BREAKING NEWS

IPLમાં ગુજરાત-બેંગલુરૂ વચ્ચે ફાઈનલમાં 200 કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાશે, બુકીઓ અને પંટરો ભારે અવઢવમાં, જાણો તેની પાછળનું કારણ

  • May 31, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL 2026 હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. આજે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે આ સીઝનનો ભવ્ય અને રોમાંચક ફાઇનલ મુકાબલો રમાશે. આ મહામેચને લઈને માત્ર ક્રિકેટ પ્રેમીઓ કે દિગ્ગજોમાં જ નહીં, પરંતુ સટ્ટા બજારમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ફેન્સ અને ક્રિકેટ વિશ્લેષકો વચ્ચે કઈ ટીમ ટ્રોફી ઉઠાવશે તેને લઈને જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે બંને ટીમોની બેટિંગ અને બોલિંગ લાઇનઅપ અત્યંત મજબૂત છે. જો કે, આ નિર્ણાયક મેચના પરિણામમાં અમદાવાદની પીચ પણ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.


બીજી તરફ, સટ્ટા બજારમાંથી સામે આવેલા આંકડા ચોંકાવનારા છે. આજના આ મહામુકાબલામાં માત્ર 'ટોસ' કોણ જીતશે, તેની ઉપર જ આશરે રૂ. 200 કરોડનો અધધ સટ્ટો રમાય તેવી સંભાવના છે. બુકીઓ અને પંટરો પણ આ બંને માંધાતા ટીમોમાંથી કોણ વિજેતા બનશે તેને લઈને ભારે અસમંજસ (અવઢવ)માં મુકાયા છે. આ જ કારણે બજારમાં કોઈ એક ટીમને એકતરફી ફેવરિટ ગણવામાં આવી નથી અને બુકીઓએ બંને ટીમોનો ભાવ એકસરખો એટલે કે ૯૫ પૈસા ખોલ્યો છે. જો કે, બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ટોસ ઉછળ્યા બાદ અને મેચની પરિસ્થિતિ બદલાતાની સાથે જ બંને ટીમોના ભાવમાં ભારે વધઘટ જોવા મળશે, જે મેચના છેલ્લા બોલ સુધી ચાલુ રહેશે.


ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી

આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત ટાઇટન્સની ટીમ ત્રીજી વખત આઈપીએલની ફાઇનલમાં પ્રવેશી છે, છતાં ટુર્નામેન્ટની શરૂઆતમાં બુકીઓ તેને હોટ ફેવરિટ માનતા ન હતા. સીઝનની શરૂઆતમાં બુકીઓએ મુંબઇ ઇન્ડિયન્સને હોટ ફેવરિટ ગણીને તેનો ભાવ રૂ.. ૨.૭૦ ખોલ્યો હતો, જ્યારે ગુજરાત ટાઇટન્સને નબળી ગણીને ૮માં ક્રમે મૂકવામાં આવી હતી. ગુજરાતમાં મજબૂત બેટિંગ લાઇનઅપનો અભાવ હોવાનું કારણ દર્શાવીને બુકીઓએ તેનો ભાવ એક તબક્કે રૂા. ૨૨ સુધી પહોંચાડી દીધો હતો. તેની સરખામણીએ ટુર્નામેન્ટની શરૂઆતમાં આરસીબી (RCB) નો ભાવ રૂા. ૬ ખુલ્યો હતો. પરંતુ તમામ ગણિતોને ઉથલાવીને ગુજરાતે શાનદાર પ્રદર્શન કરી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.


સટ્ટા બજાર પર મંદીની અસર, પંટરો ફાટીને ધુવાડે

બુકી બજારના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે આઈપીએલમાં ગયા વર્ષની સરખામણીએ અંદાજે ૩૦ ટકા જેટલો ઓછો સટ્ટો રમાયો છે. દેશભરમાં ચાલી રહેલી આર્થિક મંદીની અસર અન્ય વેપાર-ધંધાની જેમ સટ્ટા બજાર પર પણ સ્પષ્ટ જોવા મળી છે. જો કે, કમાણીની દ્રષ્ટિએ આ સીઝન પંટરો માટે જેકપોટ સાબિત થઈ છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મોટાભાગની મેચો હાઇસ્કોરિંગ રહી હોવાને કારણે પંટરો અધધ કમાણી કરી ગયા છે, જ્યારે બુકીઓને ભારે મોટું નુકસાન (લોસ) વેઠવાનો વારો આવ્યો છે.

ક્રિકેટ સટ્ટામાં માત્ર હાર-જીત જ નહીં, પરંતુ અન્ય ઘણી બાબતો પર કરોડો રૂપિયાનો જુગાર રમાતો હોય છે. કઈ ટીમ જીતશે તેની ઉપરાંત, કઈ ઓવરમાં કેટલા રન બનશે અને કયો બેટ્સમેન વ્યક્તિગત કેટલો સ્કોર કરશે તેના પર સટ્ટો રમાય છે. સામાન્ય રીતે બૂકીઓ ૬, ૧૦ અને ૧૫ ઓવરમાં થનારા રન પર જે સટ્ટો રમાડે છે તેને બજારની ભાષામાં 'સેશન' કહેવામાં આવે છે. જ્યારે ડેથ ઓવર્સ એટલે કે ૧૫થી ૨૦ ઓવર દરમિયાન બનનારા રન પર રમાતા સટ્ટાને 'લંબી' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આજે અમદાવાદમાં ભારે ઉથલપાથલ થવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application