ગોંડલમાં અલ્પેશ કથીરિયાની ગાડી પર હુમલો કરવા બદલ 20 શખ્સો સામે રાયોટિંગનો ગુનો દાખલ, ગણેશ જાડેજાના સમર્થકે પણ સામી ફરિયાદ નોંધાવી

  • April 28, 2025 09:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલમાં ગઈકાલે અલ્પેશ કથીરિયાની ગાડી પર હુમલા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસે 20 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. જેમા ગાડીમાં તોડફોડ કરનાર બે આરોપીઓ ઝડપાયા છે, અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ છે, આરોપીઓએ ધોકા-પથ્થરથી હુમલો કરી ગાડીના કાચ ફોડ્યા હતા અને અલ્પેશ કથીરિયાના સમર્થકો સાથે મારામારી કરી હતી જેને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે. જ્યારે ગણેશ જાડેજાના સમર્થકે પણ સામી ફરિયાદ નોંધાવી છે. જેમાં અલ્પેશ કથીરિયાના એક સમર્થક દ્વારા ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


ગોંડલ હુમલમાં બે આરોપીઓ ઝડપાયા અન્ય ફરાર 

અલ્પેશ કથીરિયાનો કાફલો ગોંડલમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે આશાપુરા ચોકડીએ અલ્પેશ કથીરિયાની ગાડીનાં કાચ તોડી તોડફોડ કરવા અંગે ઇન્દ્રજિત ભરુડી,પીન્ટુ સાવલિયા, લક્કીરાજસિંહ,નિલેશ ચાવડા, પુષ્પરાજ સહીત અજાણ્યા વીસ ઇસમો વિરુધ્ધ પીએસઆઇ વી.જી.જાડેજાની ફરિયાદ પરથી બી ડિવીઝન પોલીસમાં રાયોટીંગ અંગે ગુનો દાખલ કરાયો છે.પીઆઇ ગોસાઇ તથા ટીમે બે ઇસમો પુષ્પરાજ તથા નિલેશ ચાવડાની તેના ઘરેથી ધરપકડ કરી છે અન્યોની શોધખોળ શરુ કરી છે.


ઉગ્ર સૂત્રોચ્ચાર બાદ ગાડીઓમાં તોડફોડ કરાઈ

આશાપુરા ચોકડી ખાતે ગણેશ જાડેજાના 200 જેટલા સમર્થકો કાળા વાવટા અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. બંને પક્ષના સમર્થકો સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. અલ્પેશના સમર્થનમાં મનોજ પનારા અને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. ઉગ્ર સૂત્રોચ્ચાર બાદ હુમલાખોરોએ બ્રેઝા, શેવરલેટ, અર્ટિગા, ક્રેટા સહિત સાત ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. આ હુમલામાં અંદાજે એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસે નામજોગ પાંચ અને 10-20 અજાણ્યા શખ્સો સામે રાયોટિંગ અને વાહન નુકસાનની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે મોટો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.


શું કામ વિવાદ થયો

ગણેશ જાડેજાએ અગાઉ સુલતાનપુર ખાતે સભા યોજી અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ અને મેહુલ બોધરાને પડકાર આપ્યો હતો. આ પડકારના જવાબમાં અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ ગઈકાલે સવારે 8થી 10 ગાડીઓના કાફલા સાથે ગોંડલ પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application