ખંભાળિયામાં ફરજ બજાવતા પોલીસ કર્મી ચાર વર્ષ પૂર્વેની શંકાસ્પદ કામગીરી સંદર્ભે બરતરફ

  • June 30, 2021 10:17 AM 

સુરેન્દ્રનગર જિલ્લાના બનાવમાં કસુરવાન સાબિત થતાં જિલ્લા પોલીસ વડાનું આકરુ પગલું

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર કચેરીમાં ફરજ બજાવતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની એવા એક પોલીસકર્મી દ્વારા અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂરી વગર ચેકિંગ અંગેની કામગીરી કરવામાં આવતા આ સંદર્ભે કરવામાં આવેલા રિપોર્ટ તથા તપાસ બાદ આ કર્મચારીને અહીંના પોલીસ વડાએ બરતરફ કરવાનો હુકમ કર્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર કચેરીમાં ફરજ બજાવતા અને મુળ સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા લલીતભાઈ મેરૂભાઈ સાવરીયા આ જિલ્લામાં આશરે સાતેક માસ પૂર્વે બદલી પામીને મૂકવામાં આવ્યા હતા. પ્રારંભના દિવસોમાં તેઓ ખંભાળિયા તાલુકાના વાડીનાર પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. બાદમાં છેલ્લા કેટલાક દિવસોથી તેમને પોલીસ હેડકવાર્ટરમાં ફરજ સોંપવામાં આવી હતી.

ઉપરોક્ત અનાર્મડ હેડ કોન્સ્ટેબલ લલીતભાઈ સાવરીયાને પોલીસ તરીકેની ફરજમાંથી બરતરફ કરવાનો હુકમ આજરોજ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા કરવામાં આવ્યો છે.

લલીતભાઈ વર્ષ 2017માં સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તારીખ 5-10-2017 ના રોજ તેઓને ટ્રાફિક અંગેની ફરજ બજાવવા માટે લેખિત કે મૌખિક સૂચના ન હોવા છતાં બપોરે ચારેક વાગ્યે તેઓ યુનિફોર્મ પહેર્યા વગર તેમજ સ્થાનિક પોલીસ મથકની ડાયરીમાં નોંધ કર્યા વગર શંખેશ્વર રોડ, દસાડા પંથકમાં વાહનોને અટકાવી અને વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. આ ગેરકાયદેસર અને શંકાસ્પદ કામગીરી અંગે જે-તે સમયે સ્થાનીક પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

આટલું જ નહીં, તેઓને અન્ય એક પ્રકરણ બાદ બદલી કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકવામાં આવ્યા હતા. મંજૂરી વગર ચેકીંગ અંગેના ચારેક વર્ષ પૂર્વેના પ્રકરણની તપાસ આઈ.જી.ના વડપણ હેઠળ સંપન્ન થઈ ગયા બાદ આ અંગે અહીંના જિલ્લા પોલીસ વડાને જરૂરી રીપોર્ટ મોકલવામાં આવ્યા હતા. જેના અનુસંધાને જિલ્લા પોલીસ વડાએ બરતરફીનો હુકમ કર્યો છે.

પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા નિયમ વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરી તથા બરતરફીના હુકમે પોલીસ બેડામાં ભારે ચર્ચા જગાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)