વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકાના આંગણે પ્રથમ વખત વિરાટ સોમયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન આગામી ગુરૂવાર તા. ૨૫ ડિસેમ્બરથી મંગળવાર તા. ૩૦ ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે. દ્વારકા નજીકના નાગેશ્વર રોડ પર આવેલા મહારાસ વાળા ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા આ ભવ્ય ધર્મોત્સવમાં અનેકવિધ ધાર્મિક આયોજનો થયા છે. જેમાં ધર્માચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આશિર્વચન પાઠવશે.
તીર્થ સ્થળ દ્વારકા નજીક નાગેશ્વર રોડ પર ફાટક પહેલા આવેલા મહારાસ વાળા ગ્રાઉન્ડવારી પવિત્ર અને પુણ્ય ધરા ઉપર પ.પૂ. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજ શ્રી દીક્ષિત તથા પ.પૂ. દીક્ષિત પત્ની શ્રી જાનકી વહુજીના સર્વાધ્યક્ષ સ્થાને જ્ઞાન-કર્મ અને ભક્તિના સમન્વય રૂપ વિરાટ સોમયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન આગામી ગુરૂવાર તા. ૨૫ ડિસેમ્બરથી મંગળવાર તા. ૩૦ ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે. આ સોમયજ્ઞમાં દરરોજ સવારે ૮ થી રાત્રે ૯ વાગ્યા સુધી યજ્ઞ યોજાશે. યજ્ઞના પ્રારંભે બુધવાર તા ૨૪ મીના રોજ શોભાયાત્રા તથા યજ્ઞશાળા પ્રવેશ પ્રસંગ યોજાશે. ગુરુવારે વિષ્ણુગોપાલયાગ સંકલ્પ, ભિક્ષાગ્રહણ, અક્ષત વર્ષા સહિતના કાર્યક્રમો શુક્રવાર તા. ૨૬ ના રોજ પ્રવાર્ગ્ય, અગ્નિશિખાના દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા છે.
આ અગ્નિષ્ટોમ મહા સોમયાગ મહોત્સવમાં ધર્મવીદો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યો કરવામાં આવશે. દ્વારકાના આંગણે પ્રથમ તથા સમગ્ર ભારત વર્ષમાં આ ૧૩ માં અગ્નિષ્ટોમ મહા સોમયાગ મહોત્સવમાં મુખ્ય મનોરથી તરીકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, દ્વારકાના શિવભક્ત ધારાસભ્ય પબુભા વિરમભા માણેક, આહિર અગ્રણી મુળુભાઈ રણમલભાઈ કંડોરીયા, દ્વારકાના ઉદ્યોગપતિ નિર્મલભાઈ સામાણી, ભાટીયાના રઘુવંશી દાતા સદગૃહસ્થ નટુભાઈ દત્તાણી, જામનગરના ન્યુરોસર્જન ડો. એ.ડી. રૂપારેલીયા, ખંભાળિયાના વેદાંત હોસ્પિટલ વાળા ડો. અમિતભાઈ નકુમ સહિતના સેવાભાવીઓ દ્વારા સહયોગ સાંપળ્યો છે. સોમયજ્ઞના દર્શન તેમજ પરિક્રમાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. જેથી આ ઐતિહાસિક ધર્મોત્સવમાં ધર્મલાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.