પીએમ મોદીનો ભુજમાં દોઢ કિમીનો ભવ્ય રોડ શો, આકરા તાપમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, વડાપ્રધાન પર ફૂલોનો વરસાદ

  • May 26, 2025 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે. સવારે વડોદરમાં રોડ-શો યોજ્યા બાદ દાહોદ પહોંચ્યા હતા. ત્યાં દેશના પ્રથમ 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું હતું અને વેરાવળથી સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે નરેન્દ્ર મોદી ભુજ પહોંચ્યા છે અને તેમનો ભવ્ય રોડ-શો યોજાઈ રહ્યો છે.


ભુજમાં ₹53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડાપ્રધાન ભુજ ખાતેથી કચ્છ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહિસાગર જિલ્લાને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. આ વિકાસકાર્યોમાં કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસકાર્યો સામેલ છે. તેઓ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કુલ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.


સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

વડાપ્રધાનના હસ્તે જામનગરમાં 220/66 કે.વી. બાબરઝર સબસ્ટેશન, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથમાં 66 કે.વી. HTLS ટ્રાન્સમિશન લાઇનો, મોરબીમાં 11 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ – જાંબુડિયા વિડી, કચ્છ જિલ્લાના મંજલમાં 10 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, કચ્છ જિલ્લાના લાકડિયા ખાતે 35 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, જામનગર જિલ્લાના બાબરઝરમાં 210 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, ગાંધીધામની ડી.પી.એ. પ્રશાસનિક કચેરીમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારનો વિકાસ અને સુવિધાઓ જેવા ઘણાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.


વડાપ્રધાનના હસ્તે થનારા ખાતમુહૂર્તના કાર્યોમાં ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠા માટે ±800 કે.વી. HVDC પ્રોજેક્ટ, ખાવડા રીન્યુએબલ પાર્કમાંથી વધારાની 7 GW વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ, મહિસાગરમાં કડાણા હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટના 60 મેગાવોટ યુનિટ માટે પમ્પ મોડ ઓપરેશન, કચ્છના ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી ચાર લેન હાઇ સ્પીડ કોરિડોર, કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજ (ROB) નું નિર્માણ અને 6 લેન માર્ગોમાં સુધારો, ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application