BREAKING NEWS

ચૂંટણીને લઇ પોલીસે ૧,૧૬૧ સામે અટકાયતી પગલાં લીધાં

  • April 14, 2026 08:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા આચારસંહિતના અમલમાં આવ્યા બાદ સઘન ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આચારસંહિતા લાગુ થયાના આ ૧૪ દિવસ દરમિયાન ૨૬૧૬ હથિયારો જમા લીધા છે. જ્યારે ૧૧ હથિયાર જપ્ત કર્યા છે અને ચાર હથિયારધારકના પરવાના રદ કર્યા છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તે માટે સતત અસરકારક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે દ્વારા ૧૪ દિવસ દરમિયાન મારમારી,દારૂ સહિતના ગુનામાં સંડોવાયેલા અને સંભવિત શહેરની શાંતિમાં ખલેલ પહોંચાડી શકે તેવા ૧,૧૬૧ શખસો સામે અટકાયતી પગલાં ભર્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે તા. ૨૬ એપ્રિલના મતદાન થનાર હોય ત્યારે શહેરમાં ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણીને લઇ ગઇ તા. ૧ એપ્રિલથી આચારસંહિતના લાગુ થઈ ચૂકી છે. ત્યારે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓની રાહબરિમાં પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અને એસોજી ક્રાઈમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્કોવડ સહિતની ટીમો દ્વારા ચૂંટણીને લઇ સંબંધ ચેકિંગ કાર્યવાહી ગુનેગારોને તપાસવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
શહેર પોલીસ દ્વારા ૧૪ દિવસ દરમિયાન કરવામાં આવેલી કામગીરી આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ શહેર પોલીસ દ્વારા ચૂંટણીને લઈને પરવાનેદારોએ હથિયાર જમા કરવા અંગેના જાહેરનામા અંતર્ગત કુલ ૨,૬૧૬ હથિયાર જમા લેવામાં આવ્યા છે. જ્યારે ૧૧ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ચાર પરવાનેદારોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ ૧૮૦ હથિયાર જમા લેવાના બાકી છે. આ ઉપરાંત ૨૮ પરવાનેદારોને અપવાદરૂપ કિસ્સામાં હથિયારો જમા ન કરવા અંગેની મંજૂરી આપવામાં આવી છે.
શહેર પોલીસ દ્વારા કુલ ૧૦૬૮ વોરંટ પૈકી ૧૦૧ વોરંટની બજવણી કરવામાં આવી છે.જયારે ડઝનથી વધુની પાસા હેઠળ અટકાયત કરવમાં આવી છે અને તડીવાર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News