ભાણવડની ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનના ઉપયોગ અંગેનું રેકોર્ડ ક્ષતિગ્રસ્ત જણાતા મશીન સીલ કરાયું

  • April 05, 2021 07:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ પણ બે વખત તાકીદ કરી નોટિસ અપાઈ હતી: આરોગ્ય વિભાગની કડક કામગીરી

ભાણવડ તાલુકામાં કાર્યરત એક મેટરનીટી હોસ્પિટલમાં સંચાલક દ્વારા સોનોગ્રાફી મશીનના ઉપયોગ માટે નિભાવવાનું થતું જરૂરી રેકોર્ડ ક્ષતિગ્રસ્ત જણાતા આરોગ્ય વિભાગે દરોડો પાડી આ સોનીગ્રાફી મશીન સીલ કરી દીધું છે.

આ અંગેની વિગત મુજબ સગર્ભા મહિલાઓની ચકાસણી માટે ઉપયોગમાં લેવાતું સોનોગ્રાફી મશીન સરકાર દ્વારા ચોક્કસ ગાઈડલાઈન્સ તથા ફોર્મ ભરીને પછી જ તબીબ દ્વારા ઉપયોગ કરવો ફરજીયાત છે. આ માટે કોઈપણ પ્રકારની ક્ષતિ વગર આનુસંગિક રેકોર્ડ નિભાવવાના તથા આરોગ્ય વિભાગને જાણ કરવી અનિવાર્ય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં મોદી હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમના સંચાલક નિશિત આર. મોદીની હોસ્પિટલ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નોંધાઈ છે.  આ હોસ્પિટલમાં વીઝીટીંગ સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. નિલેશ ગોરાણીયાને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા અગાઉ મંજૂરી આપવામાં આવેલ હતી. આ કાયદા હેઠળ કરતી વખતે ડોક્ટર નિલેશ દ્વારા ભરવામાં આવેલા ફોર્મ- એફ અને નિભાવવામાં આવતા રેકોર્ડમાં ક્ષતિઓ જણાતા દેવભૂમિ દ્વારકા જિલ્લા અપ્રોપ્રિયેટ ઓથોરિટી અને જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાની સુચના મુજબ શનિવારે સબ ડીસ્ટ્રીક એપ્રોપિયેટ ઓથોરિટી અને ભાણવડ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા પંચોને સાથે રાખી અને હોસ્પિટલના ક્ષતિવાળા રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોદી હોસ્પિટલ એન્ડ મેટરનીટી હોમના સોનોગ્રાફી મશીનને કરવામાં આવ્યું છે. આટલું જ નહીં, વીઝીટીંગ સ્ત્રીરોગ નિષ્ણાત ડો. નિલેશ ગોરાણીયાને મોદી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટની જોગવાઈઓ તથા નિયમોનું ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવે છે. ઉપરોક્ત હોસ્પિટલને આ અગાઉ પણ બે વખત તાકીદ કરી, નોટિસો અપાઈ હોવાનું જાણવા મળેલ છે. આરોગ્ય વિભાગની આ કડક કામગીરીએ રજીસ્ટર નિભાવવામાં બેદરકાર તબીબોમાં દોડધામ પ્રસરાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS