રાજકોટ મહાપાલિકાનું આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭નું બજેટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આગામી તા.૪ ફેબ્રુઆરીને બુધવારના રોજ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ચેરમેન જયમીનભાઇ ઠાકર સમક્ષ રજૂ કરાશે. તમામ મ્યુનિ.શાખાઓ પાસેથી મંગાવેલા અંદાજોને અંતે તૈયાર કરાયેલા બજેટનું પ્રાયમરી પ્રેઝન્ટેશન આજે બપોરે મળેલી મિટિંગમાં કમિશનરે નિહાળ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના બજેટનું કદ રૂ.૩૧૧૮ કરોડ હતું જે વધીને ૩૪૦૦ કરોડ સુધી પહોંચે તેવો અંદાજ વ્યક્ત થયો છે. ખાસ કરીને ચૂંટણી વર્ષમાં મિલકતવેરામાં વ્યાજમાફી અપાશે કે કેમ ? તેના ઉપર સૌની મીટ મંડાઇ છે.
રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા ઘણાં વર્ષોથી મિલકતવેરામાં વ્યાજમાફીની સ્કીમ આપી ન હોય સેંકડો બાકીદારો ચૂંટણી વર્ષમાં વ્યાજમાફીની સ્કીમ આવશે તેવી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ મહાપાલિકાએ પણ મિલકતવેરામાં વ્યાજમાફીની સ્કીમ અમલી બનાવી છે ત્યારે રાજકોટમાં શાસકો શું કરશે ? તેના ઉપર ૨૫ લાખ રાજકોટવાસીની મીટ મંડાઇ છે.
મ્યુનિસિપલ કમિશનર મિલકતવેરા, પાણી વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં વેરા વધારો સૂચવે તેવી શક્યતા છે તેમજ મોટા પ્રોજેક્ટના બદલે નળ, ગટર, રસ્તા, સફાઇ જેવા કામો માટે વધુ રકમ ફાળવી બ્લેક એન્ડ વ્હાઇટ બજેટ રજૂ તેવા નિર્દેશ મળી રહ્યા છે. એકંદરે પ્લાનિંગને બદલે એન્ફોર્સમેન્ટ તરફ ઝોક ધરાવતું વાસ્તવિક બજેટ રજૂ થશે તેમ મનાય રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને આડે માંડ બે મહિના બાકી રહ્યા હોય ચૂંટણી વર્ષમાં ભાજપના શાસકો વેરા વધારો ફગાવી આકર્ષક નવી યોજનાઓ ઉમેરી બજેટને કલરફૂલ બનાવવા વિશેષ જહેમત લેશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.
મ્યુનિ.કમિશનર અને સ્ટે.ચેરમેન વચ્ચે બજેટ તૈયાર કરતા પૂર્વેથી જ સંકલનનો સેતુ સધાયો હોય (તાજેતરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આપેલી શીખ મુજબ) કમિશનર એવું જ બજેટ રજૂ કરશે જેમાં શાસકોને રંગપૂરણી કરવાની અર્થાત જશ મેળવવાની તક મળશે ! તેવી પણ શાસકપક્ષના વર્તુળોમાં ચર્ચા છે.
ચાલુ વર્ષના જમ્બો બજેટની અડધી અમલવારી
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬નું બજેટ ૩૧૧૮ કરોડનું છે પરંતુ અંતિમ ક્વાર્ટરની હાલની સ્થિતિ તેની અડધી અમલવારી થઇ શકી છે, બજેટનું કદ ભલે ગમે તેટલું મોટું હોય તેમાંથી અમલવારી કેટલી થઇ તે જ મહત્વનું હોય છે ત્યારે આગામી વર્ષના બજેટ સાથે ચાલુ વર્ષનું રિવાઇઝ્ડ બજેટ રજૂ થાય તેનું કદ કેટલું રહે છે તે જોવું પણ જરૂરી બનશે. સામાન્ય રીતે રિવાઇઝ્ડ બજેટનું કદ માંડ પચાસ ટકા રહેતું હોય છે.