મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરની આંગણવાડીઓને વધુ સુદ્રઢ અને આકર્ષક બનાવવાના હેતુ સાથે “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” શરુ કરવામાં આવેલ છે.
જેના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરનાં માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૫૨૭ આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓમાં સુધારા સાથે બાળકો માટે આકર્ષક, આનંદદાયક અને શૈક્ષણિક રીતે અનુકુળ વાતાવરણ ઉભું કરવાની કામગીરી હાલ કાર્યરત છે.
જેમાં, સ્વતંત્ર મકાન ધરાવતા આંગણવાડી કેન્દ્રોમાં જરૂરિયાત અનુસાર કેન્દ્રના સર્વાંગી માળખાકીય સુધારણા, રંગકામ તથા જરૂરી નાના સમારકામ દ્વારા કેન્દ્રોને નવેસરથી સજાવવામાં આવી રહ્યા છે.
“આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” અંતર્ગત સઘન કામગીરી તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલશે તેમજ બાકી કામો પણ સત્વરે પુરા કરવામાં આવશે તેમ પ્રોગ્રામ ઓફિસર,આઈ.સી.ડી.એસ. દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.