રાજકોટ જિલ્લા પંચાયતમાં પતિદેવોનું રાજ ! પ્રમુખ બન્યા પ્રવિણા રંગાણી પણ સોશિયલ મીડિયામાં સંજયભાઇને પ્રમુખ તરીકે બિરદાવી પાઠવી શુભેચ્છા...

  • September 13, 2023 05:10 PM 

આમ તો ભાજપના રાજમાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે, તમામ ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધે તેવી વાતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ કરવામાં આવી છે. અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટાયેલા મહિલા સદસ્યોના પતિને વહીવટ ન કરવાની ટકોર કરી હતી. તેમ છતાં રાજકોટ જિલ્લા પંચાયતમાં અલગ જ ઘાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવિણા સંજયભાઈ રંગાણીની નિમણૂક થઈ છે. જોકે સોશિયલ મીડિયામાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સંજય રંગાણીને માનવામાં આવી રહ્યા છે અને તેમના પર શુભેચ્છાની વર્ષા થઈ રહી છે. 


રાજકોટ જિલ્લા પંચાયતમાં હજી પણ પદ પર પત્નીના પતિદેવો અડિંગો જમાવી બેઠા હોય તે પ્રકારની ચર્ચા વહેતી થઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે. અગાઉ પણ સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયતના મહિલા સભ્યોના પતિદેવો હાજર રહેતા વિવાદ છેડાયો હતો. પદ પર જે મહિલા હોય તેની બદલે તેના પતિ હાજર રહેતા વિવાદ શરૂ થયો હતો. તે સમયે જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, મહિલા સભ્યો અભણ હોય છે જેથી તેના પતિ તમામ કામ કરતા હોય છે. જોકે બાદમાં મહિલા સભ્યોને હાજર રહેવાનું ફરજિયાત કરાયું હતું. હવે જ્યારે નવા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી થઈ છે. તેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવિણા રંગાણીનું નામ જાહેર થયું છે. પ્રદેશ દ્વારા મહિલા અનામતને ધ્યાનમાં રાખી પ્રવિણા રંગાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે પરંતુ સોશિયલ મીડિયામાં કંઇક અલગ જ ઘાટ સર્જાયો છે. આમ તો પ્રદેશ તરફથી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવિણા રંગાણીની પસંદગી થઈ છે પણ સોશિયલ મીડિયામાં તમામ લોકો પ્રવિણા રંગાણીના પતિ સંજય રંગાણીને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application