દેશમાં રેલ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે અને મુસાફરોની સુવિધાને ધ્યાને લઈ ભારતીય રેલ્વેએ એક મોટું પગલું ભરવાનું નક્કી કર્યું છે. રેલ્વે આગામી પાંચ વર્ષમાં મુખ્ય શહેરોમાંથી વર્તમાન ટ્રેન ક્ષમતા બમણી કરવાની યોજના ધરાવે છે. રેલ્વે 2030 સુધીમાં મુખ્ય શહેરોમાં ટ્રેન સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવાનું લક્ષ્ય રાખે છે.આ યોજના અંગે, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વધતી જતી મુસાફરોની માંગને પહોંચી વળવા અને ભીડ ઘટાડવા માટે, અમે વિવિધ શહેરોમાં કોચિંગ ટર્મિનલનું વિસ્તરણ કરી રહ્યા છીએ અને વિભાગીય અને કાર્યકારી ક્ષમતાને મજબૂત બનાવી રહ્યા છીએ. આનાથી રેલ્વે નેટવર્ક આધુનિક બનશે અને સમગ્ર દેશમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે.આ યોજનામાં કોચિંગ ટર્મિનલ્સનું વિસ્તરણ, નવા ટર્મિનલ્સનું નિર્માણ અને ટ્રેક અને સિગ્નલિંગ ક્ષમતામાં વધારો શામેલ હશે. પ્રસ્તાવિત કાર્યોમાં વધારાના પ્લેટફોર્મ, સ્ટેબલિંગ લાઇન, પીટ લાઇન અને હાલના ટર્મિનલ્સ પર શન્ટિંગ સુવિધાઓનો વિકાસ શામેલ છે.
ટર્મિનલ્સ તેમજ આસપાસના સ્ટેશનોની ક્ષમતામાં વધારો કરાશે
રેલ્વેએ સ્પષ્ટતા કરી છે કે ટર્મિનલ્સ તેમજ આસપાસના સ્ટેશનોની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, પુણેની સાથે, હડપસર, ખડકી અને આલંડી સ્ટેશનોને પણ ક્ષમતા વૃદ્ધિ યોજનામાં સમાવવામાં આવ્યા છે. ઉપનગરીય અને બિન-ઉપનગરીય ટ્રાફિક પર સમાન ધ્યાન આપવામાં આવશે. આ યોજના ઉપનગરીય અને બિન-ઉપનગરીય ટ્રાફિક બંનેને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહી છે, કારણ કે બંનેની જરૂરિયાતો અલગ છે. દેશભરના 48 મુખ્ય શહેરો માટે એક વ્યાપક અને સમય-બાઉન્ડ યોજના વિકસાવવામાં આવી રહી છે, જેમાં પહેલાથી જ મંજૂર, પ્રસ્તાવિત અને નવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થશે.
અમદાવાદ સહીત 48 મુખ્ય શહેરોનો યોજનામાં સમાવેશ
આ મહત્વાકાંક્ષી યોજનામાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ, પટના, લખનૌ, પુણે, નાગપુર, વારાણસી, કાનપુર, જયપુર, ભોપાલ, ઇન્દોર, કોચી, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, ગુવાહાટી, રાંચી અને રાયપુર સહિત 48 મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે. રેલ્વેનો લક્ષ્યાંક 2030 સુધીમાં ક્ષમતા બમણી કરવાનો છે, પરંતુ રેલ્વે કહે છે કે મુસાફરોને તાત્કાલિક લાભ મળે તે માટે આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર ક્ષમતા વૃદ્ધિ શરૂ થશે. આ યોજનાઓને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવશે: તાત્કાલિક, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના, સ્પષ્ટ સમયરેખા અને પરિણામો સાથે.