રણમાં જામશે ‘રન’ સંગ્રામ:આઈપીએલ-૧૩નો આજથી શાનદાર પ્રારંભ: અબુધાબીમાં મુંબઈ-ચેન્નઈ વચ્ચે સાંજે ૭.૩૦થી પહેલો મુકાબલો

  • October 28, 2020 02:04 AM 1983 views

કોરોના વાઇરસે માર્ચ મહિનાથી હાહાકાર મચાવી દીધો અને કોવિડ-૧૯ની મહામારીએ હજારો લોકોનો ભોગ લીધો એ સમગ્ર નકારાત્મક માહોલના લોકડાઉનમાંથી ક્રિકેટપ્રેમીઓ આજથી બહાર આવી શકશે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઇ)માં આજે વિશ્ર્વની સૌથી લોકપ્રિય ક્રિકેટસ્પર્ધા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ૫૩ દિવસના જલસાનો આરંભ થઈ રહ્યો છે, જેમાં ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યે મુંબઈ ઇન્ડિયન્સ તથા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે સ્પર્ધાની પ્રથમ મેચ રમાશે. મુંબઈની ટીમ ગયા વર્ષે ચોથી વાર ચેમ્પિયન બની હતી અને ચેન્નઈની ટીમ રનર-અપ હતી.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા મહેન્દ્રસિંહ ધોની, પહેલી વખત ટાઇટલ જીતવાની તલાશમાં ફરી એકવાર મેદાને પડનારા આક્રમક સ્વભાવવાળા વિરાટ કોહલી, માહીની જેમ ઠંડુ મગજ રાખીને સહજપણે મુંબઈની કેપ્ટન્સી સંભાળતા રોહિત શર્મા તેમ જ દેશ-વિદેશના બીજા ઘણા ખેલાડીઓના સ્ટાર પર્ફોર્મન્સની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ચોક્કા-છગ્ગાનો વરસાદ, વિકેટોની વણઝાર અને દિલધડક મેચોની ભરમાર ધરાવતી આઇપીએલ દેશ-વિદેશના કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓમાં નવચેતન લાવશે અને સમગ્ર વાતાવરણ ઉત્સાહપ્રેરક બની શકે.


કોરોનાના કેરને કારણે છ મહિનાથી ભારતીયોને ક્રિકેટ નથી માણવા મળી અને આઇપીએલ પણ રદ થવાની સંભાવના હતી, પરંતુ યુએઇએ યજમાનપદ બનવાની તૈયારી બતાવતાં આ સ્પર્ધા આ વખતે ત્યાં લઈ જવામાં આવી છે. કરોડો રૂપિયાના ઇનામવાળી આઇપીએલ આ વખતે કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને બાયો-સિક્યોર બબલની સિસ્ટમ હેઠળ રમાવાની છે. ખેલાડીઓ તેમ જ આ સ્પર્ધા સાથે સંકળાયેલા સૌ કોઈએ માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના અમુક ખેલાડીઓ પાંચ-સાત દિવસ મોડા આ સ્પર્ધામાં જોડાશે. તેઓ પોતાની વચ્ચેની વન-ડે સિરીઝ પૂરી થયા બાદ હવે યુએઇ આવી રહ્યા છે જ્યાં તેમણે છ દિવસના ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.


ભારતમાં ૫૦ લાખ કરતાં પણ વધુ કોરોના પોઝિટિવ કેસ બન્યા છે અને એ ગમગીન વાતાવરણમાં આજથી ભારતીય ક્રિકેટપ્રેમીઓ સાંજે મોબાઇલ છોડીને ટીવીને પોતીકું બનાવશે. ૩ નવેમ્બર સુધીમાં કુલ ૪૬ લીગ મેચ રમાશે. મોટા ભાગે દરરોજ એક જ મેચ રમાવાની છે અને એ મેચ ભારતીય સમય મુજબ (સામાન્ય રીતે રાત્રે ૮.૦૦નો સમય હોય છે એને બદલે) સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે. ૩ ઑક્ટોબરથી દર શનિવાર અને રવિવારે બે મેચ રમાશે જેમાં પ્રથમ મેચ બપોરે ૩.૩૦ વાગ્યે અને બીજી મેચ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે.


રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સનો, મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સનો, વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરનો, દિનેશ કાર્તિક કોલકાતા નાઇટ રાઇડર્સનો, કે. એલ. રાહુલ કિંગ્સ ઇલેવન પંજાબનો, ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદનો, સ્ટીવ સ્મિથ રાજસ્થાન રોયલ્સનો, શ્રેયસ ઐયર દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. આજની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં બધાની નજર ફરી ફિટ થઈને રમવા આવેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર તેમ જ ખુદ કેપ્ટન રોહિત શર્મા, કીરોન પોલાર્ડ તેમ જ જસપ્રીત બુમરાહ પર રહેશે. ચેન્નઈની ટીમમાં ધોની ઉપરાંત રવીન્દ્ર જાડેજા, ફેફ ડુ પ્લેસી, ડ્વેઇન બ્રાવો અને શેન વોટ્સન પર બધાની નજર રહેશે.
 

મુંબઈ વતી રોહિતના પાંચ વિક્રમ
અબુ ધાબી : મુંબઈ ઇન્ડિયન્સને વિક્રમજનક ચાર ટાઇટલ અપાવી ચૂકેલો રોહિત શર્મા પોતાની ટીમ વતી પાંચ મહત્ત્વના વિક્રમ ધરાવે છે. (૧) રોહિત મુંબઈ વતી રેકોર્ડ-બ્રેક ચાર આઇપીએલ ટાઇટલ ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯માં જીત્યો હતો. (૨) તે મુંબઈ વતી એક સિઝનમાં સૌથી વધુ વખત કુલ ૪૦૦-પ્લસ રન બનાવનાર ખેલાડી છે. ૨૦૧૨માં તેણે ૪૩૩ રન, ૨૦૧૩માં ૫૩૮, ૨૦૧૫માં ૪૮૨ અને ૨૦૧૯માં ૪૦૫ રન બનાવ્યા હતા. (૩) તેણે મુંબઈ ઇન્ડિયન્સ વતી સૌથી વધુ કુલ ૩૭૨૮ રન બનાવ્યા છે. કીરોન પોલાર્ડ ૨૭૫૫ રન સાથે તેના પછી બીજા નંબર પર છે. (૪) રોહિતે મુંબઈ વતી સૌથી વધુ ૨૮ હાફ સેન્ચુરી ફટકારી છે. (૫) એક દાવમાં સૌથી વધુ ૪ કેચ પકડવાનો વિક્રમ પણ રોહિત ધરાવે છે જે તેણે ૨૦૧૬માં ગુજરાત લાયન્સ ટીમ સામે પકડ્યા હતા.

ચાહકો કેવી રીતે ટીમને સપોર્ટ કરશે?
અબુ ધાબી : આજે યુએઇમાં શરૂ થઈ રહેલી આઇપીએલમાં કોવિડ-૧૯ની મહામારીને લક્ષમાં રાખીને સાવચેતીના પગલાં તરીકે શરૂઆતના તબક્કામાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં નહીં આવવા દેવાય અને ખાલી સ્ટેડિયમ વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સ તથા ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓ મુકાબલા પર ઊતરશે. જોકે, સ્પર્ધાના પ્લેયરોના અસંખ્ય ચાહકોએ વિવિધ પ્લેટફોર્મ મારફત એકમેક સાથે સંપર્કમાં રહેશે અને આઇપીએલ એન્જોય કરશે. તેઓ ઘેર બેઠાં ઝૂમ મિટિંગો દ્વારા એકબીજા સાથે સંપર્ક કરશે અને પોતાની ફેવરિટ ટીમ કેવી હોવી જોઈએ તેમ જ કયો ખેલાડી કેવું રમી શકશે એ વિશે ચર્ચા કરશે. ફેન ક્લબના મેમ્બરો લાઇવ ચેટ દ્વારા કે બીજા માધ્યમ દ્વારા પણ એકમેક સાથે જોડાયેલા રહેશે.
 

