BREAKING NEWS

પાયલોટે મેડે...મેડે...નો મેસેજ આપ્યો ને રાજકોટ એરપોર્ટે આપી ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી, 194 મુસાફરોનો જીવ બચ્યો

  • July 27, 2026 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુબઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક ટેકનિકલ ખામી અને સ્મોક (ધુમાડો)ની શંકા જણાતા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેનું તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ઘટના અંગે રાજકોટના કલેક્ટર ઓમ પ્રકાશ ઝાએ માધ્યમોને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર સ્થિતિ પર વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને વિમાનમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સલામત છે.


કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો દેખાતાં પાઈલટે 'મેડે'નો મેસેજ આપ્યો

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, દુબઈથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગોની આ ફ્લાઈટ દુબઈથી સહી-સલામત ઉપડી હતી. પરંતુ આકાશમાં ઉડાન દરમિયાન રસ્તામાં ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટ (સામાન રાખવાના વિભાગ) માં ધુમાડો શરૂ થયો હોવાનું પાઈલટના ધ્યાને આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પાઈલટ દ્વારા તાત્કાલિક 'મેડે... મેડે... મેડે...' (ઈમરજન્સી)નો મેસેજ આપવામાં આવ્યો હતો. આ સિગ્નલ મળતા જ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા વિમાનને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.


મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો, પાઈલટની સૂઝબૂઝથી સફળ લેન્ડિંગ

ઉડાન દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ અંગે જાણ થતાં ફ્લાઈટમાં સવાર ક્રૂ મેમ્બર્સ સહિત તમામ ૧૯૪ મુસાફરોમાં ક્ષણભર માટે ભારે ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, પાઈલટે અત્યંત સૂઝબૂઝ અને કુશળતા દાખવીને રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. સુરક્ષિત લેન્ડિંગ થતાં જ વિમાનમાં સવાર તમામ ૧૯૪ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને મોટી દુર્ઘટના ટળતાં સૌનો જીવ બચી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application