મવડીના ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મેમ્બરશીપ માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન

  • May 15, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મવડીના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર ગેમ્સની મેમ્બરશીપ માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે.

વિશેષમાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં મવડી-પાળ રોડ, રામઘણ આશ્રમની પાસે, મવડી ખાતે રૂ.૨૩.૧૬ કરોડના ખર્ચે ૧૧૮૩૧ ચો.મી. ક્ષેત્રફળના પ્લોટમાં નવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામા આવેલ છે. આ નવા ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રથમ તબક્કામાં કુલ-૪ સ્પોર્ટ્સ ફેસીલીટી આવતીકાલ તા.૧૬-૫-૨૦૨૫થી શહેરીજનો માટે શરૂ કરવામાં આવે છે જેના માટે ઓનલાઇન મેમ્બરશીપ તા.૫-૫-૨૦૨૫ના રોજથી રાજકોટ મહાપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in ઉપરથી શરૂ કરવામાં આવેલ જેમાં આજ તા.૧૫-૫-૨૦૨૫ સુધીમાં બેડમિન્ટનમાં ૩૨૦, બાસ્કેટબોલમાં ૩૭, લોન ટેનિસમાં ૪૧ અને વોલી બોલમાં ૫૯ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મવડી ખાતે બનાવવામાં આવેલ ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવેલ બેડમિન્ટન, બાસ્કેટબોલ, લોન ટેનિસ અને વોલીબોલ રમત માટે આવતીકાલથી નાગરિકો માટે ખુલ્લું મુકવામાં આવશે. બેડમિન્ટનમાં ૩૨૦ નાગરિકોની કેપેસીટી સામે ૩૨૦, બાસ્કેટબોલમાં ૮૦ નાગરિકોની કેપેસીટી સામે ૩૭, લોન ટેનિસમાં ૮૦ નાગરિકોની કેપેસીટી સામે ૪૧ અને વોલીબોલમાં ૧૧૨ નાગરિકોની કેપેસીટી સામે ૫૯ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હાલ પણ ખાલી જગ્યા માટે નાગરિકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

લોન ટેનિસ, વોલીબોલ, બાસ્કેટ બોલ અને બેડમિન્ટન બેચ માટેનો સમય સવારે ૬ થી ૧૦ અને સાંજે ૬ થી ૧૦ રહેશે તેમજ તમામ બેચ ૧ કલાકની રહેશે. અઠવાડિયાના રવિવારે જાહેર રજા રાખવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો શહેરીજનો વધુને વધુ લાભ મેળવી તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરે તેમજ પોતાની ફિઝીકલ ફિટનેસ સુધારે તે માટે રાજકોટ મહાનગરપાલિકા તંત્રએ અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application