તાયફાઓ પાછળ બેફામ નાણાં વેડફતા શાસકોએ સ્મશાનોનો ગ્રાન્ટ વધારો અડધો જ મંજુર કર્યો

  • January 23, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વિવિધ કુલ ૪૨ દરખાસ્તો અંગે નિર્ણય થશે જેમાં મુખ્યત્વે રાજકોટ શહેરમાં વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ અને સાર્વજનિક ટ્રસ્ટો દ્રારા સંચાલિત સ્મશાન ગૃહોને મોંઘવારી નડતા મહાપાલિકા દ્રારા દર મહિને અપાતી ગ્રાન્ટની રકમમાં વધારો કરવા માંગણી કરવામાં આવી હતી, સંચાલક સંસ્થાઓએ માંગેલા ગ્રાન્ટ વધારા કરતા અડધો વધારો મંજુર કરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

વિશેષમાં આ દરખાસ્ત અંગે પ્રા વિગતો મુજબ સંચાલક સંસ્થાઓની માંગણી કરતા અડધી રકમની ગ્રાન્ટ આપવાનું સૂચવ્યું છે, અમૂકમાં તો અડધાથી પણ ઓછી રકમની ગ્રાન્ટ આપવાનું સૂચવ્યું છે. મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્મશાન ગૃહોના સંચાલન માટે અપાતી ગ્રાન્ટમાં વધારો આપવામાં હિસાબ કરીને જોખી તોળીને તેમજ માંગણી કરતા
અડધી ગ્રાન્ટ આપવાનું સૂચવે છે તેના બદલે ખર્ચમાં આવો કાપ, આવી કરકસર અને આવી બચત કાર્યક્રમો પાછળ થતા લાખો કરોડો .ના ખર્ચમાં કરતા હોય તો ?! રાજકોટ શહેરના કુલ ૧૬ સ્મશાન ગૃહોમાંથી ૧૨ સ્મશાનને જ વધારો આપવા દરખાસ્તમાં જણાવ્યું છે.
સ્મશાન ગૃહોનું સંચાલન કરતી સંસ્થાઓને ફકત અંતિમયાત્રામાં આવતા ડાધુઓ દ્રારા દાનપેટીમાં અપાતા દાન તેમજ મૃતકના પરિવારજનો તરફથી મળતા દાનમાંથી સ્મશાન ગૃહનો નિભાવ થતો હોય છે, સ્મશાનમાં દાન આપવા કોઈ જતું હોતું નથી. આવા સંજોગોમાં સંચાલક સંસ્થાઓ ઉપર આર્થિક ભારણ આવે છે અને તેઓ દાતાઓ શોધીને તેમની પાસેથી દાન મેળવી માંડ માંડ બે છેડા ભેગા કરતા હોય છે ત્યારે સ્મશાન ગૃહોને ગ્રાન્ટ આપવા મામલે મહાપાલિકા ફેર વિચારણા કરે અને વ્યાજબી વધારો આપે તો તે ઇચ્છનીય અને આવકાર્ય છે. વૈશ્વિક મહામારી કોરોનાકાળના બે વર્ષ દરમિયાન સંચાલક સંસ્થાઓએ આપેલી સેવા ભૂલી શકાય તેવી નથી. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ દરખાસ્ત મંજુર કરવા અંગે નિર્ણય થનાર છે.


પ્રતિ માસ હવે કેટલી ગ્રાન્ટ ચૂકવાશે?

ક્રમ  સંચાલક સંસ્થા સ્મશાન ગૃહહાલની ગ્રાન્ટહવે ચૂકવાશે
(૧) સરગમ કલબ રામનાથપરા ઇલે. ૧,૧૦,૦૦૦ ૧,૫૦,૦૦૦
(૨) સરગમ કલબ રામનાથ પરા લાકડા ૬૦,૦૦૦ ૧,૦૫,૦૦૦
(૩) ઓમકાર ટ્રસ્ટ મોટામવા ૨ યુનિટ ૫૦,૦૦૦ ૯૫,૦૦૦
(૪) ઓમકાર ટ્રસ્ટ મવડી ઇલે. ૫૦,૦૦૦ ૮૦,૦૦૦
(૫) ડો.આંબેડકર ટ્રસ્ટ બાપુનગર ૧૦,૦૦૦ ૧૫,૦૦૦
(૬) ડો.હેડગેવાર સમિતિ થોરાળા ૧૦,૦૦૦ ૩૦,૦૦૦
(૭) શહીદ સતં કંવરરામ ટ્રસ્ટ ખડીયા ૨૫,૦૦૦ ૩૫૦૦૦
(૮) સાંઇ રામેશ્વર ટ્રસ્ટ રૈયા ૨૦,૦૦૦ ૭૦,૦૦૦
(૯) પ્રાર્થના ટ્રસ્ટ જિલ્લા ગાર્ડન ૧૦, ૦૦૦ ૨૦,૦૦૦
(૧૦) એકતા ટ્રસ્ટ ખડીયાપરા ૧૫,૦૦૦ ૨૦,૦૦૦
(૧૧) જય સરદાર ગ્રૂપ ૮૦ ફટ રોડ ૭૫,૦૦૦ ૯૫,૦૦૦
(૧૨) રાધે શ્યામ ટ્રસ્ટ કોઠારીયા ૫૦,૦૦૦ ૭૦,૦૦૦



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application