પાંચ ભારતીય બેટ્સમેન અને બોલર પર નજર
દુબઈ : આજે શરૂ થતી આઇપીએલમાં ખાસ કરીને પાંચ ભારતીય બેટ્સમેન પર નજર રહેશે: (૧) વિરાટ કોહલી-બેન્ગલોર, ૧૭૭ મેચમાં ૫૪૧૨ રન (૨) રોહિત શર્મા-મુંબઈ, ૧૮૮ મેચમાં ૪૮૯૮ રન (૩) રિષભ પંત-દિલ્હી, ૫૪ મેચમાં ૧૭૩૬ રન (૪) કે. એલ. રાહુલ-પંજાબ, ૬૭ મેચમાં ૧૯૭૭ રન (૫) શિખર ધવન-દિલ્હી, ૧૫૯ મેચમાં ૪૫૭૯ રન. આજે શરૂ થતી આઇપીએલમાં ખાસ કરીને પાંચ ભારતીય બોલર પર નજર રહેશે: (૧) જસપ્રીત બુમરાહ-મુંબઈ, ૭૭ મેચમાં ૮૨ વિકેટ (૨) રવિચન્દ્રન અશ્ર્વિન-દિલ્હી, ૧૩૯ મેચમાં ૧૨૫ વિકેટ (૩) રવીન્દ્ર જાડેજા-ચેન્નઈ, ૧૭૦ મેચમાં ૧૦૮ વિકેટ (૪) કુલદીપ યાદવ-કોલકાતા, ૪૦ મેચમાં ૩૯ વિકેટ (૫) દીપક ચહર-ચેન્નઈ, ૩૪ મેચમાં ૩૩ વિકેટ.

ધોની શું ડિવિલિયર્સનો રેકોર્ડ તોડશે ?
અબુ ધાબી: આજે સાંજે ૭.૩૦ વાગ્યે અબુ ધાબી ખાતેના પ્રથમ મુકાબલા સાથે આઇપીએલની ૧૩મી સિઝન શરૂ થઈ રહી છે અને એમાં આજે પહેલા જ દિવસે ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્રસિંહ ધોનીને આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજા નંબરના ખેલાડી બેન્ગલોરની ટીમના એ. બી. ડીવિલિયર્સનો રેકોર્ડ પાર કરવાનો મોકો છે. ધોની ૧૪ મહિને ફરી રમી રહ્યો છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જોકે, તેના હેલિકોપ્ટર શોટ જોવાનો ચાહકોને ફરી મોકો મળશે જ. ધોની આઇપીએલમાં ૨૦૯ સિક્સર ફટકારી ચૂક્યો છે, જ્યારે એબીડીની ૨૧૨ સિક્સર છે. તેને પાર કરવા ધોનીને આજે મુંબઈ ઇન્ડિયન્સ સામે અથવા પછીની મેચમાં માત્ર ૪ સિક્સરની જરૂર છે. ક્રિસ ગેઇલ ૩૨૬ સિક્સર સાથે આ યાદીમાં મોખરે છે. બીજા નંબરના ડીવિલિયર્સ તથા ત્રીજા નંબરના ધોની પછી ચોથા સ્થાને રોહિત શર્મા (૧૯૪ સિક્સર) અને પાંચમા નંબર પર સુરેશ રૈના (૧૯૪ સિક્સર) છે.

સટ્ટાબાજી પર વિશેષ ગુપ્તચરો રાખશે અંકુશ
નવી દિલ્હી : યુએઇના શારજાહ, દુબઈ તથા અબુ ધાબીમાં ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો આરંભ થઈ રહ્યો છે જેમાં ભારતીય સમય મુજબ સાંજે ૭.૩૦ વાગ્યે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પહેલી મેચ શરૂ થશે. ક્રિકેટના આ મહાજંગ દરમિયાન સટ્ટાબાજી (બેટિંગ)ને લગતી કોઈ પણ ગેરરીતિ ન થાય એ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પોર્ટરડાર ઇન્ટેલિજન્સ ઍન્ડ ઇન્વેસ્ટિગેશન સર્વિસીઝ નામની કંપનીની મદદ લીધી છે. સટ્ટાબાજીના સંદર્ભમાં સ્પર્ધાની બધી મેચો પર આ કંપનીના અધિકારીઓની બાજનજર રહેશે.

