ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે રચનાબેન, ઉપપ્રમુખ તરીકે વિષ્ણુભાઈને શિરે તાજ

  • September 13, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારોબારી ચેરમેન તરીકે રેખાબેન ખેતીયા પણ બિનહરીફ વરાયા



દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નગરપાલિકાની ભારે ઇન્તેજારીપૂર્વક બની ગયેલી પ્રમુખ - પ્રમુખ પદની ચૂંટણી માટે મંગળવારે લાંબી કશ્મકશ તેમજ ચર્ચા, વિચારણાઓ, અટકળો અને અનુમાનો વચ્ચે આગામી અઢી વર્ષ માટે બિનહરીફ વિજેતા થયેલા પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, ઉપપ્રમુખ તરીકે વિષ્ણુભાઈ ગોપાલભાઈ પતાણી તેમજ કારોબારી ચેરમેન તરીકે રેખાબેન ખેતીયાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે.


ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકાના વર્તમાન બોડીની બીજી ટર્મ માટેના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી ગઈકાલે સવારે 11 વાગ્યે ખંભાળિયા નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.


આ વચ્ચે ઉલ્લેખનીય છે કે છેવટ સુધી ભારે સસ્પેન્સ તેમજ ગઈકાલે સવારે સુધી વિવિધ નામોની અટકળો તેમજ અનુમાનોના ચાલેલા દૌર બાદ સવારે 10:30 વાગ્યે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિ બાદ જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમ દ્વારા નગરપાલિકાના ભાજપના સદસ્યોને વ્હીપ આપવામાં આવી હતી. જે મુજબ અહીંના પીઢ અને અનુભવી તેમજ રાજકીય માંધાતા સાબિત થયેલા મોટાણી ગ્રુપના પુત્રવધુ રચનાબેન મોહિતભાઈ મોટાણીની પ્રમુખ તરીકે વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે ઉપપ્રમુખ તરીકે વિષ્ણુભાઈ ગોપાલભાઈ પતાણીના નામનું મેન્ડેટ સદસ્યોને આપવામાં આવ્યું હતું. પાલિકાની મહત્વની એવી કારોબારી સમિતિના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના અગ્રણી મહિલા કાર્યકર રેખાબેન ખેતીયાના નામની પણ વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી.


ખંભાળિયા શહેરમાં નોંધપાત્ર વસ્તી ધરાવતા અને પાલિકામાં હાલ 28 પૈકી સાત સદસ્યો સાથે સૌથી વધુ સંખ્યાબળ ધરાવતા રઘુવંશી જ્ઞાતિને આ ટર્મમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આજથી આશરે 12 વર્ષ પહેલાં નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ગયેલા દિનેશભાઈ દતાણી પછી આગામી અઢી વર્ષની ટર્મ માટે 12 વર્ષ પછી રઘુવંશી સમાજના રચનાબેન મોહિતભાઈ મોટાણીને ભાજપ દ્વારા આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.


પ્રમુખ - ઉપપ્રમુખ માટે યોજવામાં આવેલી આ બેઠકમાં 28 પૈકી ભાજપના તમામ 26 તેમજ બસપા અને કોંગ્રેસના એક-એક મળી તમામ 28 સભ્યો હાજર રહ્યા હતા. નવા હોદ્દેદારોને નિયુક્તિ માટેની આ સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી પાર્થ કોટડીયાના માર્ગદર્શન હેઠળ કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી. આ તમામ કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.


નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં આ સામાન્ય સભાના પ્રારંભે પ્રમુખના નામની દરખાસ્ત તત્કાલીન ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાએ કરી હતી. જેને હિતેશભાઈ ગોકાણીએ ટેકો આપ્યો હતો. ઉપપ્રમુખ તરીકેની દરખાસ્ત મહેશભાઈ ધોરીયાએ કરી હતી. જેને મહેશભાઈ રાડીયાએ ટેકો આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને યુવા હોદ્દેદારો 25-30 વર્ષ વચ્ચેના છે. આ સાથે શાસક પક્ષના નેતા તરીકે મુક્તાબેન કિશોરભાઈ નકુમની પણ વરણી થવા પામી છે.


નવા વરાયેલા પ્રમુખ તથા ઉપપ્રમુખ રાજકીય પરિવારના છે. રચનાબેન મોટાણીના પરિવારના જેમિનીબેન મોટાણી અગાઉ નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. જ્યારે યોગેશભાઈ મોટાણી શહેર ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પતાણીના કુટુંબી કાકા પી.એમ. ગઢવી અગાઉ પાલિકાના પ્રમુખ હતા.


આ ચૂંટણી કાર્યવાહી દરમિયાન શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, યોગેશભાઈ અને ભરતભાઈ મોટાણી, હિતેન્દ્રભાઈ આચાર્ય, ઇન્દ્રજીતસિંહ પરમાર, જિલ્લા મહિલા મોરચાના અગ્રણી નિમિષાબેન નકુમ, ગીતાબા જાડેજા, જીગ્નેશભાઈ પરમાર, રવિરાજસિંહ જાડેજા, વનરાજસિંહ વાઢેર, હસમુખભાઈ ધોળકિયા, મુકેશભાઈ કાનાણી સહિતના આગેવાનો-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


ચૂંટણી પૂર્વે તેમજ ચૂંટણી બાદ પણ પોલીસ તંત્ર દ્વારા મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નવા હોદ્દેદારોની વરણી બાદ ઢોલ, નગારા અને પુષ્પવર્ષા સાથે ઉપસ્થિત સૌના મોં મીઠા કરાવી અને વિજય સરઘસ નીકળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application