રાજ્ય વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને શિસ્તબદ્ધ કાર્યશૈલી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. સરકાર હવે ૫૫ વર્ષની વય વટાવ્યા બાદ પણ નબળી કામગીરી કરનારા અથવા ફરજ પ્રત્યે બેદરકાર રહેતા કર્મચારીઓની સમીક્ષા કરી તેમને સમય પૂર્વે નિવૃત્ત (કમ્પલસરી રિટાયરમેન્ટ) કરી ‘ઘર ભેગા’ કરવાની તૈયારીમાં છે.
હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા જારી કરાયેલા તાજેતરના પરિપત્ર મુજબ, ગ્રુપ-૧ થી ગ્રુપ-૪ સુધીના એવા તમામ કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેઓ ૧ ઓક્ટોબર ૨૦૨૬ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન ૫૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ પ્રક્રિયા માટે વિભાગોને આગામી ૩૦ મે ૨૦૨૬ સુધીમાં તમામ વિગતો મોકલી આપવા આદેશ કરવામાં આવ્યો છે.
સરકારે કર્મચારીઓના મૂલ્યાંકન માટે ૧૧ મહત્વના મુદ્દાઓ નક્કી કર્યા છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.છેલ્લા કેટલાક વર્ષોના સેવા રેકોર્ડ અને ગુપ્ત અહેવાલો (એસીઆર) કર્મચારી સામે કોઈ વિભાગીય તપાસ કે શિસ્તભંગના કેસ પેન્ડિંગ છે કે કેમ?કોઈ ગુનાહિત કે કોર્ટ કેસની કાર્યવાહી,કર્મચારીની શારીરિક અને માનસિક સક્ષમતા તેમજ આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી વહીવટી તંત્રમાં બિનઉત્પાદક અને કામચોર કર્મચારીઓને કારણે સરકારી કામકાજની ગતિ ધીમી પડતી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. આ સમીક્ષાનો મુખ્ય હેતુ એવા કર્મચારીઓને ચિહ્નિત કરવાનો છે જેઓ વહીવટમાં ભાર સમાન છે. જો કોઈ કર્મચારીની કામગીરી સંતોષજનક નહીં જણાય અથવા તેમની વિરુદ્ધ ગંભીર ફરિયાદો હશે, તો સરકાર તેમને જનહિતમાં નિવૃત્ત કરી શકશે.
આ આદેશથી સચિવાલય સહિત રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરકારના આ કડક વલણને કારણે હવે વરિષ્ઠ કર્મચારીઓએ પણ પોતાની કાર્યક્ષમતા સાબિત કરવી પડશે, અન્યથા ૫૮ વર્ષની વય મર્યાદા પહેલાં જ વિદાય લેવાની નોબત આવી શકે છે.