અમને મલિન્ગાની ખોટ ખૂબ વર્તાશે: રોહિત
અબુ ધાબી:  આઇપીએલના પહેલા જ દિવસે (ચેન્નઈ સાથે સાંજે ૭.૩૦થી મુકાબલો) મુંબઈ ઇન્ડિયન્સે મુખ્ય બોલર અને આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ૧૭૦ વિકેટ લેનાર લસિથ મલિન્ગા વિના પાંચમી વાર ટાઇટલ જીતવા માટેના પ્રયત્નોની શરૂઆત કરવી પડશે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ જ અહીં પત્રકારોને કહ્યું હતું કે અમને મલિન્ગાની ખોટ ખૂબ વર્તાશે. મલિન્ગા વિના સ્પર્ધામાં જીતવું અમારા માટે આસાન નહીં હોય. તેનું સ્થાન પણ કોઈ લઈ શકે એમ નથી. તે મુંબઈનો મેચ-વિનર છે. 

વિરાટની ટીમે યુએઇના બે બોલરની મદદ લીધી
દુબઈ : વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (આરસીબી) ટીમે આઇપીએલ દરમિયાન પોતાના ખેલાડીઓને પ્રેક્ટિસમાં મદદરૂપ થવા યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)ના બે સ્થાનિક બોલર અહમદ રઝા અને કાર્તિક મૈયપ્પને કામચલાઉ ધોરણે પોતાની ટીમમાં સમાવ્યા છે. રઝા યુએઇનો કેપ્ટન અને લેગ-સ્પિનર છે, જ્યારે કાર્તિક ૧૯ વર્ષનો ટીનેજ ખેલાડી છે અને તે પણ લેગ-સ્પિનર છે. બેન્ગલોરની ટીમના મુખ્ય પ્લેયરોમાં વિરાટ ઉપરાંત એ. બી. ડીવિલિયર્સ, મોઇન અલી, યુઝવેન્દ્ર ચહલ, ઍરોન ફિન્ચ, શિવમ દુબે, ક્રિસ મોરિસ, પાર્થિવ પટેલ, ડેલ સ્ટેન, ઉમેશ યાદવ, ઍડમ ઝમ્પા તથા ઉમેશ યાદવનો સમાવેશ છે. 

ધોનીને મળી ગોલ્ડન કેપ, જાડેજાને તલવાર
અબુ ધાબી : આજની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની પ્રથમ મેચ પહેલાં ગુરુવારે ચેન્નઈ સુપર કિંગ્સના ફ્રેન્ચાઇઝીએ પોતાના અમુક સ્ટાર ખેલાડીઓને અનોખી ભેટથી નવાજ્યા હતા. ચેન્નઈને ત્રણ ટાઇટલ અપાવનાર ધોનીને ગોલ્ડન કેપ અપાઈ હતી. રવીન્દ્ર જાડેજા (સર જડ્ડુ)ને રાજપૂત બોય તરીકે ઓળખાવતી મોમેન્ટો સાથેની પ્રતીકરૂપી તલવાર ભેટમાં અપાઈ હતી. જાડેજા આઇપીએલમાં ૧૦૦ વિકેટ લેવા ઉપરાંત ૧૯૦૦ રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. છેલ્લી પાંચ સિઝનમાં ચેન્નઈ વતી સૌથી સારું પર્ફોર્મ કરવા બદલ શેન વોટ્સનને પણ વિશિષ્ટ બક્ષિસ અપાઈ હતી. માઇક હસી અને ડ્વેઇન બ્રાવોને પણ ઇનામ અપાયા હતા. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application