કોંગ્રેસની તાકાત તોડવા ભાજપમાં ભરતી મેળા: પાટીલ

  • March 29, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમે કોંગ્રેસની તાકાત તોડીને પાડવા માટે તેના શક્તિશાળી નેતાઓને ભાજપમાં પ્રવેશ આપી રહ્યા છીએ. આનાથી ભાજપ મજબૂત થાય છે, પરંતુ અમારો મૂળભૂત આશય કોંગ્રેસની શક્તિ ખતમ કરી દેવાનો છે તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષ દરમિયાન કોંગ્રેસના નાના-મોટા કાર્યકરો અને આગેવાનો મળીને ૬૦,૦૦૦ ની ભરતી ભાજપમાં કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠક છે અને આ મુજબ ગણતરી કરીએ તો પ્રત્યેક વિધાનસભા મતવિસ્તાર દીઠ માત્ર ૩૫૦ જેટલા કોંગ્રેસીઓને ભાજપમાં લેવામાં આવ્યા છે.


લોકસભાની આ ચૂંટણીમાં કોંગ્રેસને હજુ ઉમેદવારો પણ મળતા નથી. કોઈ પણ નામની જાહેરાત કરશે પરંતુ બૂથમાં કામ કરવાવાળા કાર્યકરો પણ તેમને મળવાના નથી એટલી ખરાબ હાલત કોંગ્રેસની થઈ છે.
જો આમ જ ચાલુ રહેશે તો વિરોધ પક્ષનું અસ્તિત્વ જ નહીં રહે અને લોકશાહી માટે તે ખતરારૂપ ન ગણાવી શકાય ? તેવા પત્રકારોના સવાલના જવાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું કે વિરોધ પક્ષનું અસ્તિત્વ જાળવવાની ભાજપની જવાબદારી નથી.


પત્રકારો સાથેની વાતચીત વખતે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઈ બોઘરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીનભાઇ ઠાકર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ શહેર ભાજપ મહામંત્રી માધવભાઈ દવે જીતુભાઈ મહેતા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરતી મેળા રાષ્ટ્રીય નેતાગીરીનો નિર્ણય: પાટીલ

ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સભાળયા પછી પ્રથમ વખત રાજકોટની મુલાકાતે પાટીલ આવ્યા ત્યારે તેમણે ’ભાજપમાં હવે કોંગ્રેસ માટેના દરવાજા બંધ થઈ ગયા છે’ તેવો ઉલ્લેખ કર્યો હતો. આ જુના સ્ટેટમેન્ટ બાબતે તેમનું ધ્યાન દોરતા તેમણે નિખાલસતાથી આ વાતનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે ભરતીનો નિર્ણય કેન્દ્રીય નેતાગીરી કરતી હોય છે.

આયાતી ઉમેદવારના મામલે રૂપાલાનો બચાવ કરાયો

રાજકોટમાં અનેક સક્ષમ આગેવાનો અને કાર્યકરોની મોટી ફોજ છે ત્યારે બહારથી પુરૂષોત્તમ રૂપાલા ને રાજકોટની ટિકિટ આપવાનું કારણ શું? તેવા સવાલના જવાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે રાજકોટવાસીઓ કદી આવી સંકુચિત વિચારધારા ન રાખી શકે. ભૂતકાળમાં આ રાજકોટના મતદારો એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતાડ્યા છે અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત બહારના રાજ્યમાં પાંચ લાખથી વધુની લીડથી જીતે છે.

ઇલેક્ટ્રોનિક મીડિયા અને ફોટોગ્રાફરોને દૂર રાખ્યા

પ્રેસ કોન્ફરન્સમાં ફોટોગ્રાફરો અને ઇલેક્ટ્રોનિક મીડિયાને પાટીલે દૂર રાખ્યા હતા. કોઈ પ્રકારની બાઈટ આપવા પણ તેમણે ના પાડી દીધી હતી. પત્રકાર પરિષદમાં પાટીલની આજુબાજુમાં કોઈ ખુરશી રાખવામાં આવી ન હતી અને પત્રકારો સાથે પાટીલે સીધી વાતચીત કરી હતી. શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો પાટીલથી ઘણા દૂર અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં બેઠા હતા. 


ઉમેદવારો બદલવાનું કારણ દબાણ નથી
વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારો બદલવા બાબતે પત્રકારોના સવાલના જવાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ દબાણને વશ થઈને આ નિર્ણય લીધો નથી. પરંતુ કાર્યકરોની લાગણી અને જનમત ધ્યાનમાં લઈને બે ઉમેદવારો બદલવામાં આવ્યા છે. હજુ અમુક સીટ પર નારાજગી છે તેવી વાતો આવે છે પરંતુ તે સાચી નથી. ટિકિટથી વંચિત રહી ગયેલાઓ સોશિયલ મીડિયામાં આવો પ્રચાર કરતા હોય તેવું શકય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application