ખંભાળિયામાં બાઈક ચોરી પ્રકરણમાં રીઢો ગુનેગાર ઝડપાયો: મુદ્દામાલ કબજે

  • March 17, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા- જામનગર હાઈ-વે પર આવેલી એક ખાનગી કંપનીના પાર્કિંગમાંથી તાજેતરમાં બે મોટરસાયકલની ઉઠાંતરી થઈ હતી. આ સંદર્ભે જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ સ્થાનિક પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પ્રકરણમાં ખંભાળિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. વાગડિયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી અંતર્ગત દેવળિયા બીટના પોલીસ કોન્સ્ટેબલ દેવરાભાઇ ભોજાભાઇ પંડત તથા કોન્સ્ટેબલ શૈલેષભાઈ નકુમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે સંઘાર પાડો વિસ્તારમાં રહેતા ફિરોજ ઉર્ફે ફીરિયો અનવરભાઈ સુંભપાણીયા નામના 27 વર્ષના શખ્સને ગઈકાલે મંગળવારે ખંભાળિયા- જામનગર હાઈવે પર કજુરડા ગામના ગામના પાટિયા પાસેથી મોટરસાયકલ પર નીકળતા દબોચી લેવામાં આવ્યો હતો.

પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા આરોપી ફિરોજ ઊર્ફે ફીરિયાએ ખાનગી કંપનીના પાર્કિંગમાંથી બે મોટરસાઈકલ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે રૂપિયા 60 હજારની કિંમતના બે મોટરસાયકલ તથા રૂપિયા આઠ હજારની કિંમતમાં એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 68 હજારના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. વી.વી. વાગડિયા, પી.એસ.આઈ. એસ.કે. બારડ, એ.એસ.આઈ. ભદ્રેશભાઈ ચાવડા સાથે દિવ્યરાજસિંહ જાડેજા, દેવરાભાઈ પંડત, શૈલેષભાઈ નકુમ, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ જાડેજા, તથા કાનાભાઇ લુણા દ્વારા કરવામાં આવી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત આરોપી અગાઉ પણ કેટલાક ગુના સાથે સંકળાયેલો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS