જામનગરમાં ૪૯ ‘દિ બાદ મતદાન: ભાજપને કંટાળો, કોંગીને હાશકારો

  • March 18, 2024 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબકકામાં ગુજરાતને સ્થાન મળતાં ચૂંટણીની તૈયારીઓની ગાડી થોડી ધીમી પડશે: તમામ તૈયારીઓ કરીને બેઠેલું ભાજપ કદાચ વહેલી ચૂંટણી ઇચ્છતું હતું: ઉમેદવારોની શોધ ચલાવી રહેલી કોંગ્રેસને વધુ સમય મળ્યાનો સંતોષ

લોકસભાની ચૂંટણીની જાહેર થયેલી તારીખોમાં કુલ ૭ તબકકામાં થનારી ચૂંટણીમાં ગુજરાતને ત્રીજા તબકકામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આજથી ૪૯ દિવસ બાદ લોકસભાની ચૂંટણી માટે જામનગર-દેવભુમિ દ્વારકામાં મતદાન થશે, ગુજરાતભરના પગલે લોકશાહીના સૌથી મોટા પર્વના અનુસંધાને મુખ્ય રાજકીય પક્ષો માટે હવે પોતાની તાકાત દેખાડવા માટેના દિવસો નિશ્ર્ચિત થઇ ગયા છે, જો કે અપેક્ષા કરતા ગુજરાતની ચૂંટણી થોડી પાછી ઠેલાઇ હોવાથી એવું સામાન્ય રીતે દેખાઇ રહ્યું છે કે, કદાચ તમામ તૈયારી પૂર્ણ કરી લેનાર ભાજપ માટે ચૂંટણીની તારીખો થોડી કંટાળાજનક છે, તો બીજી તરફ હજુ વધુ દિવસો મળતા ગોટે ચડેલી ગુજરાત કોંગ્રેસને કદાચ હાંશકારો પણ થયો હશે, એવી અપેક્ષા હતી કે, ગુજરાતનું કદાચ પહેલા અથવા બીજા તબકકામાં સમાવેશ થઇ જશે, પરંતુ આવું થયું નથી.
ચૂંટણીની તૈયારીઓની વાત કરીએ તો સતાધારી ભાજપે તૈયારીઓના નામે કાંઇ બાકી રાખ્યું નથી, આખેઆખું સેટઅપ તૈ્યાર છે, ૧૨-જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમનું નામ જાહેર થઇ ચૂકયું છે, સંગઠન લેવલે ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને છેલ્લા છએક માસથી જે રીતે સંગઠન સહિતની ટીમ દોડી રહી છે અને હવે તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે ત્યારે સ્વભાવિક છે, ભાજપ એવું ઇચ્છતું હશે કે મતદાનનો દિવસ જલ્દીથી આવી જાય એટલે એક પ્રક્રિયા પૂર્ણ થાય, પરંતુ આવું થઇ શકયું નથી.
ભાજપે મઘ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પણ કરી લીધા છે અને દરેક વિધાનસભા પ્રમાણે ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કરવા માટેની રુપરેખા પણ ઘડાઇ ગઇ હતી, તારીખો પાછી ઠેલાવાના કારણે હવે ભાજપને આ બધી પ્રક્રિયાઓ પર હાલ તુરંત બ્રેક લગાવી પડે એવી સ્થિતિ થઇ છે અને એમનો ઇન્તેજાર વધી ગયો છે.
બીજી તરફ મુખ્ય વિપક્ષ એટલે કે કોંગ્રેસને કમસેકમ ગુજરાતની ચૂંટણીની તારીખોને લઇને કદાચ થોડો હાંશકારો થયો હશે, કારણ કે કોંગ્રેસ હજુ સુધી જામનગર સહિતની ગુજરાતની ઘણીબધી બેઠકના પોતાના ઉમેદવારના ચહેરા પણ નકકી કરી શકી નથી અથવા કોઇ સક્ષમ ચહેરા કોંગ્રેસને કદાચ મળી રહ્યા નથી.
જામનગરમાં બીગ ફાઇટ માટે ટીમ-બી એટલે કે ભાજપના ઉમેદવાર નકકી થઇ ગયા છે, પરંતુ ટીમ-સી એટલે કે કોંગ્રેસનો ચહેરો હજુ સુધી સ્પષ્ટ થઇ શકયો નથી અને સુત્રો એવું કહી રહ્યા છે કે, કદાચ આવતીકાલે એટલે કે ૧૯ તારીખે ગુજરાતની બાકીની સીટો માટે કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામ જાહેર કરી શકે છે અને તેમાં જામનગરના ઉમેદવારનું નામ સ્વભાવિક રીતે જાહેર થશે ત્યારે સ્પષ્ટ થશે કે પૂનમબેન માડમની સામે કોંગ્રેસનો કયો ચહેરો ચૂંટણી લડશે.
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો મહાપર્વ ૧૯ એપ્રિલથી વાસ્તવમાં શરુ થશે અને પ્રથમ તબકકાનું આ દિવસે મતદાન થવાનું છે, બીજા તબકકાનું ૨૬ એપ્રિલ અને ત્રીજા તબકકાનું ૭ મેના રોજ મતદાન થશે જેમાં જામનગર સહિત ગુજરાતની ૨૬ બેઠકો પર મંગળના દિવસે ચૂંટણીનું દંગલ થશે.
સ્થાનિક ભાજપની ટીમ કદાચ એવી ગણતરીમાં હતી કે, એપ્રિલ માસમાં જ જામનગર સહિત ગુજરાતમાં મતદાનનો દિવસ આવી જશે અને તેના અનુસંધાને જ શહેર તથા જિલ્લા સંગઠનની ટીમ અને ભાજપ શાસીત જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો દ્વારા તૈ્યારીઓ કરવામાં આવી રહી હતી.
સાંસદ પૂનમબેન માડમ તો સતત સક્રિય હતાં જ સાથે-સાથે ધારાસભ્યો દિવ્યેશ અકબરી, મેઘજી ચાવડા, પબુભા માણેક સહિતના ભાજપના ધારાસભ્યોએ પણ લોકસભાની ચૂંટણીના અનુસંધાને પોતાની કામગીરીમાં વધારો કર્યો હતો. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ સ્વસ્થ થઇ ગયા છે, હજુ આરામમાં છે, ફીલ્ડમાં પરત આવ્યા નથી, પરંતુ કહેવાય છે કે, લોકસભાની ચૂંટણી માટે એમના દ્વારા પણ પોતાના તરફથી કામગીરી કરવામાં આવી રહી છે. શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા સહિતની ટીમ અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા સહિતની ટીમ પણ સતત વ્યસ્ત છે. આ બધા એવું ઇચ્છતા હતાં કે, એપ્રિલ માસમાં જ મતદાનનો દિવસ આવી ગયો હોત તો સારુ થાત, પરંતુ આવું થયું નથી.
બીજી તરફ વિપક્ષ કોંગ્રેસમાં આમ પણ ઘણુબધુ ઘમાસાન ચાલી રહ્યું છે, મોટા માથાઓની ભાજપમાં પ્રવેશની પરંપરા રોકાઇ નથી રહી, એવા સંજોગોમાં જે તે બેઠકો પર મજબુત ચહેરાઓને ઉતારવા કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યા છે, દા.ત. જામનગરની જ વાત કરીએ તો અહીં ભાજપના આહિર ઉમેદવાર સામે કોંગ્રેસ પાટીદાર ચહેરાને ઉતારવા માંગે છે, પરંતુ એ ચહેરો હજુ સુધી સ્પષ્ટ થઇ શકયો નથી.
એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે, કોંગ્રેસની હાઇ કમાન્ડ તરફથી જો કોંગ્રેસના શકિતશાળીઓને મનગમતું નામ આપવામાં નહીં આવે તો નારાજગી પણ વધી શકે છે અને કોંગ્રેસ માટે જામનગરમાં ચઢાણ વધુ આકરા બની શકે છે. જો કે હવે લોકસભાની ચૂંટણીની આડે પોણા બે મહીના જેવો સમય હોવાથી કોંગીને વિચારવાનો થોડો મોકો જરુર મળ્યો છે, જોઇએ કોંગી કોઇ નવો દાવ રમે છે કે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application