BREAKING NEWS

IPL 2026ની ટૂર્નામેન્ટમાં રેકોર્ડનો ખડકલો, જાણો આ સીઝનમાં ક્યાં રેકોર્ડ થયા ધ્વસ્ત

  • June 01, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યારે સૌથી મોટા મંચ પર સૌથી મોટા ખેલાડીની જરૂર હતી, ત્યારે વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું કે તેને "ચેઝ માસ્ટર" કેમ કહેવામાં આવે છે. કોહલીના મેચવિનિંગ અણનમ 75 રન અને રસિક સલામ દારની શાનદાર બોલિંગે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (આરસીબી)ને ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટથી હરાવીને આઇપીએલ 2026નો ખિતાબ જીતવામાં મદદ કરી હતી. આ સાથે, આરસીબી આઇપીએલ ઇતિહાસમાં સતત બીજી વખત ખિતાબ જીતનાર ત્રીજી ટીમ બની છે.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં, ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં, આરસીબીએ 18 ઓવરમાં પાંચ વિકેટે 161 રન બનાવીને મેચ જીતી લીધી હતી.


૧૫૬ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબી ટીમે વિરાટ કોહલી અને વેંકટેશ ઐયર સાથે શાનદાર શરૂઆત કરી હતી. તેમણે પ્રથમ વિકેટ માટે ૬૨ રન બનાવ્યા હતા. ઐયરે ૩૨ રન બનાવ્યા, જ્યારે કોહલી અંત સુધી નોટઆઉટ રહ્યો, ૪૨ બોલમાં અણનમ ૭૫ રન બનાવ્યા હતા. તેણે નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.


કોહલીએ માત્ર પચ્ચીસ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે તેની સૌથી ઝડપી આઇપીએલ અડધી સદી હતી. વિજયી છગ્ગો ફટકાર્યા પછી, કોહલીએ પોતાનું હેલ્મેટ કાઢી નાખ્યું, હવામાં બેટ લહેરાવ્યું અને ડગઆઉટ તરફ ઈશારો કર્યો હતો. પછી તેણે પોતાના પરિવાર તરફ જોયું અને ફ્લાઈંગ કિસ આપી હતી. મેદાન ઉજવણીથી ગુંજી ઉઠ્યું, સાથી ખેલાડીઓ તેને ભેટવા દોડી આવ્યા હતા.


અગાઉ, આરસીબીના બોલરોએ ગુજરાતના બેટ્સમેનોને મુક્તપણે રમવા દીધા ન હતા. રસિક સલામ દારે ત્રણ વિકેટ લઈને સૌથી મોટો ફટકો આપ્યો હતો. અનુભવી ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે બે-બે વિકેટ લીધી હતી.


ગુજરાતની શરૂઆત ખરાબ રહી, પાવરપ્લેમાં તેના મુખ્ય બેટ્સમેન ગુમાવી દીધા હતા. બેટિંગ ક્રમમાં ફેરફાર પણ ટીમને મદદ કરી શક્યા નહીં. અંતે, વોશિંગ્ટન સુંદરે અણનમ 50 રન બનાવીને સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો, પરંતુ અન્ય બેટ્સમેન અસર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

આ સતત બીજું વર્ષ છે જ્યારે આરસીબીએ અમદાવાદમાં આઇપીએલ ટ્રોફી જીતી છે. અગાઉ, ટીમે આ જ ગ્રાઉન્ડ પર 2025નો ખિતાબ જીત્યો હતો. આરસીબી હવે મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ પછી એક કરતાં વધુ આઇપીએલ ટ્રોફી જીતનારી ચોથી ટીમ બની ગઈ છે.

સતત બેવાર આઇપીએલ ટ્રોફી જીતનાર ટીમોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ  (2010, 2011), મુંબઈ ઇન્ડિયન્સ (2019, 2020) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (2025, 2026)નો સમાવેશ થાય છે.

સૌથી વધુ આઇપીએલ ટાઇટલ જીતનારી ટીમોમાં મુંબઈ ઇન્ડિયન્સ (પાંચ), ચેન્નાઈ સુપર કિંગ્સ (પાંચ), કોલકાતા નાઈટ રાઇડર્સ (ત્રણ) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (બે)નો સમાવેશ થાય છે.

એક જ સ્થળે બે આઇપીએલ ફાઇનલ જીતનાર ટીમોમાં મુંબઈ ઇન્ડિયન્સ- કોલકાતા (૨૦૧૩, ૨૦૧૫), મુંબઈ ઇન્ડિયન્સ- હૈદરાબાદ (૨૦૧૭, ૨૦૧૯), કોલકાતા નાઈટ રાઇડર્સ- ચેન્નાઈ (૨૦૧૨, ૨૦૨૪) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- અમદાવાદ (૨૦૨૫, ૨૦૨૬)નો સમાવેશ થાય છે.

