જામનગર લોકસભા બેઠક પર પૂનમબેનની હેટ્રીક: હાલારમાં ઉત્સાહ

  • March 04, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક માત્ર આજકાલ દ્વારા જ સ્પષ્ટ વરતારો અપાયો હતો કે, જામનગરની બેઠક પર પૂનમબેન રીપીટ થશે: ૧૯૫ બેઠકોની પ્રથમ યાદીમાં જ જામનગરની બેઠકના ઉમેદવારનું નામ જાહેર થતાંની સાથે જ શહેર અને જિલ્લામાં તથા દ્વારકામાં આતશબાજી કરાઇ: પૂનબેન માડમ પર અભિનંદનનો વરસાદ: વડાપ્રધાન સહિત ભાજપની કેન્દ્રીય ટીમનો આભાર માનતા સાંસદ: દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

જામનગર અને દેવભુમિ દ્વારકા બંને જિલ્લાને સમાવી લેતી ૧૨-જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂનમબેન માડમને રીપીટ કરવામાં આવ્યા છે અને શનિવારે સાંજે જયારે ભાજપની પ્રથમ યાદી સાથે સૌરાષ્ટ્રની ત્રણ બેઠકોમાં જામનગરની બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને નામ જાહેર થતાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. શહેરના ભાજપ કાર્યાલય પર આતશબાજીનો નજારો જોવા મળ્યો હતો, ભારતીય જનતા પાર્ટીના લગભગ તમામ લોકોએ પૂનમબેન માડમને અભિનંદન આપ્યા હતાં, ઉમેદવાર તરીકે તો એમની હેટ્રીક થઇ ગઇ છે હવે પાંચ લાખની લીડના લક્ષ્યને પાર કરવાનો સંકલ્પ વ્યકત કરવામાં આવ્યો છે, ગઇકાલે તેઓ દ્વારકા ખાતે પહોંચ્યા હતાં અને કાળીયા ઠાકોર સમક્ષ શીશ ઝુકાવ્યા હતાં. ચૂંટણીની તારીખોની સતાવાર જાહેરાત થાય એ પછી પ્રચાર-પ્રસાર પણ શરુ થઇ જશે, ભાજપની આખી ટીમમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
૨૦૧૪ અને ૨૦૧૯માં બંને વખત પૂનમબેન માડમે લોકસભા બેઠક પર ભવ્ય જીત પ્રાપ્ત કરી હતી, પોતાની પ્રથમ ચૂંટણીમાં જ કોંગીના દિગ્ગજ એવા વિક્રમ માડમને પરાજીત કર્યા હતાં અને ગત લોકસભાની ચૂંટણીમાં મુળુભાઇ કંડોરીયા સામે રેકર્ડબ્રેક ૨.૩૬ લાખની લીડ સાથે એમણે જીત પ્રાપ્ત કરી હતી.
આ વખતેની લોકસભાની ચૂંટણીની તારીખો હજુ જાહેર થઇ નથી, ભાજપે એક નવી રણનીતિ સાથે આખેઆખી પ્રક્રિયા જુદી રીતે શરુ કરી છે, સૌ પ્રથમ ગુજરાતની તમામ ૨૬ બેઠકના મઘ્યસ્થ ચુંટણી કાર્યાલયના ઉદઘાટન કરી દેવામાં આવ્યા હતાં અને આ પછી ઉમેદવારની યાદીનો ઇન્તેજાર થતો હતો, હંમેશની જેમ આ વખતે પણ પૂનમબેન માડમની ઉમેદવારીને લઇને ગપગોળા ચલાવવામાં આવતા હતાં, આ વખતે કાંઇક નવું થશે, નવો ચહેરો આવશે, એવી વ્યાપક પ્રમાણમાં વાતો ચલાવવામાં આવી હતી અને ખુદ લોકો પણ એક તબકકે ક્ધફયુઝ થઇ ગયા હતાં, કે ખરેખર ભાજપ શું આ વખતે કાંઇ નવા-જુની કરવાનું છે ? પરંતુ શનિવારે તમામ ચર્ચાઓ માત્ર અફવાઓ જ સાબીત થઇ હતી, જયારે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.
શનિવારે સાંજે ૬:૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ, રાજનાથસિંઘ, સહિતના દેશના દિગ્ગજોની સાથે ગુજરાતની ૧૫ અને સૌરાષ્ટ્રની ૩ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થયા હતાં, રાજકોટની બેઠક પર જુના જોગી પુરુષોતમભાઇ રુપાલા અને પોરબંદરમાં મનસુખભાઇ માંડવીયાના નામની જાહેરાત બાદ જામનગરની બેઠક પર પૂનમબેન માડમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું અને લગભગ આવું પણ પહેલી વખત થયું છે કે, ભાજપની પ્રથમ યાદીમાં જ કોઇ સંકોચ વીના જામનગરની બેઠકનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, નામ જાહેર થતાં પહેલા ઉમેદવારને લઇને ઘણા ગપગોળા ચલાવવામાં આવતાં હતાં, જેટલા મોઢા એટલી વાતો મુજબ ઘણા બધા લોકો એમ પણ કહેતા હતાં કે, આ વખતે ઉમેદવારમાં ફેરફાર થશે, પરંતુ આજકાલ દૈનિક દ્વારા જામનગરની બેઠક પર પૂનમબેન માડમ રિપીટ થશે એવું વિશ્ર્વાસપૂર્વક કહેવામાં આવ્યું હતું અને એક પણ વખત એવું કહેવાયું ન હતું કે અહીં ટીકીટ કપાશે.
ભાજપની યાદી જાહેર થતાંની સાથે આજકાલ દ્વારા આપવામાં આવેલ અહેવાલોને પણ સમર્થન મળ્યું છે અને વધુ એક વખત રાજકીય પવનને પારખવામાં તથા આગાહી કરવામાં આજકાલ એ વધુ એક વખત વિશ્ર્વસનીયતા પ્રાપ્ત કરી છે.
શનિવારે નામ જાહેર થતાંની સાથે જ જામનગર શહેર ભાજપ કાર્યાલયની બહાર આતશબાજી કરવામાં આવી હતી, મીઠાઇ ખવડાવીને મોઢા મીઠા કરાવાયા હતાં, દરેક ચૂંટાયેલા સભ્યો અને ભાજપના આગેવાનોએ પૂનમબેન માડમને ફુલડે વધાવીને શુભેચ્છા પાઠવી હતી. ગઇકાલ જયારે તેઓ દ્વારકા પહોંચ્યા ત્યારે પણ સ્થાનિક ભાજપના આગેવાનોએ જાજરમાન સ્વાગત કર્યુ હતું, સન્માન કર્યુ હતું અને પૂનમબેન માડમે દ્વારકાધીશજીના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News