રિલાયન્સ રિટેલ વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસતો બીજો રિટેલર

  • May 10, 2021 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ લિમિટેડ વર્ષ 2021માં રિટેલ વ્યવસાયમાં સૌથી વધુ ઝડપે વિકાસ સાધનારી વૈશ્વિક કંપનીઓની યાદીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સમગ્ર વિશ્વના રિટેલ વ્યવસાયોને રેન્કિંગ આપતી સંસ્થા ડેલોઇટ દ્વારા જારી કરાયેલા રેન્કિંગમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. ગ્લોબલ પાવર ઓફ રિટેલિંગના રેન્કિંગમાં ગત વર્ષે તેણે 56મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જેમાં ધરખમ સુધારો કરીને આ વર્ષે 53મું સ્થાન મેળવ્યું છે.

આ રેન્કિંગમાં સૌથી પહેલું સ્થાન અમેરિકાના રિટેલ જાયન્ટ વોલમાર્ટ ઇન્ક.નું છે, જેણે લાંબા સમયથી પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે બીજું સ્થાન પોતાની સ્થિતિ મજબૂત કરીને એમેઝોન. ઇન્કે મેળવ્યું છે. અમેરિકન રિટેલ જાયન્ટ કોસ્ટકો હોલસેલ કોર્પોરેશન ત્રીજા સ્થાને સરકી ગયું છે, જ્યારે એ પછી જર્મનીના શ્વાર્ઝ ગ્રૂપનું આવે છે. રેન્કિંગમાં પ્રથમ દસ સ્થાનોમાંથી સાત સ્થાન અમેરિકન રિટેલ કંપનીઓએ મેળવ્યા છે, જ્યારે યુકેની એક કંપનીએ (ટેસ્કો પીએલસીએ દસમું ) સ્થાન મેળવ્યું છે. ટોપ ટેનમાં સ્થાન મેળવનારી અન્ય અમેરિકન કંપનીઓમાં ધ ક્રોગ કો (પાંચમુ), વેલગ્રીન્સ બૂટ્સ એલાયન્સ, ઇન્ક (છઠ્ઠું) અને સીવીએસ હેલ્થ કોર્પોરેશન (નવમું)નો સમાવેશ થાય છે. જ્યારે આઠમા સ્થાને જર્મનીની એલડી એનકૌફ જીએમબીએચ એન્ડ અને એલડી ઇન્ટરનેશનલ સર્વિસિઝે મેળવ્યું હતું.

વિશ્વના ટોચના 250 રિટેલર્સની યાદીમાં સ્થાન મેળવનારી રિલાયન્સ રિટેલ એકમાત્ર ભારતીય કંપની છે. વિશ્વના શક્તિશાળી અને સૌથી વધુ ઝડપે વિકસતા રિટેલર્સની યાદીમાં સતત ચોથા વર્ષે રિલાયન્સે સ્થાન મેળવ્યું છે. "રિલાયન્સ રિટેલ ગત વર્ષે વિશ્વના 50 સૌથી વધુ ઝડપે વિકસતા રિટેલર્સમાં પ્રથમ હતું, જે આ વર્ષે બીજા સ્થાને રહ્યું છે. કંપનીએ યર ઓન યર મુજબ 41.8 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. તેણે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ અને ગ્રોસરી રિટેલ ચેઇન સ્ટોર્સની સંખ્યામાં 13.1 ટકાનો વધારો કરીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નાણાકીય વર્ષ 2020ના અંતની સ્થિતિએ કંપનીના ભારતમાં7000થી વધુ શહેરોમાં 11,784 સ્ટોર્સ હતા," તેમ ડેલોઇટે જણાવ્યું હતું.

બીટુસી અને બીટુબી બંને ક્ષેત્રે ઇ-કોમર્સ કંપનીના વિકાસનું બીજું સૌથી મહત્વનું પરિબળ બની રહ્યું છે. "કંપની વોટ્સએપ સાથે સહભાગિતા કરીને જિયોમાર્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વોટ્સએપ દ્વારા નાના વેપારીઓને જોડીને રિલાયન્સ રિટેલના ડિજિટલ કોમર્સ બિઝનેસને વેગવંતો બનાવશે," તેમ જણાવી ડેલોઇટે ઉમેર્યું હતું કે, "રિલાયન્સ રિટેલે નાણાકીય વર્ષ 2019ના અંતમાં શ્રી કન્નન ડિપાર્ટમેન્ટલ સ્ટોરના 29સ્ટોર્સ હસ્તગત કર્યા હતા, અને ઓગસ્ટ 2020માં તેણે 3.4 બિલિયન અમેરિકી ડોલરમાં ફ્યૂચર ગ્રૂપના રિટેલ, હોલસેલ અને લોજિસ્ટિક બિઝનેસ હસ્તગત કરવાની જાહેરાત કરી હતી."

આ સોદો સંપૂર્ણપણે સંપન્ન થશે એટલે રિલાયન્સ રિટેલના સ્ટોર્સ સ્પેસમાં બમણો વધારો થશે. રિલાયન્સ રિટેલે વર્ષ 2020માં ઇ-કોમર્સ ક્ષેત્રે બે હસ્તાંતરણો કર્યા હતા. ઓગસ્ટમાં વાઇટાલિક હેલ્થ અને તેનું ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ ખરીદ્યું અને નવેમ્બરમાં હોમડેકોર કંપની અર્બનલેડરમાં 96 ટકા હિસ્તો હાંસલ કર્યો હતો. ડેલોઇટે કહ્યું હતું કે, વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વર્ષ 2021ના શરૂઆતના મહિનાઓમાં અનેક ઉતારચઢાવો આવ્યા હતા.

"હકારાત્મક પાસાઓ જોવામાં આવે તો કોવિડ-19ની વેક્સિન આપવામાં આવી રહી છે, તેના પગલે અનેક આશાઓ જન્મી અને વાઇરસના કારણે ફેલાયેલી નકારાત્મકતા ઓછી થઈ હતી. જ્યારે પ્રવર્તમાન પરિસ્થિતિનું નકારાત્મક પાસું એ છે કે આર્થિક સ્થિરતાને આ વાઇરસ સતત પડકાર ફેંકી રહ્યો છે. ખાસ કરીને વિશ્વના અનેક વિસ્તારોમાં જ્યાં તેની અસર હજી પણ જોવા મળે છે અને તેના અન્ય સ્ટ્રેઇન્સ ખૂબ ઝડપથી ફેલાયેલા છે." વિશ્વના એવા કેટલાક વિસ્તારોમાં જ્યાં વાઇરસની અસર ઓછી હતી ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય પગલાં લેવામાં આવતાં તેની આર્થિક વ્યવહારો પર પ્રતિકૂળ અસર થઈ છે,તેમ જણાવી ડેલોઇટે ઉમેર્યું કે, સરકારો સામે અત્યારે પહેલો પડકાર વાઇરસની અસરો પર કાબૂ મેળવવાનો છે, જેમને અસર થઈ છે તેમને સાચવવાનો છે અને વેક્સિન ઝડપથી લોકોને મળે તેવા પ્રયાસો તેજ કરવાનો છે.

આ પ્રયાસોની ઝડપ અને તેની સફળતા આવનારા સમયમાં વિશ્વના આર્થિક વ્યવહારોની દિશા નક્કી કરશે, તેમ પણ ઉમેર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS