જામનગરમાં અન્ન યોજના અન્વયે રાશન ધારકોને માલ વિતરણમાં થતી ગેરરીતિ અંગે રજૂઆત

  • July 08, 2021 09:55 AM 

વૉર્ડ નં.1ના કોર્પોરેટર દ્વારા કેબિનેટ મંત્રીને પત્ર પાઠવી દશર્વિી વાસ્તવિકતા

જામનગર શહેર-જિલ્લામાં ગત જૂન માસમાં વડાપ્રધાન અન્ન યોજના અન્વયે ગરીબ લોકોને રાશનકાર્ડની દુકાનોથી રાશનકાર્ડ પર અનાજનો જથ્થો મફત આપવાનો હતો, આ યોજના અન્વયે જિલ્લા તેમજ શહેરમાં ઘણાં બધા રાશન ધારકોને આ યોજના મુજબનો રાશનનો જથ્થો મળેલ ન હોય તેવી ફરિયાદો ઉઠવા પામેલ છે અને જામનગર શહેર તથા જિલ્લાના ઘણા રાશનકાર્ડ દુકાન ધારકો દ્વારા આ યોજનાના માલ વિતરણમાં ગેરરીતિ કરેલ હોવાનું જાણવા મળેલ છે.

હાલ જામનગર મહાનગર પાલિકાના વૉર્ડ નં.1ના વિસ્તારના રાશનકાર્ડ ધારકોને વડાપ્રધાન અન્ન યોજના હેઠળનો રાશનનો જથ્થો રાશનકાર્ડના દુકાનદારો દ્વારા વારંવાર ધક્કા ખવડાવીને પણ આપવામાં આવતો ન હોય એવી ફરિયાદ અમોને મળેલ હોવાથી આ અંગે તપાસ કરતાં વૉર્ડ નં.1ના વિસ્તારમાં આવેલ બેડેશ્ર્વર, ગ્રાહક ભંડાર સહિતના અન્ય રેશનકાર્ડ દુકાનદારોના 400 જેટલાં રાશનકાર્ડ ધારકોને આ યોજના હેઠળનો રાશનનો જથ્થો આજદિવસ સુધી વિતરણ કરવામાં ન આવ્યાની હકીકત જાણવા મળેલ છે.

આ બાબતે રેશનકાર્ડ દુકાનધારકોના કહેવા મુજબ આ રાશનનો વિતરણનો જથ્થો અમોને જૂન માસના છેલ્લા દિવસોમાં મળેલ હોય અને પુરવઠા ખાતાના અધિકારીઓની સૂચનાથી આ જથ્થો બીજી સૂચના ન મળે ત્યાં સુધી વિતરણ નથી કરવાનો તેવો મૌખિક આદેશ મળેલ હોવાથી વિતરણ કરેલ નથી.

આમ ફકત વૉર્ડ નં.1ના બેડી બેડેશ્ર્વર, જોડિયા ભૂંગા, ગરીબ નગર, પાણાખાણ, ધરારનગર, એકડેએક બાપુ માધાપર ભુંગા, બોન્ડમીલ અને દિગ્વિજય સોલ્ટના 400થી વધારે રેશનકાર્ડ ધારકોને વારંવાર ધક્કા ખવડાવીને પણ આજ દિવસ સુધી આ જથ્થાનું વિતરણ કરવામાં આવેલ નથી તે રેકર્ડ પરની હકીકત છે.

આમ વડાપ્રધાન અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને આ યોજના હેઠળનો રાશનનો જથ્થો તાત્કાલિક ધોરણે પૂરો પાડવા લેખિતમાં આદેશ થવા તેમજ આ યોજના અંગે શહેર-જિલ્લામાં ખરેખર અન્ય વિસ્તારોમાં પણ આજ પ્રકારની બેજવાબદારીપૂર્વક વિતરણ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે કેમ? તેની સંપૂર્ણપણે તપાસ કરવા તેમજ વડાપ્રધાન અન્ન યોજના હેઠળનો જથ્થો નિયમિત્ત રીતે રેશનકાર્ડ ધારકોને ન પહોંચાડવા બદલ જવાબદાર તંત્રના અધિકારી-કર્મચારી તેમજ તપાસમાં ખૂલે તે બધાં ઉપર યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

ઉપરાંત રેશનકાર્ડ ધારકોને માલ વિતરણ માટે જામનગર શહેર-જિલ્લામાં ચાલતી દુકાન ઉપર સીસી ટીવી કૈમેરા ગોઠવવા અને દુકાનધારકોને નિયમિત્ત સમય મુજબની દુકાનો ખૂલ્લી રાખવા માટે અને સરકારી ગોડાઉન ઉપર સીસી ટીવી કૈમેરા ગોઠવી આ યોજના અંગેના માલ વિતરણની ગેરરીતિ અને અવાર-નવાર અખબારોમાં ચમકતી રાશનના માલની ચોરીના બનાવોને અટકાવવા તાકિદે કાર્યવાહી કરવા વૉર્ડ નં.1ના કોર્પોરેટર વકીલ નુરમામદ ઓસમાણ પલેજાએ રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS