BREAKING NEWS

રાજુલામાં પ્રોપર્ટી બ્રોકરની પ્રૌઢ સાથે નવ લાખની છેતરપીંડી

  • November 21, 2025 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજુલામાં પ્રોપર્ટી બ્રોકરની પ્રૌઢ સાથે નવ લાખની છેતરપીંડી પ્રૌઢનો ફ્લેટ 12 લાખમાં વેચાણ કરી દેશે જેના બદલામાં 15 લાખનો પ્લોટ લેવાની વાત કરી 9 લાખ મેળવી લીધા બાદ દસ્તાવેજ કરી ના આપતા દિલુ કોટીલા સામે ગુનો આજકાલ પ્રતિનિધિ રાજકોટ રાજુલામાં એસ્ટેટ બ્રોકરે ફ્લેટ વેંચાણની સામે પ્લોટ આપવાનું કહી પ્રૌઢ પાસેથી નવ લાખ લઇ પ્લોટનો દસ્તાવેજ કરી ના આપી પૈસા હવે ભૂલી જજો કહેતા પ્રૌઢે એસ્ટેટ બ્રોકર વિરુદ્ધ રાજુલા પોલીસ મથકમાં છેતરપીંડીની કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે એસ્ટેટ બ્રોકર દિલુ કોટીલા સામે ગુનો નોંધ્યો છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજુલામાં શિક્ષક સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા પ્રમોદભાઈ નંદલાલભાઈ જૉશી (ઉ.વ.60)નો રાજુલામાં આવેલી ધારનાથ સોસાયટીમાં રામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ આવેલો હોય તે વેચવા માટે પ્રોપર્ટી ડીલર દિલુ કોટીલા (રહે-જૂની બાર પટોડી, તા.રાજુલા)નો સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે પ્રૌઢના ઘરે બેઠક થઈ તેમાં ફ્લેટ રૂ.12 લાખમાં વેંચાણ કરવાનું અને દિલુ કોટીલાનો રૂ.15 લાખનો પ્લોટ લેવાનું નક્કી થયું હતું. આથી ઉપરના રૂ.3 લાખ પ્રમોદભાઈએ રોકડ દિલુ કોટીલાને આપ્યા હતા. જે બાદ પ્લોટનો દસ્તાવેજ કરી આપવાનું કહેતા દિલુ કોટીલાએ જંત્રી મુજબ છ લાખ રોકડ આપો એ પછી દસ્તાવેજ કરી આપવાનું કહેતા પ્રૌઢે જંત્રીના ભાવ મુજબ રૂ.6 લાખનો ચેક આપતા દિલુ કોટીલાએ ચેક નહીં રોકડ પૈસા આપવાનું કહ્યું હતું. આથી પ્રૌઢે રૂ.6 લાખ રોકડા આપ્યા હતા. એ પછી પ્લોટનો દસ્તાવેજ કરી આપવાનું કહેતા દિલુ કોટીલા અવાર નવાર બહાના કાઢતો હતો. ત્રણેક મહિના પહેલા દિલુ કોટીલા સાથે પ્રૌઢે વાત કરતા દિલુએ કહ્યું હતું કે, તમારો ફ્લેટ તમારી મેળે વેચી નાખો, પ્લોટ ખરીદવાનો સોદો હતો એ કેન્સલ થયેલો છે. અને તમારા રૂપિયા હવે પરત મળશે નહીં તમારે ભૂલી જવાના છે. આથી અંતે પ્રૌઢે રાજુલા પોલીસમાં પોતાની સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે દિલુ કોટીલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application