'આત્મનિર્ભર નારી શક્તિ સે સંવાદ' કાર્યક્રમને પ્રધાનમંત્રીએ કર્યો સંબોધિત

  • August 12, 2021 08:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ'માં ભાગ લીધો હતો અને દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્થપાઇ અને પ્રોત્સાહિત કરાયેલા મહિલા સ્વ-સહાય જૂથો (SHG)નાં સભ્યો/સામુદાયિક સંસાધન વ્યક્તિઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર દેશમાંથી મહિલા સ્વ-સહાય જૂથ સભ્યોની સાફલ્ય ગાથાઓનો એક સંગ્રહ અને કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું પ્રધાનમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ 4 લાખથી વધુ સ્વ-સહાય જૂથોને રૂ. 1625 કરોડના મૂડીકરણ મદદ નિધિ પણ જારી કરી હતી. એ ઉપરાંત તેમણે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયની યોજના પીએમએફએમઈ (પીએમ ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ) હેઠળ 7500 એસએચજી સભ્યો માટે રૂ. 25 કરોડ પ્રારંભિક નાણાં તરીકે અને મિશન હેઠળ સ્થપાઈ-પ્રોત્સાહિત કરાઇ રહેલા 75 એફપીઓ (ખેડૂત ઉત્પાદક સંગઠનો)ને ભંડોળ તરીકે રૂ. 4.13 કરોડ પણ જારી કર્યા હતા. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી પશુપતિ કુમાર પારસ, ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ અને ફાગન સિંહ કુલસ્તે, પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ મોરેશ્વર પાટીલ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે પ્રધાનમંત્રીએ કોરોના સમયગાળા દરમિયાન એમની અભૂતપૂર્વ સેવાઓ બદલ મહિલાઓનાં સ્વ-સહાય જૂથોની પ્રશંસા કરી હતી. માસ્ક અને સૅનિટાઇઝર્સ બનાવવામાં અને જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવામાં અને જાગૃતિ ફેલાવવામાં એમનાં અજોડ યોગદાનને પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાનો અવકાશ વધારવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં વધારે મોટી ભાગીદારી માટે રક્ષા બંધનના અવસરે આજે 4 લાખથી વધુ એસએચજીઓને મોટી નાણાકીય મદદ આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે સ્વ-સહાય જૂથ અને દીન દયાળ અંત્યોદય યોજનાએ ગ્રામીણ ભારતમાં નવી ક્રાંતિ આણી છે. મહિલા સ્વ-સહાય જૂથોની આ ચળવળ છેલ્લા 6-7 વર્ષોમાં વધારે સઘન બની છે. તેમણે કહ્યું કે આજે સમગ્ર દેશમાં 70 લાખ સ્વ-સહાય જૂથો છે જે 6-7 વર્ષો પહેલાંના આંકડા કરતા ત્રણ ગણા વધારે છે.  

