પડધરી અને શાપરમાં ગેરકાયદે ખનન પર દરોડા: ૬૯ લાખનો મુદામાલ જપ્ત
પડધરી અને શાપરમાં ગેરકાયદે ખનન પર દરોડા: ૬૯ લાખનો મુદામાલ જપ્ત
June 30, 2026 10:04 AM
રાજકોટ રૂરલ એસઓજીની ટીમે ખનીજ ચોરી સામે કડક કાર્યવાહીના ભાગરૂપે હરીપર ગામની સીમમાં આવેલ ખારી નદીના પટમાંથી સોફ્ટ મોરમ અને શાપરમાં આવેલ અમૃતમ તળાવમાંથી પથરાળ તાસનું ગેરકાયદેસર ખનન તથા વહનની પ્રવૃત્તિ પર દરોડો પાડયો હતો. પોલીસે કુલ રૂ.૬૯ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવાની આપવામાં આવેલ કડક સૂચનાથી એસપી વિજયસિંહ ગુર્જરએ જિલ્લામાં ગેરકાયદેસર રેતી અને ખનિજ ચોરી કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવા આપેલ માર્ગદર્શનથી રૂરલ એસ.ઓ.જી.ની ટીમને પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સફળતા મળી હતી. એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, પડધરી તાલુકાના હરીપર(ખારી) ગામની સીમમાં આવેલ ખારી નદીના પટની બાજુમાં કેટલાક શખસો દ્વારા સોફ્ટ મોરમ અને માટીનું ગેરકાયદેસર ખનન તેમજ વહન કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે, ખાણ ખનિજ વિભાગ રાજકોટના ભૂસ્તર શાસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ સાથે રાખીને એસઓજી ટીમે સંયુક્ત રેડ પાડી હતી. ઘટનાસ્થળે તપાસ કરતા સોફ્ટ મોરમ અને માટીનું ગેરકાયદેસર ઉત્ખનન ચાલુ હોવાનું સામે આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને ખાણ ખનિજ વિભાગની સંયુક્ત રેડ દરમિયાન જે.સી.બી.મશીન રૂ.૨૫ લાખ, ૩ ટ્રેક્ટર ટ્રોલી સાથે ૯લાખ મળી કુલ રૂ.૩૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ તમામ વાહનોને ખાણ ખનિજ વિભાગને સોંપવામાં આવ્યા છે. આ સફળ ઓપરેશન એસઓજી પીએસઆઇ પી.બી.મિશ્રા, જી.જે.ઝાલા, કોન્સ્ટેબલ રણજીતસિંહ ધાંધલ અને વિપુલભાઈ ગોહિલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. બીજા દરોડામાં રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ રણજીતસિંહ ધાંધલ તથા વિપુલભાઈ ગોહિલને સંયુક્ત રીતે એક ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી. આ બાતમીના આધારે શાપર ગામની સીમમાં આવેલા 'અમૃતમ તળાવ' ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાં પથરાળ તાસનું ગેરકાયદેસર ખનન (ખોદકામ) અને વહનની કામગીરી ચાલુ હોવાનું માલુમ પડયું હતું. પોલીસે દરોડા દરમિયાન અહીંથી ગેરકાયદેસર ખનન અને હેરફેર માટે ઉપયોગમાં લેવાતા બે મોટા વાહનો જેમાં હિટાચિ એક્સ્કેવેટર મશીન અને એક એક ડમ્પર મળી કુલ રૂ.૩૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કબ્જે કરવામાં આવેલા આ તમામ વાહનોને આગળની દંડકીય પ્રક્રિયા માટે રાજકોટના ભૂસ્તર શાસ્ત્રી તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યા છે.