ખંભાળિયામાં કોરોના દર્દીઓ માટે રાહત: સરકારી હોસ્પિટલમાં વિશાળ ઓક્સિજન ટેન્ક કાર્યરત થશે

  • May 01, 2021 10:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તૈયારીઓ અંતિમ ચરણમાં: વધુ ઓક્સિજન બેડ વધારવા થશે કવાયત: આર.એસ.પી .એલ .કંપનીના સહયોગથી વિશાળ ટેન્ક મળી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસો સામે બાથ ભીડવા સરકારી તંત્ર પણ કમર કસી રહ્યું છે. તાજેતરમાં સ્થાનિકોના સહયોગથી અત્રે નિર્માણ પામેલા 100 બેડના એક કોવિડ કેર સેન્ટર ઉપરાંત આગામી બે-ત્રણ દિવસમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની વિશાળ ટેન્ક કાર્યરત થશે. જેથી હોસ્પિટલમાં ઓક્સિજનના મુદ્દે રાહત ઉપરાંત ઓક્સિજન બેડ વધારવા માટે પણ તંત્ર દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે આવેલી જિલ્લાની એકમાત્ર સરકારી કોવિડ હોસ્પિટલમાં 110 ઓક્સિજન તથા વેન્ટિલેટર બેડ છે. જેમાં ગંભીર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં આ દર્દીઓ માટે 950 લીટરની બે મળી આશરે બે કિલોલીટરની બે ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. જે મહત્તમ 12 કલાક સુધી ઓક્સિજન પૂરું પાડી શકે છે. ત્યારબાદ ફરજિયાત પણે આ ટેન્કનું ફીલિંગ કરવું પડે છે. અમુક સંજોગોમાં આ ટેન્ક ખાલી થાય તો સિલિન્ડર મારફતે દર્દીઓને ઑક્સિજન પુરો પાડવામાં આવે છે. જેથી આરોગ્ય તંત્ર તથા સ્ટાફને આ માટે નોંધપાત્ર કવાયત કરવી પડે છે.

હાલની આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અહીંની સરકારી હોસ્પિટલના પટાંગણમાં જ વિશાળ એવી 10 કિલોલીટરની એક ટેન્ક ઉભી કરવામાં આવી રહી છે. જેમાં હાલ પાઇપલાઇન સહિતની અંતિમ કામગીરી બાકી રહી છે. સંભવતઃ આ કામગીરી ત્રણ દિવસના સંપન્ન થઈ ગયા પછી આ જ ટેન્ક આખો દિવસ અહીંની હોસ્પિટલના તમામ દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકશે. આટલું જ નહીં, આગામી દિવસોમાં ઓક્સિજન બેડની સંખ્યા વધારીને 150 સુધી કરવા અંગેની વિસ્તૃત માહિતી અહીંના ઝોનલ ઓફિસર અને પ્રાંત અધિકારી ડી.આર. દ્વારા આપવામાં આવી છે. જિલ્લા માટેે આ ઓક્સિજન ટેન્ક ખાનગી કંપની આર.એસ.પી.એલ ના સહયોગથી મળી છે.

અહીંના જિલ્લા કલેકટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીનાના વડપણ હેઠળ અહીંની હોસ્પિટલમાં કોરોના અંગેની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રાંત અધિકારી ડી.આર. ગુરવ તથા સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર હરીશ મટાણી દ્વારા આ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આશરે રૂપિયા અડધા કરોડ જેટલા ખર્ચે હોસ્પિટલમાં વિશાળ ઓક્સિજન ટેન્કના નિર્માણથી ઓક્સિજનના અભાવે દર્દીઓને થતી મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. આ સાથે અત્રે પોરબંદર રોડ પર તાજેતરમાં કાર્યરત થયેલા કોવિડ કેર સેન્ટર કે જે આરોગ્ય વિભાગ તથા પ્રાંત અધિકારીની નિગરાની હેઠળ કાર્યરત છે, અહીં પણ અનેક કોરોના દર્દીઓ રાહતરૂપ સારવાર મેળવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS