મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયાની બે ફ્લાઈટની વિંગ અથડાયા બાદ રાજકોટ સહિત અનેક શહેરોના હવાઈ મુસાફરોને ફ્લાઈટ મોડી થવાના કારણે હાલાકી થઈ હતી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ફ્લાઈટના શેડ્યુલ ખોરંભાતા મુસાફરોને છેલ્લા ત્રણ દિવસથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે ફ્લાઇટ મોડી રાત્રે રાજકોટ પહોંચ્યા બાદ મુસાફરોને ભૂખ્યા તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો. જોકે એરલાઇન્સ દ્વારા ફ્લાઈટના શેડ્યુલ ખોરવાતા મુસાફરોને માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે હજુ ત્રણ દિવસ બાદ પણ ફ્લાઈટના શેડ્યુલ પુનર્વત નહીં થતાં મુંબઈના હવાઈ મુસાફરોને સમસ્યા થઈ રહી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબઈ એરપોર્ટ પર બે ફ્લાઇટની વિંગ અથડાતા બુધવારે એર ઇન્ડિયાની રાજકોટ આવતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા 6 કલાક મોડી પહોંચી હતી. જેના કારણે આ ફ્લાઈટ મોડી રાત્રે 12 વાગ્યે એરપોર્ટ પર પહોંચતા મુસાફરો ભૂખ અને થાકથી કંટાળી ગયા હતા. જેના પગલે એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ફ્લાઈટ રાજકોટ પહોંચ્યા બાદ ફરી તેને મુંબઈ માટે ટેકઓફ કરવામાં આવી હતી. જેથી ફ્લાઈટ મોડી પડતા મુંબઈ એરપોર્ટ પર પણ મુસાફરોને લાંબા સમય સુધી બેસી રહેવાનો વારો આવ્યો હતો.
ગઈકાલે ગુરુવારે સાંજે પણ મુંબઈ ઉપરાંત દિલ્હીની ફ્લાઈટ પણ મોડી પડતા મુસાફરો અકળાયા છે. ગઈકાલે સાંજે દિલ્હી-રાજકોટ-દિલ્હી ફ્લાઈટ પણ સમય કરતા અંદાજે બે કલાક મોડી પડી હતી. જેના કારણે અનેક મુસાફરોના ધંધાકીય તેમજ વ્યવસાયિક કામો અટકી પડ્યા હતા. તેમજ નિર્ધારિત આયોજનમાં કાર્ય પુરા નહીં થતા મુસાફરોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન ભરતી તમામ ફ્લાઈટના શેડ્યુલ સમયસર થાય તેવી લોકમાંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application