પડધરીના થોરિયાળી ગામે લૂંટારૂ ટોળકી ત્રાટકી: વૃધ્ધ દંપતી ઉપર હુમલો કરી ૩.૪૫ લાખની લૂંટ

  • February 25, 2021 11:06 AM 

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરિયાળી ગામે વહેલી સવારે લૂંટારું ટોળકી ત્રાટકી હતી. વાડીમાં સુતેલા વૃદ્ધ દંપતિ ઉપર હુમલો કરી ત્રણ શખ્સો ૩.૪૫ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પડધરી પોલીસ ઉપરાંત ગ્રામ્ય એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમેં લૂંટારુંઓ નું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે.લૂંટારું ટોળકી જાણ ભેદુ હોવાની શંકા સેવાઇ રહી છે.


પડધરી તાલુકાના થોરિયાળી ગામે વાડીમાં એકલા રહેતા અને ખેતી કામ કરતા નાનજીભાઈ શિંગાળા અને તેમના પત્ની વજીબેન (ઉ.વ.૬૫) ગઈકાલે વહેલી સવારે વાડીના મકાનમાં સુતા હતા ત્યારે બારણું જોરજોરથી ખખડાવ્યા બાદ ધક્કો મારી ત્રાટકેલા ત્રણ લુટારૂઓએ દંપતી ઉપર હુમલો કર્યો હતો. એક શખ્સે વજીબેને કાનમાં પહેરેલી સોનાની એક બુંટી લૂંટી લીધી હતી, ત્યારબાદ ધમકી આપી બીજી બુટી પણ લઈ લીધી હતી. અન્ય બે લુટારૂએ નાનજીભાઈના ખિસ્સામાંથી પર્સ અને તેનો મોબાઈલ કાઢી લીધો હતો. આ પછી બંનેના માથે ગોદડા ઓઢાડી દીધા હતા. મકાનમાં શોધખોળ કર્યા બાદ ત્રણેય લુટારૂઓ મગફળી વેચાણ પેટે આવેલા રૂા.૩ લાખ રોકડા કે જે કબાટની નીચે છૂપાવેલા હતા તે શોધી કાઢી લઈ લીધા હતા. આ ઘટના બાદ નાનજીભાઈ અને વજીબેન પોતાના મકાનમાં થરથર કાંપતા બેસી રહ્યા હતા. વહેલી સવારે છએક વાગ્યે તેમનો મોટો પુત્ર કાંતી વાડીએ આવતા તેને બધી વાત કરી હતી. આ બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પડધરી પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ વી.એમ.લગારીયાએ જણાવ્યું કે, મગફળી વેચાણના ત્રણેક લાખ રૂપિયા પાંચ-છ દિવસ પહેલાં જ આવ્યા હતા. જેથી લુટારૂઓ આ બાબતથી જાણકાર હોવાની શંકા છે. ત્રણેય લુટારૂઓ ગુજરાતીમાં વાતચીત કરતા હતા. જાણભેદુની સંડોવણીની શંકાએ પોલીસની જુદી-જુદી ટીમોએ તપાસનો શરુ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS