જીવનભર વિદ્યાર્થી બની રહેવુ એ જ કારકિર્દીની સફળતાનો પાયો

  • April 17, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની ડોક્ટર વી આર ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે એન.એસ.એસ. વિભાગ દ્વારા વિશ્ર્વવિભૂતિ ભારતરત્ન ડોક્ટર ભીમ રાવ આંબેડકર સાહેબની ૧૩૪ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.
ભારત અને દુનિયાભરના અનેક દેશોમાં ઉત્સાહ,ઉમંગ, આનંદ ઉલ્લાસ સાથે સંવિધાન શિલ્પી ડો. ભીમરાવ આંબેડકર સાહેબની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સંવિધાનના પિતા અને બાબાસાહેબના હુલામણા નામથી જાણીતા ડો. આંબેડકર સાહેબ પ્રત્યે ભારતીયો ખૂબ જ ગર્વ અને ગૌરવ અનુભવે છે. અહીંની ગોઢાણિયા કોલેજમાં વિશાળ વિદ્યાર્થી ગણ સાથે બાબાસાહેબ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીલક્ષી ક્વિઝ, વર્કશોપ, વાર્તાલાપ અને ચિંતન પ્રધાન વ્યાખ્યાનો સાથે બંધારણ આમુખ પ્રતિજ્ઞા સ્વ‚પે પઠન જેવા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમનો પ્રારંભ ડો. આંબેડકર સાહેબની છબીને પુષ્પમાળા અર્પણ કરી ભીમ જ્યોત સાથે કરવામાં આવેલ.
કાર્યક્રમના પ્રારંભે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર એમ. એન. વાઘેલાએ શાબ્દિક સ્વાગત કરતા સંવિધાન નિર્માતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન ડો. ભીમરાવ આંબેડકરજીના સૂત્રાત્મક વિચારોને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરતા જણાવેલ કે આપણે પ્રથમ  ભારતીય છીએ અને અંતે પણ ભારતીય છીએ ભારતીય સિવાય આપણે બીજું કશું જ નથી. ‘શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો.’ મારું સમગ્ર જીવન ત્રિગુણાત્મક સમતા બંધુતા અને સ્વતંત્રતામાં સમાયેલું છે. મારું સૌથી મોટું સન્માન એ જ છે કે મારા અધુરા કાર્યોને તમે પૂરા કરવા  પ્રતિજ્ઞા કરો હું એવા ધર્મમાં વિશ્ર્વાસ ધરાવું છું જે લોકોને સમતા બંધુતા અને સ્વતંત્રતા આપે છે. આજના સમયમાં આ વિધાનો યુવા પેઢી અને સમગ્ર સમાજ માટે પ્રેરકબળ અને પ્રેરણા સ્ત્રોત સમાન રહ્યા છે  રાજનીતિક, સામાજિક, ધાર્મિક, આર્થિક, સાંસ્કૃતિક અને  સાહિત્યિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન અંગે ઉપસ્થિત વિદ્યાર્થી ગણને માહિતગાર કર્યા હતા.
કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રધ્યાપક આર.કે મોઢવાડિયા  જણાવેલ કે જ્ઞાનપીપાસુ બાબા સાહેબ સંઘર્ષમય જીવન સાથે  જીવનભર વિદ્યાર્થી બની રહ્યા. કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિશ્ર્વના શ્રેષ્ઠ વિદ્યાર્થીને આજે દેશ અને દુનિયા  ‘સિમ્બોલ ઓફ નોલેજ’ તરીકે ઓળખે છે જેઓએ પોતાના જીવન દરમિયાન અનેક શૈક્ષણિક ડિગ્રીઓ અને પદવી ઓ પ્રાપ્ત કરી વિદ્યાર્થી આલમ માટે તો તેઓ આઈડલ અને આઇકોન રહ્યા છે પરંતુ એકધારા શાસ્ત્રી તરીકે અને એક બેરિસ્ટર તરીકે તેઓ ની તર્કશીલતા અને બૌદ્ધિકતા ને આજ સુધી કોઈ આંબી શક્યું નથી આજના વકીલોએ પણ તેઓના ગુણાત્મક વ્યક્તિત્વનું આચરણ કરવું જોઈએ. એક પ્રોફેસર પોતાના  વિષયમાં કેટલા વિદ્વાન અને જ્ઞાની હોવા જોઈએ.? એ જાણવું હોય તો વિદ્યાર્થી પ્રિય અને સમગ્ર સ્ટાફમાં પણ એટલા જ આદરપાત્ર એવા પ્રોફેસર ભીમરાવ આંબેડકરને જાણવા જોઈએ. સંસ્થાના આચાર્ય ડો કેતન શાહે પોતાના પ્રાસંગિક વક્તવ્ય દરમિયાન જણાવેલ કે આપણે ડો બાબા સાહેબ આંબેડકરને બંધારણના શિલ્પી નિર્માતા  તરીકે ઓળખીએ છીએ. વિશ્ર્વનું સર્વ શ્રેષ્ઠ અને સૌથી લાંબુ હસ્ત લેખિત બંધારણ ડો. આંબેડકર સાહેબે આપણને આપ્યું છે. આપણી પાસે કલમ છે, કિતાબ છે અને બાબાસાહેબે આપેલ બંધારણ છે જે આ દેશનું ચાલકબળ છે. ભારતની આત્મા છે. ભારતની લોકશાહી ટકાવવા માટે અને બાબા સાહેબના વિચારોને જીવંત રાખવા  માટે પણ આ દેશને ઉપકારક એવા બંધારણીય કાયદાઓ, અધિકારો અને હકો થી આપણે સૌએ માહિતગાર થવું જોઈએ. બંધારણીય કાયદાઓનું પાલન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ અને જવાબદારી છે. મિતાલી બગડા એ ડો. બાબાસાહેબના જીવન દર્શન અંગે પોતાનો વક્તવ્ય આપેલ. કાર્યક્રમનું સંચાલન તૃપ્તિ સિંગરખીયા અને શિવાની પાંડાવદરા એ કરેલ. કાર્યક્રમ દરમિયાન હોમ સાયન્સના લેબ આસિસ્ટન્ટ ભારતીબેન સિંગરખીયા અને હિન્દી વિભાગના મુલાકાતી અધ્યાપિકા ભારતીબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખે એ શિક્ષણવિદ અને બંધારણ ના શિલ્પી ડો. આંબેડકર સાહેબ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરતા આનંદ અને ગૌરવ ની લાગણી સાથે અભિનંદન પાઠવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર એમ. એન. વાઘેલા અને મધુબેન ગલચર દ્વારા કરવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application