BREAKING NEWS

તમિલનાડુમાં વિજય માટે સત્તાનું ગણિત પેચીદું બન્યું, કોનો હાથ પકડશે; કોંગ્રેસ કે ડીએમકેનો?

  • May 05, 2026 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં સોમવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન સાબિત થયો છે. દાયકાઓથી જે રાજ્યમાં ડીએમકે અને એઆઈએડીએમકેનું એકહથ્થુ શાસન રહ્યું છે, ત્યાં સુપરસ્ટાર વિજયની નવી પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (ટીવીકે)એ વાવાઝોડાની જેમ પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા છે. પોતાની પ્રથમ ચૂંટણીમાં જ વિજયની પાર્ટીએ ૧૦૦થી વધુ બેઠકો જીતીને સાબિત કરી દીધું છે કે જનતા હવે ત્રીજા વિકલ્પ તરફ જોઈ રહી છે. જોકે, આટલી ભવ્ય સફળતા છતાં વિજય બહુમતીના જાદુઈ આંકડા ૧૧૮ બેઠકોથી થોડા દૂર રહી ગયા છે, જેને કારણે રાજ્યમાં સત્તાનું ગણિત પેચીદું બન્યું છે. વિજય હવે સત્તા માટે કોનો હાથ પકડશે કોંગ્રેસ કે ડીએમકે? આ સવાલથી રાજકારણ ગરમાયું છે.


વિજયના પિતા અને જાણીતા ફિલ્મ નિર્માતા એસ.એ. ચંદ્રશેખરે આ જીતને ઐતિહાસિક ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે વિજય છેલ્લા ૩૦ વર્ષથી સામાજિક સેવા અને તમિલનાડુના વિકાસના સપના જોતો હતો. એક કલાકાર હોવાની સાથે તેની પાસે સામાજિક વિચારધારા પણ છે, જે તેને રાજકારણમાં ખેંચી લાવી છે. ચંદ્રશેખરે વધુમાં ઉમેર્યું કે વિજયનો આત્મવિશ્વાસ કાબિલ-એ-દાદ છે, કારણ કે તેણે કોઈ પણ મોટા પક્ષ સાથે જોડાણ કર્યા વગર પોતાના દમ પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આજે તે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યો છે તે તેની હિંમત અને મહેનતનું પરિણામ છે.


હવે જ્યારે ટીવીકે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે આગળ શું? વિજય માટે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચવા માટે હજુ ૧૧૮ બેઠકોના ટેકાની જરૂર છે. હાલની સ્થિતિ જોતા રાજકીય પંડિતોની નજર કોંગ્રેસ પર ટકેલી છે. શું વિજય સરકાર બનાવવા માટે કોંગ્રેસનો સાથ લેશે? કે પછી કોંગ્રેસ પોતાની જૂની સાથી પાર્ટી ડીએમકે સાથે જ રહેશે? આ અનિશ્ચિતતાએ તમિલનાડુના રાજકારણમાં ભારે સસ્પેન્સ સર્જ્યું છે. બીજી તરફ, એઆઈએડીએમકે પણ પોતાની પકડ મજબૂત કરવા મથી રહી છે, પરંતુ વિજયના ઉદયે તેમના માટે પણ પડકારો ઉભા કર્યા છે.

તમિલનાડુએ અત્યાર સુધી એમ.જી. રામચંદ્રન અને જયલલિતા જેવા અભિનેતામાંથી નેતા બનેલા દિગ્ગજોને સ્વીકાર્યા છે. હવે 'થલાપતિ' વિજય તે જ માર્ગે આગળ વધી રહ્યો હોય તેમ લાગે છે. વિજય સામે હવે બે રસ્તા છે કાં તો તે પોતાની 'એકલા ચલો'ની નીતિ પર મક્કમ રહીને વિપક્ષમાં બેસે, અથવા ગઠબંધન કરીને સત્તાના સૂત્રો સંભાળે. વિજય જે પણ નિર્ણય લેશે, તે માત્ર તેની પાર્ટીનું ભવિષ્ય જ નહીં પણ તમિલનાડુના રાજકારણની આગામી દશા અને દિશા નક્કી કરશે. હાલ તો રાજ્યમાં 'દ્રવિડિયન મોડલ' વિરુદ્ધ 'વિજય મોડલ' વચ્ચેની આ જંગે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application