રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસની રાજકીય યાત્રા માટે નવી દિલ્હી પહોંચશે, જ્યાં તેમનું આગમન સાંજે લગભગ 4:30 વાગ્યે થવાની સંભાવના છે. પુતિનના આગમન બાદ પીએમ મોદી તેમના માટે પ્રાઈવેટ ડીનરનું આયોજન કરશે, જે ગયા વર્ષે પીએમ મોદીની મોસ્કો મુલાકાત દરમિયાન પુતિને કરેલા ખાનગી આતિથ્ય સત્કાર જેવું જ હશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે છેલ્લા બે દાયકામાં ભારત-અમેરિકાના સંબંધો સૌથી વધુ કથળ્યા છે, કારણ કે રશિયન તેલ ખરીદવા બદલ 25% વધારાના શુલ્ક સહિત ભારતીય નિકાસ પર અમેરિકાએ 50% સુધીની ભારે ડ્યૂટી લાદી દીધી છે. પુતિન દિલ્હીમાં લગભગ 28 કલાક રોકાશે.
પુતિનનું શુક્રવારે ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ 23મી ભારત-રશિયા શિખર વાર્તા યોજાશે. આ પહેલા પુતિન સવારે રાજઘાટ પણ જશે. શિખર વાર્તા પછી, પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં પુતિન અને તેમના પ્રતિનિધિમંડળ માટે લંચનું આયોજન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના સન્માનમાં રાજકીય ભોજન સમારંભની મેજબાની કરશે અને પુતિન શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ભારતથી પ્રસ્થાન કરશે.
આ શિખર બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની મોટી માત્રામાં ખરીદીને કારણે વધી રહેલી વેપાર ખાધનો મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ, અમેરિકી પ્રતિબંધોની ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર થતી અસર વિશે પણ ચર્ચા થશે. પુતિન યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રયાસો વિશે પીએમ મોદીને માહિતગાર કરશે.
બેઠક બાદ બંને દેશો વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે, જેમાં રશિયામાં ભારતીય શ્રમિકોની અવરજવરને સરળ બનાવવા માટેનો કરાર અને સંરક્ષણ સહયોગ માટે સામાન-સામગ્રી સંબંધિત કરાર મુખ્ય છે.
આ ઉપરાંત, ફાર્મા, કૃષિ, ખાદ્ય ઉત્પાદનો અને ગ્રાહક વસ્તુઓના ક્ષેત્રોમાં રશિયામાં ભારતીય નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ભારત ખાતર ક્ષેત્રે પણ સહયોગ વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે, કારણ કે રશિયા દર વર્ષે ભારતને 30થી 40 લાખ ટન ખાતર પૂરું પાડે છે. બંને પક્ષો નવી દિલ્હી દ્વારા પ્રસ્તાવિત યુરેશિયન આર્થિક સં સાથે મુક્ત વેપાર કરાર(એફટીએ) પર પણ ચર્ચા કરશે, જે વહેલી તકે પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, કેમ કે ભારત રશિયાની તરફેણમાં વધી રહેલા વેપાર ખાધ(જ્યાં ભારતની ખરીદી 65 બિલિયન ડોલર અને રશિયાની આયાત 5 બિલિયન ડોલર છે)ને લઈને ચિંતિત છે.
શિખર બેઠક પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોઉસોવ વચ્ચે ગુરુવારે વ્યાપક વાર્તાલાપ થશે. આ વાર્તાના મુખ્ય એજન્ડામાં એસ-400 મિસાઇલ પ્રણાલીની ખરીદી , સુખોઈ 30 ફાઇટર જેટના અપગ્રેડેશન અને અન્ય મહત્ત્વપૂર્ણ સૈન્ય સામાનની ખરીદીમાં ભારતની રુચિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સંરક્ષણ સંબંધોને વધુ વિસ્તૃત કરવા અને સૈન્ય સામાનનો ઝડપી પુરવઠો સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ભારત રશિયા પાસેથી સપાટીથી હવામાં પ્રહાર કરતી એસ-400 મિસાઇલ પ્રણાલીઓના વધારાના જથ્થાની ખરીદી પર વિચાર કરી રહ્યું છે, કારણ કે તે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ખૂબ અસરકારક સાબિત થઈ હતી.
ભારતના વડાપ્રધાન અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે વાર્ષિક શિખર બેઠક બંને દેશોના સંબંધોની સમીક્ષા માટે યોજાય છે, જેમાંથી અત્યાર સુધીમાં 22 બેઠકો યોજાઈ ચૂકી છે. પુતિને છેલ્લે 2021માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે પીએમ મોદી ગયા વર્ષે જુલાઈમાં મોસ્કો ગયા હતા.