BREAKING NEWS

ગુજરાતમાં નવા યુગના ઉદ્યોગોને થ્રસ્ટ સેક્ટર ટેગ મળવાની તૈયારી

  • January 07, 2026 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવા જઈ રહી છે, જેમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે અનેક મહત્વના ફેરફારો સૂચવવામાં આવ્યા છે. આ નીતિ હેઠળ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના સહાયક યુનિટ, રોબોટિક્સ અને ડ્રોન ઉત્પાદન, ન્યુક્લિયર પાવર સાધનોનું ઉત્પાદન જેવા નવા યુગના ઉદ્યોગોને થ્રસ્ટ સેક્ટર તરીકે સામેલ કરવાની તૈયારી છે.

સરકારી સૂત્રો મુજબ, લાંબા સમય બાદ રાજ્યમાં ફરીથી કેપિટલ સબસિડી શરૂ કરવાની યોજના પણ નવી નીતિનો મહત્વનો ભાગ હશે. હાલ કેપિટલ સબસિડી મુખ્યત્વે માઇક્રો યુનિટ્સ સુધી મર્યાદિત છે, પરંતુ નવી નીતિમાં મોટા ઉદ્યોગોને પણ તેનો લાભ મળશે. ડ્રાફ્ટ નીતિ પ્રમાણે, મોટા ઉદ્યોગોને પાત્ર સ્થિર મૂડી રોકાણના 20 ટકા સુધી પ્રોત્સાહન મળી શકે છે. પછાત તાલુકાઓમાં થનારા પ્રોજેક્ટ્સ માટે વધુ સબસિડીની જોગવાઈ પણ કરવામાં આવી છે.


ગુજરાત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે અને 2036 ઓલિમ્પિક્સ માટે બિડ કરી રહ્યું છે. આ પરિપ્રેક્ષ્યમાં, રમતો માટેના સાધનોના ઉત્પાદનને પણ થ્રસ્ટ સેક્ટર તરીકે સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ટોય મેન્યુફેક્ચરિંગ, બ્લુ ઇકોનોમી સંબંધિત પ્રવૃત્તિઓ, ફૂટવેર અને ચામડાં ઉદ્યોગ, વાહન સ્ક્રેપિંગ તેમજ ઇ-વેસ્ટ અને ટેક્સટાઇલ વેસ્ટના રિસાયક્લિંગ જેવા ક્ષેત્રોને પણ નવી નીતિમાં વિશેષ સ્થાન મળશે.


રૂ. 2,500 કરોડથી વધુનું રોકાણ કરનાર અથવા વ્યૂહાત્મક રીતે મહત્વના ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓ માટે કસ્ટમાઇઝ્ડ ઇન્સેન્ટિવ પેકેજની જોગવાઈ કરવામાં આવી છે. આવા મોટા પ્રોજેક્ટ્સને રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને કાર્યરત હાઇ-પાવર્ડ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવશે.


નવી નીતિમાં રોજગાર સંબંધિત નિયમોમાં પણ મહત્વનો ફેરફાર સૂચવાયો છે. એરોસ્પેસ અને ડિફેન્સ નીતિમાં સ્થાનિક રોજગારના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. અત્યાર સુધી ઉદ્યોગોને 85 ટકા કર્મચારીઓ ગુજરાતના રાખવા ફરજિયાત હતા, જે હવે ઘટાડીને 50 ટકા કરવામાં આવશે. ઉદ્યોગ જગત લાંબા સમયથી આ માંગ કરી રહ્યું હતું.


સરકારે એમએસએમઈ (નાના અને મધ્યમ ઉદ્યોગો) માટે પણ વધુ મજબૂત પ્રોત્સાહન આપવાની તૈયારી દર્શાવી છે. એમએસએમઈને રાજ્યની અર્થવ્યવસ્થા અને રોજગાર સર્જનમાં મહત્વપૂર્ણ ગણાવવામાં આવે છે. ઉદ્યોગ સંગઠનના પ્રતિનિધિઓનું માનવું છે કે જો ગુજરાત મોટા ઉદ્યોગોને કેપિટલ સબસિડી આપે તો રાજ્યમાં નવા અને મોટા રોકાણો આકર્ષિત થશે.

સરકાર દ્વારા જણાવાયું છે કે નીતિ જાહેર કરતા પહેલા તેમાં કેટલીક અંતિમ સુધારાઓ શક્ય છે, પરંતુ નવી નીતિથી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ વધુ ગતિશીલ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application