રવિન્દ્રના પિતા-રિવાબાના સસરાની હૈયાવરાળ: આંખો ભીની થઇ જશે

  • February 09, 2024 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવ્ય ભાસ્કર દ્વારા સોશ્યલ મિડીયા પર મુકવામાં આવેલ અનિરુઘ્ધસિંહ જાડેજા સાથેની વાતચીત ભારે વાયરલ થઇ: દિકરા રવિન્દ્રને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સા‚ં થાત : પાંચ વર્ષથી મેં મારી પૌત્રીનું મોઢું જોયું નથી : લગ્નનાં ૩ મહીનામાં જ મારી પુત્રવધુ રીવાબાએ પરિવારમાં આંતરીક વિખવાદ કરી દીધો : રક્ષાબંધને રવિન્દ્રની બહેન રડે છે

ક્રિકેટર ભારતીય ટીમમાં સ્થાન ધરાવતો હોય ટેસ્ટ, વન-ડે, ૨૦ ત્રણેય ફોર્મેટમાં રમતો હોય, દેશ-દુનિયામાં તેનું નામ હોય અને એના પિતા જયારે એવું કહે કે મેં મારા દિકરાને ક્રિકેટર ન બનાવ્યો હતો તો સા‚ં થાત, તો ખરેખર આ વિધાનની નોંધ લેવી પડે, આવો જ દર્દનાક સંવાદ મુળ જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ દિવ્ય ભાસ્કર અખબારની વાતચીત દરમ્યાન કર્યો છે અને સોશ્યલ મિડીયા પર દિવ્ય ભાસ્કર દ્વારા મુકવામાં આવેલા આ ઇન્ટરવ્યુથી ભારે ચર્ચા જાગી છે, એક ખ્યાતનામ ક્રિકેટર અને તેની ધારાસભ્ય પત્નીને સાંકળતા આ આખે આખા ઇન્ટરવ્યુએ કેટલાયના હૈયા હચમચાવી નાખ્યા છે.
દિવ્ય ભાસ્કરે પોતાની વેબસાઇટ પર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુઘ્ધસિંહ જાડેજા સાથે થયેલી વાતચીતના અંશોમાં રેકોર્ડીંગ પણ મુકયા છે અને સાથે સાથે આખુ જે લખાણ આપવામાં આવ્યું છે તે નીચે મુજબ છે.
તમને એક સત્ય વાત કરી દઉં ? મારે રવિ (રવિન્દ્રસિંહ જાડેજા) કે તેની પત્ની (રિવાબા જાડેજા) સાથે કોઇપણ પ્રકારના સબંધ નથી, અમે તેને નથી બોલાવતા અને એ લોકો અમને નથી બોલાવતા, રવિભાઇના લગ્ન કર્યા ત્યાર પછી બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઉભો થઇ ગયો હતો, હાલ હું જામનગરમાં એકલો રહું છું, જયારે રવિન્દ્રનો પંચવટી બંગલો અલગ છે, તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી, પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં, દિકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઇ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું, ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું હતું નહીંતર અમારી આવી હાલત ન હોત.
આ શબ્દો છે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરુઘ્ધસિંહ જાડેજાના, જેમણે પુત્ર-પુત્રવધુ સાથેના સબંધો વિશે ભારે હૈયે વ્યથા ઠાલવી હતી, સામાન્ય રીતે કોઇપણ સેલીબ્રીટીથી જીંદગી જાહોજલાલીવાળી અને ચોતરફ સુખ જ સુખ હોય એવી લાગતી હોય છે પરંતુ કયારેક સફળતાના શિખરે પહોંચેલા આવા લોકોના પરિવારની કેટલીક કરુણ વાસ્તવીકતા સમાજથી છુપાયેલી હોય છે.
