રાજકોટ : શાનદાર શોખ : ૪૦ વર્ષથી બેન્કના મેનેજર બનાવે છે ઘૂટો, ૩૪ શાકભાજી, ૩ ફળ અને ૩ કઠોળનો બનેલો ઘૂટો ખાઈ તમે પણ કહેશો, “વાહ”..
રાજકોટ : શાનદાર શોખ : ૪૦ વર્ષથી બેન્કના મેનેજર બનાવે છે ઘૂટો, ૩૪ શાકભાજી, ૩ ફળ અને ૩ કઠોળનો બનેલો ઘૂટો ખાઈ તમે પણ કહેશો, “વાહ”..
January 25, 2021 03:29 AM 242 views
રાજકોટના જશમતભાઈ ભીમાણીનો શોખ શાનદાર છે. જશમતભાઈ વ્યવસાયે બેંકમાં મેનેજર છે અને B.com LLBનો અભ્યાસ કરેલો છે. બેંકમાં સારી પોસ્ટ પર નોકરીની સાથે જશમતભાઈ ઘૂટો બનાવે છે. ઘૂટો બનાવવો એ તેમનો શોખ છે અને તેઓ ૪૫ વર્ષથી ઘૂટો બનાવે છે. જોકે રાજકોટમાં છેલ્લા ૪-૫ વર્ષથી ઘૂટો બનાવી રાજકોટવાસીઓને પીરસે છે. ૩૪ શાકભાજી, ૩ ફળ અને ૩ કઠોળના મિશ્રણનો જશમતભાઈના હાથનો ઘૂટો કોઈ પણ વ્યક્તિ ચાખે એટલે એક વાર તો ચોક્કસથી કહી દે, "વાહ..!"
આજકાલ સાથેની વાતચીતમાં જશમતભાઈએ જણાવ્યું હતું કે, ઘૂટો એ સૌથી વધુ શિયાળામાં ખવાતી વાનગી છે. ૩૪ શાકભાજી, ૩ ફળ અને ૩ કઠોળનો બનેલો આ ઘૂટો આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. સાંજે નોકરીમાંથી છૂટયા બાદ તરત જ તેઓ ઘૂટો બનાવવા સાધુવાસવાણી રોડ પર આવેલી તેની દુકાને પહોંચી જાય છે. તે અને તેની પત્ની સાથે મળી ઘૂટો બનાવે છે. અંદાજે દોઢથી બે કલાકમાં આ ઘૂટો બને છે. અને બાજરાના રોટલા સાથે આ ઘૂટાને ખાવામાં આવે છે. ઘૂટો બનાવી તેઓ નફો પણ સારો એવો કરી લે છે. ગત શિયાળે જ ફકત ચાર મહિનામાં ઘૂટો બનાવી તેમણે ૧૨ લાખની કમાણી કરી હતી. જશમતભાઈનો ઘૂટો દેશ-વિદેશ સુધી પ્રખ્યાત છે. વિદેશથી પણ જશમતભાઈને ઘૂટો બનાવવાની રીત પૂછવા ફોન આવે છે. જશમતભાઈ અને તેમની પત્નીનું સ્વપ્ન છે કે તેઓનો આ પ્રખ્યાત ઘૂટો વિદેશ સુધી પહોંચે અને તે માટે તેઓ તે પ્રકારનું આયોજન પણ કરી રહ્યા છે.