૨૦૧૧માં વર્તમાન પ્લેઓફ ફોર્મેટ લાગુ થયા પછી, ૧૬ ફાઇનલ રમાઈ છે. આમાંથી, ક્વોલિફાયર વન જીતનાર ટીમે ૧૩ વખત ટાઇટલ જીત્યું છે. આ ટ્રેન્ડ છેલ્લા નવ સીઝનથી ચાલુ છે.

ફાઇનલમાં પાંચ કે તેથી વધુ આઇપીએલ ટાઇટલ જીતનારા ખેલાડીઓમાં રોહિત શર્મા (છ), અંબાતી રાયડુ (છ), એમએસ ધોની (પાંચ), કિરોન પોલાર્ડ (પાંચ), હાર્દિક પંડ્યા (પાંચ) અને કૃણાલ પંડ્યા (પાંચ)નો સમાવેશ થાય છે.

ફાઇનલ જીત્યા પછી, કૃણાલ પંડ્યાએ હાથનો પંજો બતાવીને પોતાના પાંચમા આઇપીએલ ટાઇટલની જીતની ઉજવણી કરી હતી.

પર્પલ કેપ જીતનારા ખેલાડીઓમાં ડ્વેન બ્રાવો (૨૦૧૩, ૨૦૧૫), ભુવનેશ્વર કુમાર (૨૦૧૬, ૨૦૧૭), હર્ષલ પટેલ (૨૦૨૧, ૨૦૨૪) અને કાગીસો રબાડા (૨૦૨૦, ૨૦૨૬)નો સમાવેશ થાય છે.

આઈપીએલ ફાઇનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા ખેલાડીઓમાં ૨૪ બોલમાં સુરેશ રૈના (૨૦૧૦), ૨૪ બોલમાં ડેવિડ વોર્નર (૨૦૧૬), ૨૪ બોલમાં વેંકટેશ ઐયર (૨૦૨૪), ૨૫ બોલમાં રોહિત શર્મા (૨૦૧૫), ૨૫ બોલમાં ક્રિસ ગેલ (૨૦૧૬) અને ૨૫ બોલમાં વિરાટ કોહલી (૨૦૨૬)નો સમાવેશ થાય છે.

વિરાટ કોહલીની સૌથી ઝડપી આઇપીએલ અડધી સદીમાં 25 બોલમાં ગુજરાત ટાઇટન્સ સામે (2026), 26 બોલમાં રાજસ્થાન રોયલ્સ સામે (2018), 26 બોલમાં દિલ્હી કેપિટલ્સ સામે (2018)
27 બોલમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે (2025) 

આઇપીએલ 2026એ લગભગ તમામ બેટિંગ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેમાં એક સિઝનમાં સૌથી વધુ રન 27,450 થયા છે. એક વિકેટ સૌથી વધુ રન 31.26, સૌથી વધુ રન રેટ 9.88, સૌથી વધુ ચોગ્ગા 2,332, સૌથી વધુ છગ્ગા 1,426, સૌથી વધુ સદી 15, સૌથી વધુ 200 પ્લસ સ્કોર 65, સૌથી વધુ 200 પ્લસ રનચેઝ 17 વખત થયો છે.

આરસીબીની જીતમાં માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ રેકોર્ડ, ઇતિહાસ અને વિરાટ કોહલીની બીજી યાદગાર વાર્તાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 31 મેની રાત આખરે 'કિંગ કોહલી' અને આરસીબીની હતી.


ચેમ્પિયન આરસીબી પર થયો 20 કરોડ રૂપિયાનો વરસાદ

ફાઇનલમાં કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે. વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો અને તેણે ઓરેન્જ કેપ સહિત અનેક એવોર્ડ જીત્યા છે. ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને તેમના ટાઇટલ માટે રૂ.20 કરોડની ઇનામી રકમ મળી છે. હારેલી ફાઇનલિસ્ટ ગુજરાત ટાઇટન્સને રૂ.12.5 કરોડ મળ્યા છે. વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપ વિજેતા હતો, સાથે જ તેમને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન અને મોસ્ટ સિક્સીસ એવોર્ડ્સ પણ મળ્યા હતા. તેમને કુલ રૂ.૪૫ લાખની ઈનામી રકમ મળી હતી, જેમાં સિએરા કારનો પણ સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application