દિવ્ય ભાસ્કર લખે છે કે, રિવાબા જાડેજા પ્રેગ્નેટ હોવાની વાત જાણવા મળી હોવાથી રિપોર્ટર દ્વારા ખરાઇ કરવા માટે રવિન્દ્ર જાડેજાના પિતાને ફોન કરવામાં આવ્યો હતો અને તેમાં ચોંકાવનારા ઘટસ્ફોડ થયા હતા, આટલું જ નહીં આ બાબત જાણીને અખબારના રીપોર્ટર અનિરુઘ્ધસિંહ જાડેજાના ઘરે જઇને રુબરુ મળ્યા હતા અને હકીકત જાણી હતી.
રવિન્દ્રના પિતા અનિરુઘ્ધસિંહ ગુમાનસિંહ જાડેજા એક ફલેટમાં એકલવાયું જીવન વિતાવી રહયા છે, સોશ્યલ મિડીયા પર મુકાયેલા અહેવાલમાં દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે, અનિરુઘ્ધસિંહે લાગણીના ડુમા સાથે વાતો કરી હતી અને તેમની આંખો ભીની થઇ ગઇ હતી.
અનિરુઘ્ધસિંહ જાડેજાએ પુત્રવધુ રિવાબા વિશે કહયું હતું કે, આ સત્ય વાત તમને જરુર કરું છું, લગ્નના ૩ મહિનામાં જ બધુ મારુ, મારુ કરીને મારા નામે કરી દો કહેવાનું શરુ કરી દીધું હતું, ખટપટ કરીને પરિવારને નોખા કરવા લાગ્યા, તેને પરિવાર જોઇતો નથી, બધું સ્વતંત્ર જોઇએ છે, ચાલો હું ખરાબ, નયનાબા (રવિન્દ્ર જાડેજાના બહેન) ખરાબ, પણ કુટુંબમાં ૫૦ લોકો છે તો પચાસે પચાસ લોકો ખરાબ ? કોઇ સાથે વ્યવહારજ રાખવા દીધો નથી, કોઇ ચિજ નહીં, નફરત જ.
અનિરુઘ્ધસિંહ કહયું કે હું કંઇ છુપાવતો નથી, કોઇ સબંધ નથી, છેલ્લા પાંચ વર્ષથી અમે તેની દિકરી (પૌત્રી)નું મોઢું પણ જોયું નથી, રાજકોટવાળા તેના માં-બાપ એટલે કે રવિના સાસુ-સસરા બધો વહિવટ કરે છે, તેમની દખલગીરી ખુબ જ છે, પાત્ર સારું હોય તો કુટુંબ તારી દે અને સારું ન હોય તો ટાળી દે, હવે સમજી જાઓ આમાં શું થયું છે, અત્યારે તો એ લોકોને જમાવટ અને જલ્સો છે.
વ્યથા ઠાલવતા અનિરુઘ્ધસિંહે એ પણ કહયું છે, ગામડે મારી જમીન પણ છે અને પત્નીનું ૨૦ હજાર રુપીયા પેન્શન આવે છે, જેનાથી હું મારો ઘર ખર્ચ કાઢું છું, ૨-બીએચકેના ફલેટમાં એકલો રહું છું, કામવાળા બે સમયે રસોઇ બનાવીને સરસ જમાડી દે છે, હું મારી જીંદગી મારી રીતે વિતાવું છું, પરંતુ આજે પણ આ ફલેટમાં રવિન્દ્ર જાડેજાનો એક અલાયદો રુમ છે, હું એક દાયકા કરતા વધારે સમયથી આ ફલેટમાં રહું છું, રવિન્દ્ર આ રુમમાં રહેતો હતો.
અનિરુઘ્ધસિંહે કહયું કે, અમે ઘણી મહેનત કરી દિકરાને ક્રિકેટર બનાવ્યો છે, અમે કાળી મજુરી કરી છે, ૨૦-૨૦ લીટરના દુધના કેન ખભ્ભે ઉંચકીને પૈસા એકઠા કર્યા છે, મે વોચમેનની પણ નોકરી કરી છે, આર્થિક પરિસ્થીતી સારી ન હતી અને મારાથી પણ વધારે નયનાબાએ ખુબ જ ભોગ આપ્યો છે, નયનાબા રવિન્દ્રના બહેન છે, પણ એક માતાની જેમ રવિને મોટો કર્યો છે, નયનાબા સાથે પણ કોઇ વ્યવહાર રાખતા નથી.
તેઓ કહે છે કે રિવાબા તેના માતા-પિતાની એકની એક જ દિકરી છે, એ લોકોને રવિની જરુર નથી તેમને તો પૈસાથી જ મતલબ છે, અમે છેતરાઇ ગયા છીએ, પણ નસીબની વાત છે, અમને એની જરુર પણ નથી, મારી પાસે ખેતીવાડી છે અને પેન્શન છે, હોટલ (જડડુસ) પણ અમારી જ છે, જેનું સંચાલન નયનાબા કરે છે.
સબંધો કયાંથી બગડયા એ અંગે કહેતા એમણે કહયું છે કે, રવિન્દ્રના લગ્નને એક મહિનો નહોતો થયો ત્યાં હોટલની માલિકીને લઇને વિવાદ શરુ થયો હતો, રવિન્દ્રને તેની પત્નીએ કહયું હોટલ મારા નામે કરી દો, આ મુદે તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો, પછી નયનાને રવિન્દ્રએ ફોન કર્યો કે, રિવાના નામે હોટલ કરી દે ને, નયનાને પણ એમ જ થયું કે (આખી જીંદગી રવિન્દ્ર જ વહિવટ કરશે ને) અમારે શું કરવું એમ કરીને સાઇન કરી દઉં, પણ એ થઇ જાત તો શું અમારે રોડ પર આવી જવાનું.
અનિરુઘ્ધસિંહે તો દિવ્ય ભાસ્કરને એમ પણ કહયું છે કે, રવિન્દ્રના સાસરી પક્ષના લોકો ઉધોગપતી હોવાની વાત ખોટી છે, ઓડી કારનો ઓર્ડર રવિન્દ્રએ લખાવ્યો હતો, ચેક અમારા નામના છે, ઉધોગપતિ હોય તો તેના સાસુ નોકરી ન કરતા હોત, તેમની નોકરી પર જ પરિવાર નભતો હતો, આજની તારીખમાં રેલ્વે કવાર્ટરમાં રહે છે, હમણાં રવિન્દ્રના પૈસે બે કરોડનો બંગલો લીધો, હું રવિન્દ્રને ફોન નથી કરતો અને મારે તેની જરુર જ નથી, હું તેનો બાપ છું, તેણે મને ફોન કરવાનો હોય, તે મને ફોન પણ કરતો નથી, હું દુ:ખના માર્યે રડું છું, રક્ષાબંધનના દિવસે બહેન પણ રડતી હોય છે.
આ ઉપરાંત પણ ઘણી બધી વાતો સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ રહેલા ઇન્ટરવ્યુમાં આપવામાં આવી છે, જેનાથી આખા જામનગરમાં ભારે ચર્ચા જાગી છે અને આ ઇન્ટરવ્યુથી એક સેલીબ્રીટીના ઘરમાં શું સ્થીતી છે તે પણ સામે આવ્યું છે.
***
દિકરા રવિન્દ્રનો ‚રુમ સજાવીને રાખ્યો છે
જામનગરના એ ફલેટમાં જયાં અનિરુઘ્ધસિંહ જાડેજા રહે છે ત્યાં એમણે દિકરા રવિન્દ્રનો ‚મ સુંદર રીતે સજાવીને રાખ્યો છે, રવિન્દ્રના શિલ્ડ, જર્સી મઢાવીને રાખ્યા છે, રવિન્દ્રની તમામ યાદગીરીઓ તેની નજર સામે જ રાખે છે, જયારે રવિન્દ્ર ક્રિકેટ મેચ રમે ત્યારે તેઓ અચુક દિકરાને નિહાળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application