રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ, આજે સૌરાષ્ટ્રના 8 સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ

  • August 27, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ, આજે એટલે કે, તારીખ 27 ઓગસ્ટના સૌરાષ્ટ્રના આઠ જિલ્લા સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ



રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 356 મિ.મી., ડાંગના આહવામાં 268 મિ.મી., વલસાડના કરપડામાં 263 મિ.મી., ડાંગના વધઈમાં 251 મિ.મી., વલસાડના ધરમપુરમાં 237 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 236 મિ.મી., વલસાડમાં 226 મિ.મી., નર્મદાના સાગબારામાં 225 મિ.મી. વરસાદ પડ્યો છે.



આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 



આજે સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ 



હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 27 ઑગસ્ટે ગીર સોમનાથ, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



આ જિલ્લાઓમાં યલો એલર્ટ 



27 ઑગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



28 ઑગસ્ટની આગાહી 


રાજ્યભરના મોટાભાગના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે 28 ઑગસ્ટે સૌરાષ્ટ્રના કચ્છ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application