મનપાના પાપે રાજકોટ જળબંબાકાર થશે, હજુ વોંકળા સફાઇ અધુરી, આટલા સ્થળોએ પાણી ભરાશે જ તેની ગેરંટી!, જુઓ લિસ્ટમાં તમારો વિસ્તાર નથી ને

  • May 26, 2025 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વર્ષે ચોમાસુ વહેલું છે તેની બધાને ખબર છે, ફક્ત રાજકોટ મહાપાલિકા તંત્ર સિવાય! ફક્ત કહેવા પુરતો અને કાગળ ઉપર બનતો પ્રિમોન્સૂન પ્લાન પણ હજુ સુધી બન્યો નથી. સમગ્ર શહેરમાં હજુ વોંકળાઓની સફાઇ અધુરી છે, ડ્રેનેજ સફાઇમાં તો નામ પુરતી કામગીરી થઇ હોય તેવી સ્થિતિ છે. ખોદકામ પુરવાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. શહેરમાં ગત વર્ષ ૨૦૨૪માં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાયાંની કુલ ૯૫૬ ફરિયાદો હતી, આ વર્ષે આ ફરિયાદો બમણી થશે તેમ જણાય છે. તાજેતરમાં વરસેલા બે માવઠા દરમિયાન શહેરની જે હાલત થઇ તે જોતા ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન રાજકોટ જળબંબાકાર થશે તેમ નક્કી જણાય છે. દુઃખદ અને આશ્ચર્યજનક વાત તો એ છે કે વર્ષોથી એક જ સ્થળે વરસાદી પાણી ભરાય છે તેમ છતાં મ્યુનિ. તંત્ર આ જ દિવસ સુધી તેનું નિવારણ શોધી શક્યું નથી.


માવઠાએ શહેરમાં ચોમેર પાણી-પાણી કરી દીધુ હતું

રાજકોટમાં વિધિવત ચોમાસાના પ્રારંભ પૂર્વે વરસેલા માવઠાએ શહેરમાં ચોમેર પાણી-પાણી કરી દીધુ હતું. મહાપાલિકા દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ ભરચોમાસે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સામે આવે જ છે અને મુખ્યમાર્ગો તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જાય છે ત્યારે કહેવાતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળમાં જ થઇ હોવાનું સાબીત થઈ જાય છે.ગત વર્ષે જ શહેરમાં પાણી ભરાયાની ૯૫૬ ફરિયાદો મ્યુનિસિપલ કોલ સેન્ટરમાં નોંધાઈ હતી.


ગત ચોમાસે પાણી ભરાયાની સૌથી વધુ ૮૭ ફરિયાદો વોર્ડ નં.૭માં સામે આવી હતી

ગત ચોમાસે પાણી ભરાયાની સૌથી વધુ ૮૭ ફરિયાદો વોર્ડ નં.૭માં સામે આવી હતી. આ વોર્ડમાં રૈયા રોડ, રેસકોર્સ રીંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, સદર બજાર મેઈન રોડ, પરાબજાર, રૈયાનાકા ટાવર, જૂના રાજકોટમાં સમાવિષ્ટ વિસ્તારો, રામનાથપરા, પેલેસ રોડ, લક્ષ્મીનગર નાલુ, હેમુ ગઢવી હોલ, જનકલ્યાણ સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછી માત્ર નવ ફરિયાદો વોર્ડ નં.૧૫માં નોંધાઇ હતી જેમાં દૂધસાગર રોડ, કોઠારિયા અને થોરાળાના ત્રિભેટા સુધીનો વિસ્તાર, ખોખડદડ નદીથી પશ્વિમ હદ સુધી, આજી ડેમ ચોકડી આસપાસના વિસ્તારો આવે છે.


પોપટપરા નાલું સ્વીમીંગ પુલમાં ફેરવાયું હતું

ગત વર્ષે જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાયાં હતાં તેમાં કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી, માધાપર ચોકડી, બજરંગવાડી, પરાબજાર, કોઠારિયા-વાવડી ગામ, અંબીકા ટાઉનશીપ, અમીન માર્ગ, લલુડી વોકળી, જાનકી પાર્ક, રેલનગર, પોપટપરાનો સમાવેશ થાય છે. તાજેતરમાં માવઠા દરમિયાન પડેલા માત્ર સવાથી અઢી ઈંચ વરસાદમાં પણ ગવલીવાડ વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ફરી વળ્યાં હતાં. આ ઉપરાંત પોપટપરા નાલું સ્વીમીંગ પુલમાં ફેરવાયું હતું.