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે આ સરકાર પહેલાના સમયમાં જ્યારે કરોડો બહેનોની પાસે બૅન્ક ખાતાં ન હતાં, તેઓ બૅન્કિંગ વ્યવસ્થાથી જોજનો દૂર હતાં અને એટલે જ સરકારે જન ધન ખાતાં ખોલવા માટે જંગી અભિયાન શરૂ કર્યું હતું એમ તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આજે 42 કરોડથી વધારે જન ધન ખાતાં છે જેમાંથી 55% જેટલાં ખાતાં મહિલાઓનાં છે. તેમણે કહ્યું હતું કે બૅન્કો પાસેથી લોન લેવાનું સરળ બનાવવા બૅન્ક ખાતાં ખોલવામાં આવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ બહેનો માટે સરકારે પૂરી પાડેલી મદદ અગાઉની સરકાર કરતાં અનેક ગણી વધારે છે. સ્વ-સહાય જૂથોને રૂ. 4 લાખ કરોડની બિનસલામત લોન ઉપલબ્ધ કરાવાઇ છે. તેમણે કહ્યું કે છેલ્લાં 7 વર્ષોમાં બૅન્કોને પુન:ચૂકવણીમાં સ્વ-સહાય જૂથોએ બહુ સારું કાર્ય કર્યું છે. એવો સમય હતો જ્યારે 9% જેટલી બૅન્ક લોન એનપીએ થતી હતી. હવે એ ઘટીને 2-3% થઈ છે. સ્વ-સહાય જૂથોમાં તેમણે મહિલાઓની પ્રામાણિક્તાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ એવી જાહેરાત પણ કરી હતી કે હવેથી સ્વ-સહાય જૂથોને ગેરંટી વિના મળતી લોન માટેની મર્યાદા બમણી કરીને રૂ. 20 લાખ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તમારા બચત ખાતાંને લોન ખાતાં સાથે જોડવાની શરત પણ દૂર કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે આવા ઘણા પ્રયાસોથી, તમે હવે આત્મનિર્ભરતાના અભિયાનમાં વધારે ઉત્સાહ સાથે આગળ વધી શક્શો. તેમણે કહ્યું હતું કે કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગમાં મહિલા સ્વ-સહાય જૂથો માટે અનંત સંભાવનાઓ રહેલી છે. તેમણે કહ્યું એક ખાસ ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે જેથી સ્વ-સહાય જૂથો આ ભંડોળમાંથી મદદ લઈને કૃષિ આધારિત સગવડો સર્જી શકે. તમામ સભ્યો વાજબી દરો નક્કી કરીને અને અન્યોને ભાડે આપીને પણ આ સુવિધાઓનો લાભ લઇ શકે છે. તેમણે સૂચવ્યું હતું કે, ઓનલાઇન કંપનીઓ સાથે સહયોગ કરીને સ્વ-સહાય જૂથો એમનાં ઉત્પાદનો સારા પેકેજિંગમાં શહેરોમાં સરળતાથી મોકલી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સરકાર પણ મેડ ઇન ઇન્ડિયા ભારતમાં બનતાં રમકડાંને પ્રોત્સાહન આપી રહી છે અને આ માટે શક્ય તમામ મદદ કરી રહી છે. ખાસ કરીને આપણા આદિવાસી વિસ્તારોની બહેનો જેઓ પરંપરાગત રીતે આની સાથે સંકળાયેલાં છે. આમાં પણ સ્વ સહાય જૂથો માટે અપાર સંભાવનાઓ રહેલી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું અભિયાન દેશને એકલ વપરાશના પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટેનું છે. તેમણે સ્વ સહાય જૂથોને સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે જાગૃતિ ઊભી કરવા અને એના વિકલ્પ માટે કામ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સ્વ સહાય જૂથોને ઓનલાઇન સરકારી ઈ-માર્કેટપ્લેસનો પૂરો લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે તમામ બહેનોને ઘર, શૌચાલય, વીજળી, પાણી અને ગેસ જેવી સુવિધાઓ પૂરી પડાઇ રહી છે. સરકાર શિક્ષણ, આરોગ્ય, પોષણ, રસીકરણ અને બહેનો તેમજ દીકરીઓની અન્ય જરૂરિયાતો પર સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કાર્ય કરી રહી છે. આને લીધે મહિલાઓની ગરિમા અને આત્મવિશ્વાસ વધી રહ્યો છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે 8 કરોડથી વધુ બહેનો અને દીકરીઓની સામૂહિક શક્તિથી અમૃત મહોત્સવ નવી ઊંચાઇએ લઈ જવાશે. તેમણે એમને સેવાની ભાવના સાથે કેવી રીતે સહકાર સાધી શકે એ વિચારવા કહ્યું હતું. તેમણે મહિલાઓ માટે એમનાં ગામોમાં પોષણ જાગૃતિ અભિયાન, કોવિડ-19 રસીકરણ લેવા માટેનું અભિયાન, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે સ્વ સહાય જૂથોમાં મહિલાઓને નજીકના ડેરી પ્લાન્ટ, ગોબર પ્લાન્ટ, સોલર પ્લાન્ટની મુલાકાત લઈને એમાંથી શ્રેષ્ઠ પદ્ધતિ શીખવા જણાવ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021