રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનું ગઇકાલે સૌરાષ્ટ્ર પ્રાંતની મુલાકાત અર્થે રાજકોટ સેવાભારતી ભવન ખાતે આવી પહોંચ્યા હતા.
રાજકોટના આ પ્રવાસ દરમિયાન પૂર્વ નિશ્ચિત કાર્યક્રમ મુજબ, ડો.મોહન ભાગવતનો સમાજ પ્રબોધક અને પ્રેરક લોકો સાથે વ્યક્તિગત અને શ્રેણીશ: વાર્તાલાપનો કાર્યક્રમ રહેશે.સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય એમ પંચ પરિવર્તન વિષય અંગે વ્યાપક ચર્ચા હેતુ સમાજ જીવનના સૌરાષ્ટ્રભરના વિભિન્ન ક્ષેત્રોના અગ્રણીઓ સાથે તેઓ સંવાદ કરશે. આ પ્રવાસ દરમિયાન કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન નથી.
સરસંઘચાલક મોહન ભાગવતનો જન્મ ૧૧ સપ્ટેમ્બર-૧૯૫૦ના રોજ મહારાષ્ટ્રના ચંદ્રપુર ખાતે થયો હતો. તેમણે બી.વી.એસ.સી.(પશુચીકિત્સક)નો અભ્યાસ નાગપુર વેટરનરી કોલેજ ખાતે કર્યો. તેઓ બાલ્યકાળથી સ્વયંસેવક છે. ૧૯૭૫થી અકોલા (મહારાષ્ટ્ર)થી પ્રચારક તરીકે નીકળ્યા બાદ નાગપુર મહાનગર પ્રચારક, બિહાર ક્ષેત્ર પ્રચારક અખિલ ભારતીય શારીરિક પ્રમુખ અને સરકાર્યવાહ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ૨૧ માર્ચ ૨૦૦૯થી તેઓ પ.પૂ. સરસંઘચાલકજી તરીકે માર્ગદર્શન કરી રહ્યા છે. તેઓનું હિંદુ રાષ્ટ્ર અને રાષ્ટ્રીય સમસ્યાનાં ઉકેલ અંગે ઊંડું ચિંતન છે. તેમણે યશસ્વી ભારત, વર્તમાન સમયમાં હિંદુત્વની પૃષ્ઠભૂમિ જેવા વિવિધ પુસ્તકો લખ્યા છે. તેમના પિતાજી સ્વ.મધુકરરાવજી ભાગવતે ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે દાયિત્વ વહન કર્યું હતું.