જામનગરમાં શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા

  • April 25, 2025 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સાંજે ધર્મ સભા:વૈષ્ણવો સેવકોને કરાશે સન્માનિત



જામનગરમાં પુષ્ટિ માર્ગના સ્થાપક-પ્રવર્તક શ્રીમદ વલ્લભાચાર્યજીના ૫૪૮મા પ્રાકટ્ય મહોત્સવની વૈષ્ણવ સમાજ દ્વારા ભક્તિભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.  મોટી હવેલી ખાતેથી સવારે પ્રભાત ફેરી અને સાંજે શોભાયાત્રા યોજાઈ હતી.


ચૈત્ર વદ અગિયારસ તા.૨૪ એપ્રિલના રોજ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મોટી હવેલીમાં સવારે ૬ વાગ્યે મંગલા આરતી, ૭ વાગ્યે મોટી હવેલી ખાતેથી વાહનો સાથેની પ્રભાતફેરી પ્રસ્થાન પામીને સેતાવાડ, ખંભાળીયા ગેઈટ, સુમેર ક્લબ રોડથી સાત રસ્તા થઈને ગૌરવ પથથી ત્રણ દરવાજા અને ત્યાંથી મહાપ્રભુજીની બેઠક ખાતે વિરામ પામી હતી. 



બાદમાં બપોરે ૧૨ વાગ્યે રાજભોગમાં તિલકના દર્શન રખાયા હતા. ત્યાર બાદ સાંજે ૬ વાગ્યે મોટી હવેલી ખાતેથી એક શોભાયાત્રા વલ્લભરાયજી મહોદય, રાસદ્રરાયજી, પ્રેમાદ્રરાયજીની અગ્રતામાં યોજાઈ હતી. આ શોભાયાત્રામાં તમામ વૈષ્ણવો સહપરિવાર  ભાઈઓએ ધોતી બંડી પહેરી કેસરી ઉપરણો ધારણ કરીને તિલક કરીને  બહેનોએ કેસરી, લાલ, પીળા રંગના વસ્ત્રો પરિધાન કરીને જોડાયા હતા



આ શોભાયાત્રા વાણીયાવાડથી ચાંદી બજાર, માંડવી ટાવરથી હવાઈચોક થઈને જલાની જાર થઈને મોટી હવેલી ખાતે પરત ફરી હતી. આ શોભાયાત્રામાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રીષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા,શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, નગરસેવક ગોપાલભાઈ સોરઠીયા,રાજાણીભાઈ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.



આજે તા.૨૫ના શુક્રવારે સાંજે ૬ વાગ્યાથી ધર્મસભા યોજાશે. જેમાં પણ.પ.પૂ. વલ્લભરાયજી મહોદય, રસાદ્રરાયજી, પ્રેમાદ્રરાયજી તથા અન્ય સંતો મહંતો અને શાસ્ત્રીઓના પ્રવચનો થશે. ત્યાર બાદ આ સભામાં વર્ષોથી મોટી હવેલીમાં નિ:સ્વાર્થ સેવા આપતા પાંચ વૈષ્ણવોને આચાર્યોના હસ્તે આશીર્વાદ પત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application