BREAKING NEWS

રાજકોટમાં ખળભળાટ...મનપાના નિવૃત્ત એન્જિનિયરનો પત્ની સાથે સજોડે આપઘાત, સુસાઈડ નોટ મળી, જાણો શું લખ્યું

  • December 21, 2025 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ખળભળટ મચાવે તેવી સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત એન્જિનિયરે પત્ની સાથે સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ છે અને બંનેના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે જે પોલીસે કબ્જે કરી છે. 

મળતી માહિતી મુજબ, શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતા અને મનપામાં ડેપ્યુટી એન્જિનિયર પદેથી નિવૃત થયેલા રાજેન્દ્રભાઈ લખતરીયા (ઉં.વ.70) અને તેમના પત્ની પન્નાબેન રાજેન્દ્રભાઇ લખતરીયા (ઉં.વ.70)એ સાથે મળી મોડીરાત્રે ઝેરી દવા પી લીધી હતી અને બાદમાં બનાવ અંગે દીકરીને જાણ કરતા તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 


સારવાર કારગત નિવડે તે પહેલા બંનેએ દમ તોડ્યો

સારવાર કારગત નીવડે તે પહેલા વૃદ્ધએ દમ તોડી દેતા મોત નીપજ્યું હતું અને તેના બે કલાક બાદ વૃદ્ધાએ પણ દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં વૃદ્ધ દંપતીએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સુસાઈડનોટ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


દવા પી લીધા બાદ દીકરીને જાણ કરી

દંપતીએ મોડીરાત્રે બે વાગ્યા આસપાસ ઝેરી દવા પી લીધી હતી. બાદમાં બનાવ અંગે પોતાની સાથે રહેતી તેમની દીકરીને જાણ કરતા પરિવારના અન્ય સભ્યો એકઠા થઇ બન્ને પતિ-પત્નીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં આઈસીયું વોર્ડમાં બન્નેની સારવાર ચાલુ હતી દરમિયાન વહેલી સવારે છ વાગ્યે રાજેન્દ્રભાઇ લખતરીયા (ઉ.વ.70)એ દમ તોડી દેતા મોત નીપજ્યું હતું અને તેના બે જ કલાક બાદ સવારના આઠ વાગ્યે પન્નાબેન રાજેન્દ્રભાઇ લખતરીયા (ઉં.વ.70)એ પણ દમ તોડી દેતા તેમનું પણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે મૃદતહેને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી.


સુસાઈડ નોટમાં શું લખ્યું?

પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા વૃદ્ધ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, અમે બન્ને પતિ-પત્નીએ બધું સુખ જોઈ લીધું છે. દીકરો અને દીકરી પણ અમને સારી રીતે રાખ્યા છે. અમારી ઉપર કોઈ દેણું પણ થયેલ નથી. પરિવારના સભ્યોથી પણ અમે ખુબ સંતુષ્ટ છીએ માત્ર બીમારીથી અમે હવે કંટાળી ગયા છીએ અને બીમારીના કારણે કંટાળી આપઘાત કરી રહ્યા છીએ. હાલ યુનિવર્સિટી પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


10 મહિના પહેલા સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું

રાજેન્દ્રભાઇ લખતરીયા પોતે રાજકોટ મહાનગર પાલિકામાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. વય નિવૃત્તિના 8થી 10 મહિના પહેલા તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું અને બાદમાં પરિવાર સાથે નિવૃત જીવન ગાળતા હતા. કોરોના બાદથી તેઓ બીમાર થતા ડિપ્રેશનમાં આવી ગયા હતા અને તેમને ડિપ્રેશનની સારવાર પણ ચાલુ હતી. જો કે થોડા સમયથી તેમના પત્ની પણ બીમાર થયા હતા તેમને ડાયાબિટીસની બીમારી હતી અને થોડા સમય પહેલા લગભગ એક બે વાર સારવાર અર્થે દાખલ પણ કરવામાં આવ્યા હતા. જેથી તેઓ ફરી ડિપ્રેશનમાં આવી ગયા હતા બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું સુસાઇડ નોટ આધારે પરિવારજનો પણ પોલીસને જણાવી રહ્યા છે જેથી પોલીસે સુસાઇડ નોટ કબ્જ કરી વધુ તપાસ હાથ ધરી છે.


સંતાનમાં એક દીકરો અને એક દીકરી

રાજેન્દ્રભાઇ લખતરીયા અને પત્ની પન્નાબેન લખતરીયાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેમાંથી દીકરો ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે જયારે દીકરીના છૂટાછેડા થઇ ગયા બાદ તે પોતાના સંતાન સાથે રાજકોટ જ માતાપિતા સાથે રહેતી હતી. રાત્રે ઝેરી દવા પી લીધા બાદ તબિયત વધુ બગડતા બનાવ અંગે દીકરીને જ પિતાએ જાણ કરી હતી જેથી દીકરીએ તેમના પરિવારના અન્ય સભ્યોને જાણ કરતા તત્કાલ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર કારગત નીવડે તે પહેલા જ બે કલાકના અંતરે બન્નેએ દમ તોડી દેતા પરિવામાં ગમગીની છવાઈ જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News