રાજકોટની ભાગોળે રાજકોટ-મોરબી હાઈવે ઉપર બેડી ગામથી આગળ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના હદ વિસ્તારમાં કાર્યરત મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત તાજેતરમાં રૂડા કચેરીને રાજકોટની હદથી મારવાડી યુનિવર્સિટી સુધીના તમામ દબાણો હટાવવા આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સને લઇ રાજકોટ મહાપાલિકા તો સક્રિય છે પરંતુ રૂડાની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે તેવી છે, આજ દિવસ સુધીમાં રૂડા દ્વારા વાઇબ્રન્ટ ને સંબંધિત શું કામગીરી કરી ? કેટલા હુકમ કર્યા ? ક્યા કામ માટે કેટલી કમિટી રચી ? તે સહિતની કોઈ વિગતો જાહેર કરાઈ નથી તેમજ એક પણ પ્રેસ રિલીઝ પણ કરાઇ નથી.
દરમિયાન તાજેતરમાં કલેક્ટર કચેરી ખાતે મળેલી મિટિંગમાં રાજકોટ મહાપાલિકાની હદથી મારવાડી યુનિવર્સિટી સુધીના રૂટ ઉપરથી લારી ગલ્લા, કેબિનો સહિતના તમામ દબાણો હટાવવા રૂડાને આદેશ કરવામાં આવ્યો છે.
વાઇબ્રન્ટ પૂર્વેની કામગીરી માટે મહાપાલિકા, રૂડા, કલેક્ટર, આરટીઓ, માર્ગ મકાન વિભાગ, ફોરેસ્ટ અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે સંયુક્ત બેઠક યોજાઇ હતી, આ બેઠકમાં જે વિસ્તાર જે કોઇ ડિપાર્ટમેન્ટની હદમાં આવતો હોય ત્યાં કામે લાગી જવા સિંગલ લાઇન સુચના અપાઇ હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક સર્વે મુજબ રાજકોટની હદથી મારવાડી યુનિવર્સિટી સુધી નાના મોટા સ્થાયી અને અસ્થાયી પ્રકારના કુલ એકાદ હજાર જેટલા દબાણો હોવાનું અનુમાન છે.
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી તા.૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ગુજરાત રાજ્યની બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાનાર છે જે સૌરાષ્ટ્ર-કચ્છ કેન્દ્રિત છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સએ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મૉડેલનું વિસ્તરણ છે. દરેક રિજનલ કોન્ફરન્સનો હેતુ પ્રદેશની ક્ષમતાને ઉજાગર કરવાનો અને તેના વિકાસને વેગ આપવાનો છે. દરેક રિજનલ કોન્ફરન્સ પહેલાં એક દિવસીય જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરાશે. જેમાં સ્થાનિક તકો અને પહેલોને ઉજાગર કરાશે. કોન્ફરન્સનો હેતુ સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે તેને વ્યાપક બજારો અને ભાગીદારો સાથે જોડવાનો છે. આ કોન્ફરન્સમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે. તદઉપરાંત એમએસએમઇ કોન્ફ્લેવ, રિવર્સ બાયર સેલર મીટ, બિઝનેસમેન ટુ બિઝનેસમેન (બીટુબી) અને વિવિધ પ્રદર્શનો અને ટ્રેડ ફેર વિગેરે યોજાશે.