આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં પાકિસ્તાન સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં ઐતિહાસિક વિજય મેળવીને ભારતીય ક્રિકેટ ટીમ આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમને આવકારવા માટે એરપોર્ટની બહાર હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ‘ઇન્ડિયા-ઇન્ડિયા’ના નારાઓથી આખું એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું.
ખેલાડીઓ માટે હેલ્ધી મેનૂ
એરપોર્ટ પરથી ટીમ સીધી જ લક્ઝુરિયસ હોટેલ ITC નર્મદા પહોંચી હતી, જ્યાં ખેલાડીઓનું પરંપરાગત રીતે તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટેલ મેનેજમેન્ટ દ્વારા ખેલાડીઓના રૂમમાં ખાસ પ્રકારની ‘ગિલ્ટ-ફ્રી’ અને ‘હેલ્ધી’ મીઠાઈઓ પીરસવામાં આવી હતી, જે ખેલાડીઓની ફિટનેસને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ હતી.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી જામશે જંગ
પાકિસ્તાન સામેની શાનદાર જીત બાદ હવે ટીમ ઇન્ડિયાના મનોબળ આસમાને છે. આગામી ૧૮ ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. ટીમ આવતીકાલે સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે. નેધરલેન્ડ સામેની મેચ હોવા છતાં સ્ટેડિયમ હાઉસફુલ રહેવાની શક્યતા છે. અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ વિજયના આ સિલસિલાને જાળવી રાખવા માટે ટીમને પ્રોત્સાહિત કરવા આતુર છે.

અમદાવાદમાં જશ્નનો માહોલ
શહેરમાં હોર્ડિંગ્સ, ઝંડા અને રોશની સાથે ભારતીય ટીમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. કોલંબોમાં જીતે ચાહકોમાં જે જોશ ભર્યો છે, તે હવે ૧૮ તારીખે સ્ટેડિયમમાં જોવા મળશે.