BREAKING NEWS

ચીનમાં રસ્તો ધરતીમાં ગરકાવ: શંઘાઈમાં સર્જાયો ભયાનક 'સિંકહોલ', જાણે પાતાળનો રસ્તો ખૂલી ગયો હોય તેવા દ્રશ્યો

  • February 13, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનના આર્થિક પાટનગર ગણાતા શંઘાઈ શહેરમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ધમધમતા રસ્તા પર અચાનક જ જમીન ધસી પડી અને એક વિશાળ ખાડો (સિંકહોલ) સર્જાયો હતો. આ આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે રસ્તાનો એક મોટો હિસ્સો અને તેની આસપાસની સંરચનાઓ ક્ષણવારમાં જ જમીનદોસ્ત થઈ ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ફાળ પડી છે.


કેમ વારંવાર ધસે છે શંઘાઈની જમીન?
નિષ્ણાતોના મતે શંઘાઈમાં જમીન ધસી પડવાનું જોખમ હંમેશા તોળાયેલું રહે છે. શંઘાઈની જમીન મુખ્યત્વે નદી દ્વારા લાવવામાં આવેલી કાંપની માટીથી બનેલી છે, જે ખૂબ જ પોચી હોય છે. ભૂગર્ભ જળનું સતત અને વધુ પડતું દોહન જમીનના નીચેના ભાગને પોલો બનાવી દે છે. શહેરમાં થઈ રહેલા ભારે બાંધકામો અને રેતીના પાતળા સ્તરોને કારણે જમીન લાંબો સમય વજન સહન કરી શકતી નથી. ઘણીવાર જમીનની નીચે રહેલી સીવેજ કે પાણીની પાઈપલાઈન ફાટવાથી માટી ધોવાઈ જાય છે અને ઉપરનો રસ્તો બેસી જાય છે.


ભૂતકાળની ઘટનાઓ અને ચોંકાવનારા આંકડા

આ કોઈ પહેલી ઘટના નથી. જાન્યુઆરી 2024માં પણ શંઘાઈના મિન્હાંગ જિલ્લામાં સીવેજ પાઈપલાઈન નિષ્ફળ જવાને કારણે રસ્તો લગભગ 10 મીટર જેટલો નીચે ધસી ગયો હતો. સદનસીબે તે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.



​​​​​​​એક રિપોર્ટ અનુસાર વર્ષ 2017 થી 2023 દરમિયાન ચીનમાં જોવા મળેલી સિંકહોલની ઘટનાઓમાંથી 72% ઘટનાઓ માનવસર્જિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હતી. જેમાં નબળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામમાં ક્ષતિઓ અને જૂની પાઈપલાઈન વ્યવસ્થા મુખ્ય જવાબદાર પરિબળો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application