આવો બંધ રાજકોટે દાયકાઓ પછી જોયો

  • June 25, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની ઓળખ શાંતિ પ્રિય શહેરની છે. આ શહેર રંગીલા રાજકોટ તરીકે પણ ઓળખાય છે. દેશ અને દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ થઈ જાય તો પણ પોતાની રાબેતા મુજબની લાઈફ સ્ટાઈલમાં જીવતું આ શહેર આજે બંધ રહ્યું હતું. ભૂતકાળના નજીકના વર્ષોમાં આ પ્રકારની ઘટના ક્યારેય બની નથી અને અગ્નિકાંડના મામલે ચાલતી ઢીલી તપાસ પ્રત્યે નાગરિકોમાં રોષની લાગણી કેટલી પ્રબળ છે ?તેનો પડઘો પ્રજાએ પાડ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

રાજકોટમાં દાયકાઓથી ભાજપ્નું પ્રભુત્વ રહ્યું છે. સ્થાનિક મહાનગરપાલિકામાં તથા રાજ્યમાં ભાજપ્ની સત્તા હોવાના કારણે હડતાલના કે આંદોલનના કાર્યક્રમો સ્વાભાવિક રીતે જ ભાજપ તરફથી ન થતા હોય, બીજી બાજુ કોંગ્રેસની કોઈ રાજકીય તાકાત કે પકડ પ્રજા પર ન હોવાના કારણે કોંગ્રેસ દ્વારા આવા એલાનો આપવામાં આવ્યા નથી. છૂટક છૂટક વિસ્તારો બંધના એલાનો ભૂતકાળમાં અપાયા છે. પરંતુ સમગ્ર રાજકોટ શહેર બંધ રહ્યું હોય તેવી વર્ષો પછીની આ પ્રથમ ઘટના છે.
રાજકોટ છેલ્લે ક્યારે બંધ રહ્યું હતું ?અને બંધના એલાનને સજ્જડ પ્રતિસાદ ક્યારે મળ્યો હતો ?તેવા સવાલના જવાબમાં ભલભલા લોકો માથું ખંજવાળે છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા અપાયેલું એલાન સફળ રહ્યું હોવાથી સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ આ માટે જશ લઈ શકે છે. પરંતુ આમાં કોંગ્રેસની મહેનત, આયોજનબદ્ધ તૈયારીની સાથે અગ્નિકાંડના મામલે લોકોમાં જે રોષ છુપાયો છે અને તપાસમાં જે મુજબ ઢીલી નીતિથી તથા મોટા માથાઓને બચાવવાની સ્ટાઈલથી કામ ચાલી રહ્યું છે તેનાથી પ્રજા કેટલી નારાજ છે તે પણ આ બાબતથી સમજી શકાય છે.

બંધના એલાન દરમિયાન આજે રાજકોટના મોટાભાગના વિસ્તારો બંધ રહ્યા હતા. શાળા કોલેજો પણ બંધના એલાનમાં જોડાઈ હતી. પોલીસ સાથેની કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની રકજકના અમુક બનાવોને બાદ કરતા બંધનું એલાન પણ શાંતિપૂર્ણ રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News