ચણા આવ્યા ઘણા; રાજકોટ યાર્ડમાં ૬૬ લાખ કિલોની રેકોર્ડ બ્રેક આવક, મિલોની ખરીદી શરૂ

  • April 07, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ચણાની ૬૬ લાખ કિલોની રેકોર્ડબ્રેક આવક થતા હવે ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય ત્યાં સુધી આવક બંધ કરાઇ છે. બેસન મિલો તેમજ એક્સપોર્ટર્સની ખરીદી શરૂ થતાં મબલખ આવક વચ્ચે પણ ભાવ જળવાય રહ્યા છે.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે ૬૬ લાખ કિલો ચણાની રેકોર્ડબ્રેક આવક થઇ હતી. હરરાજીમાં પીળાં ચણાના પ્રતિ ૨૦ કિલોના ગુણવત્તા અનુસાર રૂ.૧૦૫૦થી ૧૧૧૦ના ભાવે સોદા થયા હતા. જ્યારે સફેદ ચણામાં ૧૩૮૦થી ૨૨૮૦ના ભાવે સોદા થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે સોમવારની સવારે ખુલતી બજારે ૧૮૦૦થી વધુ વાહનોની આવક થઈ હતી જેમાં ચણાની આવક ૩.૩૦ લાખ મણ, કપાસની આવક ૧૩,૦૦૦ મણ, એરંડાની આવક ૯૫૦૦ મણ, કલોંજીની આવક ૯૦૦૦ મણ, જીરુંની આવક ૨૫૫૦૦ મણ, રાય/રાયડાની આવક ૯૦૦૦ મણ,વરિયાળીની આવક ૩૦૦૦ મણ, તુવેરની આવક ૧૬૦૦૦ મણ તેમજ વટાણાની આવક ૮૦૦૦ મણ થઇ હતી. ચેરમેન જયેશભાઇ બોઘરાના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના વાહનોને ક્રમવાર જ પ્રવેશ અપાયો હતો.


ઉનાળુ તલની આવક શરૂ; કાળામાં રૂ.૫૫૭૧ અને તલમાં ૨૨૫૦ના ભાવે મુહૂર્તના સોદા

રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વિભાગના ડિરેકટર સંદીપભાઇ લાખાણીએ જણાવ્યું હતું કે આજે યાર્ડમાં નવા ઉનાળુ સફેદ તલની પ્રથમવાર આવક નોંધાઈ હતી, જે નવા કાળા તલ મુ.વ્યારા જી.સુરતના ખેડૂત કરશનભાઈ માવજીભાઈના હતા. આ નવા કાળા તલ કે જેનો ખુલ્લી હરરાજીમાં મણના રૂપિયા ૫,૫૭૧ લેખે ભાવથી સોદો થયો હતો.જ્યારે નવા સફેદ તલની પ્રથમવાર આવક નોંધાઇ હતી, જે મુ.વ્યારા જિલ્લો સુરતના ખેડૂત કરશનભાઇ માવજીભાઈના હતા. આ નવા સફેદ તલનો હરરાજીમાં મણના રૂપિયા ૨૨૫૦ લેખે સોદો થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application