તંત્રના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક જેવું કંઇ છે જ નહીં

રાજકોટમાં સતત બે થી ત્રણ ઈંચ વરસાદ પડે તો પણ સમગ્ર શહેર પાણી-પાણી થઈ જાય છે. તંત્રના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક જેવું કંઇ છે જ નહીં તેમ કહીએ તો પણ ચાલે તેવી સ્થિતિ છે, આ ઉપરાંત ડીઆઇ પાઈપલાઈનના ગોકળ ગાયની ગતિએ ચાલતા કામોને લીધે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યાં છે જેના કારણે પણ શહેરમાં ચોમેર પાણી ભરાય છે.


આ વર્ષે મહાપાલિકાએ હજુ સુધી પ્રિ-મોન્સુન પ્લાન પણ તૈયાર કર્યો નથી

અન્ય કારણોમાં શહેરને વિકસીત કરવામાં વોંકળાઓને બૂરી દેવામાં આવ્યાં છે અને તેના ઉપર દબાણોનો ખડકલો કરી દેવાયો છે પરિણામે શહેરમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદે વિરામ લીધા બાદ પણ કલાકો સુધી પાણી ભરાયેલા રહે છે. અડરબ્રિજ સ્વીમીંગ પુલમાં ફેરવાઈ જાય છે જેના કારણે પરિવહન બંધ થઈ જાય છે. આ સમસ્યા દર વર્ષની છે. આશ્ચર્ય એ વાતનું છે કે, આ વર્ષે મહાપાલિકાએ હજુ સુધી પ્રિ-મોન્સુન પ્લાન પણ તૈયાર કર્યો નથી.


ગત વર્ષે ચોમાસામાં પાણી ભરાયાની ૯૫૬ ફરિયાદો


વોર્ડ નં.૧- ૬૫

વોર્ડ નં.૨- ૫૨

વોર્ડ નં.૩- ૮૬

વોર્ડ નં.૪- ૫૪

વોર્ડ નં.૫- ૧૨

વોર્ડ નં.૬- ૪૧

વોર્ડ નં.૭- ૮૭

વોર્ડ નં.૮- ૮૦

વોર્ડ નં.૯- ૯૦

વોર્ડ નં.૧૦- ૪૫

વોર્ડ નં.૧૧- ૭૯

વોર્ડ નં.૧૨- ૬૦

વોર્ડ નં.૧૩- ૫૩

વોર્ડ નં.૧૪- ૩૬

વોર્ડ નં.૧૫- ૦૯

વોર્ડ નં.૧૬- ૨૭

વોર્ડ નં.૧૭- ૩૪

વોર્ડ નં.૧૮- ૮૦

કુલ ફરિયાદો ૯૫૬


ગેરંટી! આટલા સ્થળોએ પાણી ભરાશે જ

- રામનાથ મંદિર, રામનાથ પરા

- બીઆરટીએસ રૂટ

- રામાપીર ચોકડી

- નાણાવટી ચોક

- રૈયા એક્સચેન્જ ચોક

- બિગ બજાર ચોક

- અમિન માર્ગ ગંગા હોલ ચોક

- અમિન માર્ગ-૧૫૦ ફૂટ રિંગ રોડ જંક્શન

- અમિન માર્ગ સિલ્વર ક્લાસિક પાસે

- પંચવટી સોસાયટી મેઈન રોડ

- અક્ષર માર્ગ-અમિનમાર્ગ જંક્શન

- મહિલા કોલેજ ચોક અંડરબ્રિજ

- રૈયા રોડ આઝાદ ચોક

- પોપટપરા નાલું

- રેલનગર અંડરબ્રિજ

- હેમુ ગઢવી હોલ પાસે

-માધાપર ચોકડી

-એસ્ટ્રોન નાલું

-જનકલ્યાણ સોસાયટી

-હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સ રોડ

-સર્વેશ્વર ચોક

-રેસકોર્સ રિંગ રોડ

-આમ્રપાલી અંડર બ્રિજ

-લક્ષ્મીનગર અંડર બ્રિજ

-બજરંગવાડી

-મવડી આનંદ બંગલા ચોક

-પીડીએમ કોલેજ પાસે

-કોઠારીયા કોલોની

-માસ્તર સોસાયટી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application