BREAKING NEWS

જામનગર : રાજકોટના સોની વેપારીને ૧૮ લાખનો ચુનો ચોપડયો

  • November 14, 2025 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ રાજકોટના એક શખ્સ સાથે મળીને પિતા-પુત્રી તરીકેની ખોટી ઓળખ બતાવી રાજકોટના એક સોની વેપારીને ૧૮ લાખનો ચુનો ચોપડીને રફુચકકર થઇ જતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જામનગરની ફાઇનાન્સ કંપનીમાંથી ગોલ્ડ છોડાવવા માટે વેપારીને લાલચ આપી માતબર રકમ આરોપીઓએ પોતાના ખાતામાં જમા કરાવી લીધાનું પોલીસ ચોપડે નોંધાયુ છે.


રાજકોટમાં કોઠારીયા રોડ, નીલકંઠ પાર્ક શેરી નંબર-૩માં રહેતા અને રાજકોટમાં સોના ચાંદીનો શોરૂમ ધરાવતા સાહિલ પરેશભાઈ પાલા નામના સોની વેપારીએ જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં રાજકોટના  રેસકોર્સ બાજુમાં કિશાનપરા ચોક ખાતે રહેતા આલાભાઇ નકુભા ઝડફવા નામના ગઢવી શખ્સ અને જામનગરના ગુલાબનગર શુભમ એપાર્ટમેન્ટ એ-વિંગ, ૫૦૧ ખાતે રહેતી સેજલબેન સંજયભાઈ રાયચુરા સામે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી લઈ રૂપિયા ૧૮,૦૬,૦૦૦ની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ પોતાની સાથે ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સીટી-સી ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રાજકોટના આલાભાઇ ગઢવીએ રાજકોટના સોની વેપારીઓનો સંપર્ક કર્યો હતો, અને પોતાની પુત્રી સેજલબેન સંજયભાઈ રાયચુરા કે જે જામનગરમાં રહે છે, તેવી ખોટી ઓળખ આપી હતી. પરંતુ તે તેની પુત્રી થતી ન હતી. છતાં ખોટી ઓળખ આપીને બંનેએ સોની વેપારી પાસે ૧૮ લાખની રકમ માગી હતી.


 સેજલબેન ની લાલ બંગલા વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાઈનાન્સ કંપનીમાં ૨૭ તોલા સોનું પડેલું છે, જે ૧૮ લાખ રૂપિયા ભરીને છોડાવી વહેચવાનું છે, તેવી લાલચ આપીને સોની વેપારીને જામનગર બોલાવી લીધા હતા, અને ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી બેંકના ખાતામાં તે રકમ સોની વેપારી મારફતે જમા કરાવી લીધી હતી. 
​​​​​​​

તે રકમ જમા કરાવ્યા બાદ પોતે લાલ બંગલાની બ્રાંચમાંથી સોનુ છોડાવીને આપી જાય છે, તેમ કહી લાલ બંગલા વિસ્તારમાં આવ્યા હતા, ત્યા સોની વેપારીને બેસાડી રાખ્યા હતા, દરમ્યાન સેજલબેન રફુચક્કર થઈ ગઈ હતી, અને ત્યારબાદ આલાભાઇ ગઢવી પણ ત્યાંથી નાસી જતાં આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વિશ્વાસ અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ વી. એ. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application