંડ એક, બે નહીં પરંતુ અધધ..૧૦ વર્ષે ચૂકવાયું છે. નવાઇ અને દુ:ખની વાત એ છે કે, રીફંડ મેળવવા પત્ર વ્યવહાર અને ધકકા ખાઇને ત્રાસેલા મહીલા વેપારીએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરતા કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહેલા એસજીએસટીના અધિકારીઓની ઉંઘ ઉડી હતી અને ધંધે લાગ્યા હતાં. આટલું જ નહીં મહીલા વેપારીને રીફંડ ચૂકવવાની વાત તો દૂર કરી તેણીએ કરેલા પત્ર વ્યવહારના હકારાત્મક પ્રત્યુતર પાઠવવાની તસ્દી ન લઇ અક્ષમ્ય બેદરકારી દાખવનાર ઉચ્ચ તથા અન્ય અધિકારીઓ સામે પગલાં લેવાશે કે પછી અન્ય કૌંભાડોની જેમ આ અધિકારીઓને છાવરવામાં આવશે તે સળગતો સવાલ ઉઠ્યો છે.
જામનગરમાં એસજીએસટી કચેરીની સુશુપ્ત અને શંકાસ્પદ કામગીરીના કારણે રાજયમાં જામનગરં જીએસટી કૌંભાડનું એપી સેન્ટર બન્યું છે. ખૂબ જ ટૂંકાગાળામાં ડીજીજીઆઇ અને સેન્ટ્રલ જીએસટીની ટુકડીઓએ દરોડા પાડી પકડી પાડેલા મસમોટા અને રેકર્ડબ્રેક કૌંભાડ તેનો બોલતા પુરાવા છે. આમ છતાં એસજીએસટી કચેરીની કામગીરીમાં સુધારાના બદલે લોલમંલોલ એટલે કે અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. જેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારણ કે, શહેરમાં સમર્પણ હોસ્પિટલ પાસે રહેતા અને ફેશન જામ પેઢીના મહીલા વેપારીએ તા.૨૫/૮/૨૦૧૪ના નિયમ મુજબ જીએસટી નોંધણી નંબર લીધા હતાં. આ સમયે તેણીએ નિયમ મુજબ રૂ.૨૫૦૦૦ ડીપોઝીટ ચલન નંબર ૩૨૮૨૭૨૧થી ભરપાઇ કરી હતી.
ત્યારબાદ મહીલા વેપારીનો જીએસટી નોંધણી નંબર તા.૧/૧૦/૨૦૧૬થી રદ થયો હતો. આથી તેણીએ ડીપોઝીટનું રીફંડ લેવા માટેની પ્રક્રીયા હાથ ધરી હતી. આટલું જ નહીં રફીંડ માટે તેણીએ તા.૧૭-૦૬-૨૦૨૦ના જામનગરના ઘટક-૯૮ના રાજય વેરા અધિકારી-૫ને લેખીત રજૂઆત કરી હતી. જેનો કોઇ હકારાત્મક પ્રત્યુતર ન મળતા તા.૩/૩/૨૦૨૧ના સંયુકત રાજય વેરા કમિશ્ર્નરને પત્ર પાઠવી રજૂઆતો કરી હતી. આમ છતાં જામનગરની એસજીએસટી કચેરી દ્રારા રીફંડ ચૂકવવા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી રીફંડ મેળવવા માટે ધકકા ખાઇને તથા પત્ર વ્યવહાર કરીને થાકી ગયેલા મહીલા વેપારીએ આખરે મુખ્યમંત્રીના જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી.
આ ફરિયાદના પગલે સીજીએસટી કચેરીના અધિકારીઓની ઉંઘ ઉડી હતી અને રીફંડ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આટલું જ નહીં જામનગરના ઘટક-૯૮ના રાજય વેરા અધિકારી-પ દ્રારા તા.૧૬/૦૨/૨૦૨૬ના એટલે કે એક, બે નહીં ૧૦ વર્ષ પછી મહીલા વેપારીને નજીવી રકમનું એટલે કે રૂ.૨૫૦૦૦નું રીફંડ ચૂકવવામાં આવ્યું હતું. નવાઇની વાત તો એ છે કે, એસજીએસટી કચેરીના રીફંડના પે-ઓર્ડરમાં મહીલા વેપારીનો નોંધણી નંબર તા.૧/૧૦/૨૦૧૬થી રદ થયો હોય ભરપાઇ કરેલી ડીપોઝીટની રકમ વેરા સામે વપરાશ કરી નથી અને આજ દીન સુધી વેટ કાયદા-૨૦૦૩ અન્વયે કોઇ માંગણું ઉપસ્થિત થયું નથી. આથી સદર ડીપોઝીટ વર્ષ ૨૦૧૬-૧૭ના વાર્ષિક પત્રકે બીએફ લઇ સીએફ કરેલ છે અને રૂ.૨૫૦૦૦નું રીફંડ વેપારીને ચૂકવવાનું થાય છે તેમ સ્પષ્ટ પણે જણાવાયું છે.
ત્યારે આટલું એસસમેન્ટ એટલે કે વિગતોની ચકાસણી કરતા ૧૦ વર્ષ કેમ લાગ્યા તે મુદો અનેક શંકા અને સવાલ ઉપજાવે છે. આટલું જ નહીં, આ પ્રકારના કેટલી રકમના રીફંડ હજુ બાકી છે તે મુદો પણ તપાસનો વિષય બન્યો છે. ત્યારે આ તેમજ આ પ્રકારના રીફંડના કિસ્સામાં ઘોર બેદરકારી દાખવનાર એસજીએસટીના અત્યારસુધીતા તમામ ઉચ્ચ તથા અન્ય અધિકારીઓ સામે પગલાં લેવાશે કે પછી અન્ય કૌંભાડની જેમ છાવરવામાં આવશે તે જોવાનું રહ્યું.
ઔધોગીક એકમમાં દરોડાના મહીના બાદ પણ અધિરીઓના તપાસ ચાલુના રટણથી શંકા અને સવાલો
જામનગરના ત્રણ ઔધોગીક એકમોમાં ગત તા.૨૦ જાન્યુઆરીના એસજીએસટીના અધિકારીઓએ દરોડા પાડયા હતાં. જેમાં તપાસના બીજી દીવસે અલનૂર મેટલમાંથી ૮ લાખ અને ચારભૂજા ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂ.૧૦ લાખની જીએસટી ચોરી ખૂલી હતી. પરંતુ અન્ય એકમ જય ભવાની કાસ્ટીંગમાં તપાસમાં રાજય બહારની ખરીદી સહીતના આર્થિક વ્યવહારો ખૂલતા તપાસ લંબાઇ હતી.
પરંતુ આ દરોડાને એક મહીના જેટલો સમય થવા છતાં એસજીએસટીના અન્વેષણ વિભાગના આસીસ્ટન્ટ કમિશ્ર્નર સહીત અન્ય તપાસનીશ અધિકારીઓ હજુ તપાસ ચાલુ હોવાનું સતત રટણ કરતા બાકી રહેતા એક એકમમાંથી કોઇ કરચોરી ખૂલી છે કે કેમ તે અંગે મગનું નામ મરી ન પાડતા અને વધુ વિગત માટે અમદાવાદ કચેરીનો સંપર્ક કરવાનું કહેતા દરોડાની કામગીરી શંકાના દાયરામાં આવી છે તો અનેક સવાલ પણ ઉઠ્યા છે.